વિસનગર મંડીબજારમાં આવેલ શાખા સવાલા દરવાજા પટેલવાડી સામે ખસેડાઈ
મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની શાખાનો નાગરિક બેંકના મકાનમાં શુભારંભ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા ડીસ્ટ્રીક્ટની વિસનગરમાં આવેલ શાખા મંડીબજારના ગીચ વિસ્તારમાં હોવાથી ટ્રાફીકની ભારે સમસ્યા રહેતી હતી. ત્યારે સવાલા દરવાજા પટેલવાડી સામે આવેલ વિસનગર નાગરિક બેંકના મકાનમાં ડીસ્ટ્રીક્ટ બેંકની શાખાની જગ્યા બદલવામાં આવતા તા.૧૫-૧-૨૦૧૯ ના રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ધી મહેસાણા ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. વિસનગર શાખાનુ મકાન મંડીબજારના ગીચ વિસ્તારમાં આવેલ હતુ. આ વિસ્તાર સાંકડો હોઈ બેન્કની રોકડ લાવવા તથા આપવા જવામાં તેમજ ગ્રાહકોને જવા આવવામાં ખૂબજ મુશ્કેલી પડતી હતી. વિસનગર પાલિકા અને બેંકની શાખા વચ્ચે એકજ ચોક હોઈ બાઈક તેમજ સ્કુટર પાર્ક કરવામાં પણ મુશ્કેલી રહેતી હતી. સવાલા દરવાજા વિસ્તારમાં પટેલવાડી સામે આવેલ ધી નાગરિક સહકારી બેન્ક લી નુ મકાન બેન્ક ફડચામાં જવાના કારણે બંધ હાલતમાં હતુ. ડીસ્ટ્રીક્ટ બેન્ક દ્વારા આ મકાન ભાડે મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ નાગરિક બેન્કના કસ્ટોડીયન પ્રતિકભાઈ ઉપાધ્યાયને બેન્કનુ મકાન ભાડે આપવા ભલામણ કરી હતી. જે પ્રયત્નોથી કસ્ટોડીયન પ્રતિકભાઈ ઉપાધ્યાયે મકાન ભાડે આપવા સંમતી દર્શાવી આપી હતી.
નાગરિક બેન્કનુ મકાન ભાડે આપવા માટે સંમતી મળતા તા.૧૫-૧-૨૦૧૯ ના રોજ ડીસ્ટ્રીક્ટ બેન્કની શાખાના મકાનની જગ્યા નાગરિક બેન્કના મકાનમાં બદલવામાં આવતા તા.૧૫-૧-૨૦૧૯ ના રોજ વિસનગરના ધારાસભ્ય તેમજ એપીએમસીના ચેરમેન ઋષિકેશભાઈ પટેલ તથા ડીસ્ટ્રીક્ટ બેન્કના ડીરેક્ટર ઈશ્વરભાઈ પટેલના હસ્તે રીબીન કાપી બેન્કનુ મકાન ગ્રાહકો તેમજ ખેડૂતો માટે ખુલ્લુ મુકાયુ હતુ. આ પ્રસંગે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન કાનજીભાઈ કે.ચૌધરી કમલેશભાઈ પરેશભાઈ પટેલ, એલ.કે.પટેલ તેમજ વિસનગર તાલુકાના સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રીઓ, બેન્કના ગ્રાહકો, સભાસદો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિસનગર નાગરિક બેન્કનુ મકાન ભાડે અપાવતા તેમા મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેન્કની શાખા શીફ્ટ થતા જેમના પ્રયત્નોથી આ કાર્ય સીધ્ધ થયુ તેવા મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો વિસનગર તાલુકાની સર્વે દુધ તથા સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીઓએ આભાર માની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.