ચિફ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટરના પ્રયત્નોથી
ખેરાલુ પાલિકાને ગાર્બેજ ફી સીટીમાં ટુ સ્ટાર રેટીંગ
સ્વચ્છતા એપ ડાઉનલોડ અને તેના દ્વારા કરાતા કામોમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ કડી અને બીજા ક્રમે ખેરાલુનો ક્રમ આવ્યો છે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરોને ગાર્બેજ ફી સ્ટાર રેટીંગ આપવાનું નક્કી કરવામા આવ્યુ છે. જેમા ખેરાલુ પાલિકા પ્રમુખ હીરાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ગાયત્રીબેન જગદીશભાઈ ઠક્કર, ચિફ ઓફીસર હરીશ અગ્રવાલ તથા સેનેટરી ઈન્સ્પેક્ટર અરૂણભાઈ ચૌધરીની ટીમના સહિયારા પ્રયત્નોથી તેમજ ખેરાલુ શહેરના લોકોના સહકારથી ખેરાલુ પાલિકાને ટુ સ્ટાર રેટીંગ આપવામા આવ્યુ છે.
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્યના સ્વચ્છ ભારત મિશન અર્બન દ્વારા ખેરાલુ શહેર દ્વારા પણ ગાર્બેજ ફ્રી માટે યોજનામાં ભાગ લીધો હતો આ યોજનામાં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, રોડની સફાઈ, લોકોને મિલ્કત દીઠ ડસ્ટબીન આપવામા આવ્યા છે. પ૦ માઈક્રોન થી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, કંસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટના રી સાયકલની સુવિધા ખેરાલુ શહેરમાં સ્વચ્છતાની જાગૃતિના ભિંત ચિત્રો જેવા નિતિ નિયમોનો અમલ કરવાનો હતો.
ખેરાલુ પાલિકાએ સરકારના નિતી નિયમોનું પાલન કરતા ખેરાલુ શહેરમાં નિયમિત સફાઈ શહેરીજનોને જાગૃત કરવા મોબાઈલ એપ પણ વધુમા વધુ લોકો ડાઉનલોડ કરી સ્વચ્છતા માટે પાલિકાને જાણ કરે તે માટે જાગૃત્તિ કેળવી હતી. અને ટુ-સ્ટાર માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અરજી કરવામા આવી હતી. જેમા ટુંકજ સમયમાં સફળતા મળતા થ્રી સ્ટાર માટે પ્રયત્નો શરુ કરાશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાતમાં શહેરોને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટીંગમાં ર,૩,પ અને ૭ સ્ટાર સુધીના રેટીંગ મળે છે. સ્ટાર રેટીંગમાં અરજી કરનારને શું ફાયદો ? તેવા પ્રશ્નના ઉત્તરમાં સેનેટરી-ઈન્સ્પેક્ટર અરૂણભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુકે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો માટે પાલિકા સ્વચ્છતા માટે કાર્યવાહી કરી રહી છે. તેવી ઈમેજ આધારે જરૂરી ગ્રાન્ટો તુરત જ આપવામા આવે છે. સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી લોકો દ્વારા સ્વચ્છતા માટે કરવામા આવતી ફરીયાદોના નિકાલ માટે સરકાર દ્વારા પાલિકાઓને ક્રમ આપવામા આવે છે. ખેરાલુ શહેરની મિલ્કતોના પ્રમાણમાં કુલ ૧૦% લોકોએ એપ ડાઉનલોડ કરવી જોઈએ જયારે હાલ કુલ મિલ્કતોના ૧૬.૩ર ટકા લોકોએ એપ ડાઉનલોડ કરી છે. તેમજ ઓનલાઈન ફરીયાદો પણ યુધ્ધના ધોરણે હલ કરી દેતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો છે. ઈ ગર્વનન્સ અંતર્ગત ઓનલાઈન પણ જોઈ શકાય છે. ખેરાલુ શહેરની આશરે ૭પ૦૦ મિલ્કતોમાંથી ૧૬.૩ર ટકા લોકોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી છે. ખેરાલુના શહેરીજનો ઝડપથી એપ ડાઉનલોડ કરે તે સરાહનીય કહેવાશે.