પાર્ટી ટીકીટ આપશે તો હું ચુંટણી લડીશ-જશુભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી લોકસભાની ચુંટણીમાં મહેસાણા જીલ્લાની સીટ ઉપર સંભવિત દાવેદારમાં જનસંઘથી ભાજપના અદના વફાદાર સૈનિક એવા કાંસાના વતની અને ચોર્યાસી કડવા પાટીદાર સમાજના આગેવાન જશુભાઈ વી.પટેલનું નામ ચર્ચામાં આવતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આ બાબતે જશુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને પોતાના પક્ષને વફાદાર રહેતા જણાવ્યુ હતુ કે જો પાર્ટી આ લોકસભાની ચુંટણીમાં ઉમેદવાર બદલવાનું વિચારતી હોય અને મને ટીકીટ આપશે તો હું એક યોધ્ધાની જેમ ચુંટણી લડીને નરેન્દ્રભાઈ મોદીને ખીલેલુ ભાજપનું કમળ મોકલી આપીશ, તેવો મને આત્મ વિશ્વાસ છે.
એપ્રિલ મહિનામાં યોજાનારી લોકસભાની ચુંટણીનુ જાહેરનામુ બહાર પડતા ગત શુક્રવારે ભાજપના નિરિક્ષકો દ્વારા મહેસાણા ખાતે દાવેદારીની સેન્સ લેવામાં આવી હતી. જેમાં વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને વિસનગર તાલુકા સહિત મહેસાણા જીલ્લામાં યોજાનારી દરેક ચુંટણીમાં તન, મન, ધનથી એક વફાદાર સૈનિકની જેમ જનસંઘથી ભાજપ સંગઠનમાં રહી વર્ષોથી ભાજપનું કમળ ખિલવનાર ભાજપના અદના કાર્યકર જશુભાઈ વી.પટેલ લોકસભાની ટીકીટના પ્રથમ હરોળના દાવેદાર હોવાનું ચર્ચામાં આવતા તેમના સમર્થકો અને પાટીદાર સહિત દરેક સમાજના લોકોમાં ઉત્સાહનો માહોલ ઉભો થયો છે. જોકે જશુભાઈ પટેલની રાજકીય કારકિર્દી જોઈએ તો તેઓ વર્ષ ૧૯૭૯થી જનસંઘથી ભાજપ સંગઠનમાં એક વફાદાર કાર્યકર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. જશુભાઈની પાર્ટી પ્રત્યેની લાગણી અને વફાદારીને ધ્યાને રાખીને પાર્ટીએ તેમને અગાઉ મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ, અને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ ના ડાયરેક્ટર સહિત અનેક હોદ્દાઓ આપી જવાબદારી સોપી હતી. આ ઉપરાંત જશુભાઈ પટેલનું સહકારી ક્ષેત્રમાં પ્રદાન જોઈએ તો તેઓ વર્ષ ૨૦૦૧ થી મહેસાણા- પાટણ જીલ્લા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી ફેડરેશનમાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે. જેમાં તેમને કાંસા ગામમાં વર્ષ ૧૯૯૨ થી ધી કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી.ની સ્થાપના કરીને ગુજરાત ભરની ક્રેડીટ સોસાયટીઓમાં શ્રેષ્ઠ ક્રેડીટ સોસાયટી તરીકે ગૌરવ મેળવ્યુ છે. આ સાથે તેઓ કાંસા ગામની પશુપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી., ધી ગજાનંદ પિયત સહકારી મંડળી લિ., શ્રી ગણપતી પરા દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ., કાંસા સેવા સહકારી મંડળી, ધરોઈ શાખા-૨ સિંચાઈ સહકારી પિયત સંઘ વિસનગર, કાંસા કેળવણી ઉત્તેજક મંડળ, ચોર્યાસી કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ, મહેસાણા પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ કાંસા, નાલંદા વિદ્યાસંકુલ ઉમતા, શ્રી મારૂતિનંદન એજયુકેશન ટ્રસ્ટ ઉમતા જેવી અનેક શૈક્ષણીક , સહકારી તથા ગામના ધાર્મિક સંસ્થાઓમાં નિષ્ઠાપુર્વક જવાબદારી સંભાળી છે. અને આજેપણ કેટલીક શૈક્ષણીક અને સહકારી સંસ્થાઓમાં નિસ્વાર્થભાવે જવાબદારી સંભાળી તેનો અદ્ભુત વિકાસ કરી રહ્યા છે. જેના કારણે જશુભાઈ પટેલનું નામ વિસનગર તાલુકા જ નહી પરંતુ સમગ્ર મહેસાણા જીલ્લામાં એક સાચા અને નિષ્ઠાવાન ભાજપના કાર્યકર તરીકે જાણીતુ છે. ત્યારે જો પાર્ટી પાયાના અદના આવા કાર્યકરને લોકસભાની ટીકીટ આપે તો મહેસાણા જીલ્લામાં ભાજપના વિજયરથને કોઈ નહી રોકી શકે તેવું જશુભાઈના સમર્થકોનુ માનવુ છે. આ બાબતે જશુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે ભાજપ મારી માતૃસંસ્થા છે. ત્યારે ભાજપનું કમળ કાયમી માટે ખિલવવાની મારી જવાબદારી બને છે. જોકે આ લોકસભાની ચુંટણીમાં પાર્ટી મહેસાણા જીલ્લામાં ઉમેદવાર બદલવાનું વિચારતી હોય તો હું ટીકીટ માટે દાવેદાર છું. અને જો પાર્ટી મને ટીકીટ આપશે તો હું એક નિડર યોધ્ધાની જેમ ચુંટણી લડીને મહેસાણા જીલ્લામાંથી ભાજપનુ કમળ દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ મોદીને મોકલી આપીશ તેવો મને આત્મવિશ્વાસ છે.