Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ધારાસભ્ય ભરતસિંહ ડાભી કોંગ્રેસમાં હોત તો ખેરાલુ પંથકને મિનીસ્ટર પદ મળ્યુ હોત

$
0
0

ધારાસભ્ય ભરતસિંહ ડાભી કોંગ્રેસમાં હોત

તો ખેરાલુ પંથકને મિનીસ્ટર પદ મળ્યુ હોત

લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડનારા ધારાસભ્યો મિનિસ્ટર બન્યા ત્યારે ભાજપને વફાદાર ભરતસિંહને લોકસભા સભ્ય પદ કેમ નહી ?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
રાજકારણમાં હંમેશા વિરોધ કરનારાઓનો અવાજ સાંભળવામાં આવે છે અને તેમનાજ કામો ગંભીરતાથી લઈ ઝડપી થાય છે. જ્યારે આખી જીંદગી પક્ષને વફાદાર રહી પોતાનુ સર્વસ્વ ગુમાવનારની કોઈ કદર થતી નથી તેવુ ભાજપના વફાદાર સૈનિક ગણાતા ભરતસિંહ ડાભીની રાજકીય કારકિર્દી ઉપરથી લાગી રહ્યુ છે. જો આજે ભરતસિંહ ડાભી કોંગ્રેસમાં ફક્ત એક ટર્મ માટે ધારાસભ્ય બન્યા હોત તો હાલના રાજકારણને જોતા ભાજપના કેન્દ્રથી લઈ રાજ્યના તમામ નેતાઓ તેમને મંત્રીપદ આપવા સામેથી દોડતા થયા હોત. રાજકારણમાં પ્રમાણીક અને વફાદાર માણસોની કિંમત થતી નથી તેવુ ભરતસિંહ ડાભીના સમર્થકો માની રહ્યા છે.
ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી તેમના આજીવન વિજેતા પિતા સ્વ.શંકરજી ઠાકોરના પગલે કોંગ્રેસમાં સક્રિય હતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભરતસિંહ ડાભીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી ખેરાલુ ધારાસભ્ય પદે ચુંટણી લડાવી હતી. તે વખતે નવા નવા ધારાસભ્ય બનેલા ભરતસિંહ ડાભીની જિલ્લાના અનેક નેતાઓ એલર્જી કરતા હતા. બીજી ટર્મ વખતે જીત્યા પછી સમગ્ર ઉત્તર ગુજરાતમાં લોક સભાની ચુંટણીમાં ખેરાલુ વિધાનસભાએ ૪૪૪૦૦ મતની લીડ ભાજપને અપાવી જેના કારણે લીલાધર વાઘેલા જીત્યા હતા. ઉત્તર ગુજરાતમાં લોકસભામાં સૌથી વધુ લીડ અપાવતા સંસદીય સચિવ ગુજરાત વિધાનસભામાં બન્યા ત્યારબાદ પાટીદાર આંદોલનના પવનમાં ગુજરાત રાજ્યની મોટાભાગની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે કબ્જો કર્યો ત્યારે ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકા પંચાયત ભાજપની બનાવી તે પછી વિધાનસભાની ત્રીજી ટર્મ વખતે રરપ૦૦ મતની લીડ મળી. ગુજરાત વિધાનસભામાં દંડક બનાવ્યા. ભરતસિંહ ડાભીએ સંસદીય સચિવપદે તેમજ દંડક પદે અસંખ્ય લોકોના કામો કર્યા જેમાં પાટણ અને મહેસાણા લોકસભા વિસ્તારના લોકોના વિશેષ કામો કર્યા. સતત ત્રણ ટર્મથી ભાજપમાંથી ચુંટાય છે. ભાજપ સરકાર ભરતસિંહ ડાભીનો એકપણ વાંક કાઢી શકે તેમ નથી તેમ છતા આ વખતે જિલ્લાના ભાજપી આગેવાનોએ ભરતસિંહને મંત્રીપદ મળવા ન દીધુ. હવે પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે ભરતસિંહ ડાભી તેમના પિતાશ્રીને પગલે કોંગ્રેસમાં હોત તો આજે પણ તેઓ ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય તો હોત જ કારણ કે તેમની વિરોધીઓના પણ કામો કરવાની નિતીને કારણે ખેરાલુ વિધાનસભામાં લગભગ તેમનો કાંઈ વિરોધી જ નથી. અને જે વિરોધી છે તે બધા જાહેરમાં આવતા પણ શરમાય છે. ભરતસિંહ ડાભી કોંગ્રેસમાં હોત તો પણ તેઓ ધારાસભ્ય પદે તો ચુંટાયા જ હોત અને લોકસભાની ચુંટણી પહેલા જે રીતે બીજા ધારાસભ્યોએ કોંગ્રેસને રામ રામ કર્યા તે રીતે ભરતસિંહ ડાભીને પણ કેબીનેટ મિનિસ્ટરનું પદ મળ્યુ હોત. હાલ ભરતસિંહ ડાભી સાથે ભારતીય જનતા પાર્ટીએ ન્યાય કરવો હોય તો બિન ભ્રષ્ટાચારી વ્યક્તિત્વને પાટણ લોકસભાની ભાજપની ટીકીટ આપવી જ જોઈએ તેવુ લોકોનુ માનવુ છે.
ભરતસિંહ ડાભીને પાટણ લોકસભા સીટમાં કેવી રીતે જીત મળે તેનુ વિશ્લેષણ જોઈએ તો સાત વિધાનસભા પૈકી ખેરાલુ, ચાણસ્મા, અને કાંકરેજ વિધાનસભા ભાજપ પાસે છે. વડગામ, સિધ્ધપુર, પાટણ અને રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસજે ચાર સીટો ઉપર જીતી છે. તેમાં વડગામને બાદ કરતા કોંગ્રેસને જંગી બહુમતી મળી નથી. ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ભરતસિંહ ડાભીના કારણે ગત લોકસભા વખતે ૪૪૪૦૦ જેટલી લીડ મળી હતી. આ વખતે ભરતસિંહ ડાભી પોતે લોકસભાના ઉમેદવાર બને તો ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ૭૦ ટકા ગામડામાંથી કોંગ્રેસનો એક મત ન મળે તેવી વાતો ચર્ચાય છે. ગત લોકસભાની ૪૪ હજારની લીડ ૭૦ હજાર ઉપરાંતની થઈ જાય તેવુ રાજકીય તજજ્ઞોનું માનવુ છે. જેથી કોંગ્રેસની બે-ત્રણ વિધાનસભાની લીડ કાપી શકાય તેટલી લીડ ખેરાલુ વિધાનસભા આપે. ભરતસિંહ ડાભીને કોઈપણ સંજોગોમાં પાટણ લોકસભા સીટની ટીકીટ મળવી જ જોઈએ. તેવી ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના તમામ સંગઠનોએ એક જ અવાજે લોકસભાની સેન્સ પ્રક્રિયામાં માંગણી કરી છે. ભરતસિંહ ડાભીને સૌથી લોકપ્રિય બનાવતી કોઈ વાત હોય તો તેમનું બિન ભ્રષ્ટાચારી વ્યક્તિત્વ ત્રણ ટર્મથી ધારાસભ્ય છે પરંતુ તેમના ઉપર ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો નથી તે તેમની સિધ્ધિ છે. પાટણ ખાતે સેન્સ પ્રક્રિયામાં તેમના ભાઈ રામસિંહે પણ દાવેદારી કરી છે. પરંતુ લોકસભામાં વજન તો ભરતસિંહ ડાભીનું જ કહેવાય.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles