તાત્કાલીક મીટીંગ બોલાવી ચેરમેનોના રાજીનામા માગવામા આવ્યા
સંકલન સમિતિ સભ્યોમાં જુથવાદ વકરતા હરકતમાં આવી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં કમિટીઓની રચના કરવામાં નહી આવતા તેમજ સભ્યોને થઈ રહેલા અન્યાય બાબતે અસંતુષ્ટ સભ્યોએ મીટીંગ કરતા સંકલન સમિતિ હરકતમાં આવી હતી. સંકલન સમિતિ દ્વારા તાત્કાલીક મીટીંગ બોલાવી જેમને કમિટીમાંથી રાજીનામા આપ્યા નહોતા તેવા ચાર ચેરમેનોના રાજીનામા માગ્યા હતા. આ મીટીંગમાં સંકલનને વિખેરવા માટેની પણ રજુઆત થઈ હતી. જોકે આચારસંહીતા હોવાથી પાલિકા કોઈ ખાસ સાધારણ સભા બોલાવી શકશે નહી. મે મહિનાના અંતમાં આચારસંહિતા પૂર્ણ થશે. ત્યારે ફક્ત છ માસ માટે કમિટીના ચેરમેન બનવા કોણ તૈયાર થશે તે એક પ્રશ્ન છે. સંકલનની નિષ્કાળજીથી હવે કમિટી વહેચણીના ઝઘડાનો વિવાદ લાબો ચાલે તેમ હાલ તો જણાય છે.
ગઠબંધનના બોર્ડમાં વિકાસમંચના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં નાની અમથી બાબતોમાં સંકલન સમિતિએ વારંવાર મીટીંગો કરી વહિવટમાં ખોટી ડખલગીરી કરી હોવાનો રંજ કેટલાક સભ્યો ભૂલી શકતા નથી. જ્યારથી કોંગ્રેસના પ્રમુખ બન્યા અને કોંગ્રેસના કાર્યકર વિકાસમંચમાંથી પ્રમુખ બન્યા ત્યારથી સંકલન સમિતિએ પાલિકા વહિવટ સામે આંખે પાટા બાંધી દેતા સંકલન સમિતિનો આ ભેદભાવ કેટલાક સભ્યો બરદાસ્ત કરી શકતા નથી. સંકલન સમિતિ કોંગ્રેસ પ્રેરીત છેકે શું? તેવો સભ્યોમાં ગણગણાટ વર્તાઈ રહ્યો છે. સંકલન સમિતિની નિષ્ક્રીયતાના કારણે કમિટીઓની એક વર્ષની મુદત હોવા છતા ડીસેમ્બરમાં કમિટીઓના ચેરમેને રાજીનામુ નહી આપતા સભ્યોમાં કમિટીઓની વહેચણીનો વિવાદ વકર્યો છે.
સંકલનને વારંવાર રજુઆત કરવા છતા કમિટીઓના નિર્ણય માટે મીટીંગ નહી બોલાવતા તો, બીજી બાજુ વહિવટમાં કેટલાક સભ્યોની સતત અવગણના થતા આ મુદ્દે મોટાભાગના સભ્યોમાં ભારે રોષ ફેલાયો છે. ગઠબંધનના કોંગ્રેસ અને વિકાસમંચ સહીતના ૧૬ સભ્યોએ મીટીંગ કરતા સંકલન સમિતિ ઉંઘમાંથી સફાળી જાગી હતી. જાણવા મળ્યા પ્રમાણે તા.૧૬-૩ ના રોજ સાંજે સરદાર હાઈસ્કુલમાં સંકલન સમિતિના સભ્યોની મીટીંગ મળી હતી. ભેદભાવ ભરી નિતિના કારણે મોટાભાગના સભ્યો સંકલનમાંથી ધીમે ધીમે ખસી જતા આ મીટીંગમાં ગણ્યા ગાંઠ્યા સભ્યોએ હાજરી આપી હતી. મીટીંગમાં કમિટીમાંથી રાજીનામુ નહી આપનાર ચાર ચેેરમેનોનો સંપર્ક કરી રાજીનામુ આપવા માટે સમજાવ્યા હતા. જે તમામે સંકલનને રાજીનામુ આપી દીધુ હોવાનુ પણ જાણવા મળ્યુ છે. આ મીટીંગમાં સંકલનના એક સભ્યએ એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે, જેતે સભ્યો કે કમિટીના ચેરમેન સંકલનને આપેલી બાહેધરી પ્રમાણે વર્તતા ન હોય તો પછી સંકલન વિખેરી નાખો. જોકે રાજીનામુ આપનાર કમિટીઓના ચેરમેન સમજે છેકે અત્યારે રાજીનામુ આપવાથી કંઈ વાધો નથી. કારણકે લોકસભાની મે અંત સુધીમાં ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય નહી ત્યાં સુધી પાલિકાની ખાસ સાધારણ સભા મળવાની નથી અને કમિટીઓનો કોઈ નિર્ણય લેવાવાનો નથી. ચુંટણીની આચારસંહીતા બાદ કમિટીઓની વહેચણી કરવામાં આવે તો ૬ મહિના માટે કોણ ચેરમેન પદ સ્વિકારશે તે પણ સભ્યોમાં ચર્ચા ચાલી રહી છે. ગઠબંધનના શરૂઆતના વર્ષમાં નાની નાની બાબતે મીટીંગ કરતી સંકલન સમિતિએ કમિટીઓના નિર્ણય માટે કોઈ મીટીંગ નહી કરતા આ વિવાદ હવે ક્યા જઈને અટકે છે તે જોવાનુ રહ્યુ?
↧
તાત્કાલીક મીટીંગ બોલાવી ચેરમેનોના રાજીનામા માગવામા આવ્યા સંકલન સમિતિ સભ્યોમાં જુથવાદ વકરતા હરકતમાં આવી
↧