સ્વાર્થી સભ્યોની અણ આવડતને કારણે
ખેરાલુ પાલિકામાં સીસીટીવીનુ સુરસુરીયુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા ખેરાલુ શહેરના હિતની વાત હોય તો વિકાસ કરવામાં ઓછુ ધ્યાન રખાય છે. જ્યારે સિમ વિસ્તારનો વિકાસ કરવો હોય તો સભ્યો તુરંત યુધ્ધની જેમ જાગૃત થઈ કામો કરે છે. ખેરાલુ શહેરમાં ટ્રાફીકની સમસ્યા, રખડતી ગાયોની સમસ્યા, સોનાના દોરાની ચિલ ઝડપ, ખીસ્સા કાત્રુનો ત્રાસ, પેસેન્જર વાહનોનો ત્રાસ, જેવી અનેક તકલીફોમાંથી ખેરાલુ શહેર તેમજ ખેરાલુમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકો ભોગવી રહ્યા છે. ખેરાલુ શહેરમાં વિધાનસભાની ચુંટણી પછી આવેલી પાલિકા ચુંટણીમાં વચનોની લ્હાણી કરી હતી. જેમાં શહેરમાં સીસીટીવી નાંખવાનું પણ વચન હતુ. પરંતુ સ્વાર્થી સભ્યો અને સત્તાધારીઓને કારણે સીસીટીવીનું ટેન્ડર પાડ્યા પછી પણ કોઈએ ટેન્ડર ભર્યુ નહોતુ. ફરીથી ટેન્ડર બહાર પાડવા માટે લોકસભાની ચુંટણીની આચાર સંહિતા નડે નહી તે માટે યુધ્ધના ધોરણે ફરીથી ટેન્ડર બહાર પાડવાનું ઈરાદાપૂર્વક ધ્યાન રખાયુ નથી તેવુ લોકોમાં ચર્ચાય છે.
ખેરાલુ શહેરનું કમ નસિબ છેકે જે કોઈ સત્તાધારીઓ આવે છે તે માત્ર છ-આઠ મહિનાજ ખેરાલુ શહેરનું વિચારે છે. ત્યારબાદ તમામ ગ્રાન્ટો સિમ વિસ્તારમાં વાપરી નાંખવામાં આવે છે. પાલિકા સભ્યોએ સીસીટીવી મુદ્દે પ્રચાર સાપ્તાહિકને ફરીયાદ કરી કે સીસીટીવી માટેના ૬૫ લાખ સિમ વિસ્તારના ટેન્ડરમાં વાપરી નાખ્યા છે. આ બાબતે પાલિકા પ્રમુખ તેમજ ચિફ ઓફીસરને પુછતા જાણવા મળ્યુ કે આ વાત ખોટી છે. સીસીટીવીના નાણાં ૧૪ મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી વાપરવાના છે. જ્યારે સિમ વિસ્તારના વિકાસનું ટેન્ડર કે જે ૩.૨૭ કરોડનું છે તે ગ્રાન્ટ ૨૦૧૨ થી અત્યાર સુધીની પડી રહેલી ગ્રાન્ટો ભેગી કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. સીસીટીવી માટેના નાણાં સુરક્ષીત છે. અત્રે ઉલ્લેખનીય છેકે ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી પડી રહેલી ગ્રાન્ટો ભેગી કરી એકી સાથે તેનું ટેન્ડરીંગ કરવુ સારી બાબત છે. પરંતુ વિકાસ કામોમાં ખેરાલુ શહેરમાં નજેવી ઓછી ગ્રાન્ટ વાપરી ૮૦ થી ૯૦ ટકા ગ્રાન્ટ સિમ વિસ્તાર માટે વાપરવી તે યોગ્ય તો નજ કહેવાય. સીસીટીવીનું ટેન્ડર ફરીથી યુધ્ધના ધોરણે પાડી શકાયુ હોત પરંતુ પાલિકા પાસે ઈચ્છા શક્તિનો અભાવ છે. હવે લોકસભાની ચુંટણી પતશે તે પછી ૨૩-૫-૨૦૧૯ ના રોજ રીજલ્ટ આવશે ત્યારબાદ ટેન્ડર પડશે. જુન મહિનામાં વરસાદ આવશે ચાલુ વરસાદમાં સીસીટીવી કેમેરા નંખાશે નહી તે પછી નવરાત્રી કે દિવાળી આસપાસ ખેરાલુ શહેરને સીસીટીવી કેમેરાનો લાભ મળશે. ખેરાલુ શહેરના ઈતર કોમના નેતાઓ વામણા સાબિત થયા છે. ચૌધરી સમાજના સભ્યો ધાર્યા કામો કરાવે છે જ્યારે ઈતર કોમના સભ્યો ચૌધરી સમાજના સભ્યોની કઠપુતળી બની ખેરાલુ શહેરનું અહિત કરી રહ્યા છે. ખેરાલુ શહેરનું અહિત કરનાર ઈતર કોમના સભ્યોને ભગવાન ક્યારે માફ નહી કરે.
↧
સ્વાર્થી સભ્યોની અણ આવડતને કારણે ખેરાલુ પાલિકામાં સીસીટીવીનુ સુરસુરીયુ
↧