Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વૃધ્ધ અને બીમાર મતદારોએ લોકશાહીપર્વ મનાવ્યુ

$
0
0

સારૂ સ્વાસ્થ્ય ધરાવતા હોવા છતાં મતદાન નહી કરનારને શરમાવે તેવુ

વૃધ્ધ અને બીમાર મતદારોએ લોકશાહીપર્વ મનાવ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકશાહી ત્યારેજ ટકી રહેશે જ્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકસભાની ચુંટણીમાં સારૂ સ્વાસ્થ્ય ધરાવતા મતદારો મતદાન કરવાથી અળગા રહ્યા હતા. ત્યારે વૃધ્ધાવસ્થા તેમજ બીમાર મતદારોએ ધોમધખતા તાપમાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનુ પર્વ ઉજવ્યુ હતુ.
વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની લોકશાહી ટકાવવા માટે દરેક મતદાતા મતદાનનો ઉપયોગ કરે તે જરૂરી છે. લોકસભાની ચુંટણીમાં વિસનગરના કેટલાક ૯૦ વર્ષની ઉંમર વટાવી ચુકેલા તેમજ બીમારી ધરાવતા મતદાતાઓએ મતદાન કરી લોકશાહીના મહાપર્વને ઉજવ્યુ હતુ. સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશભાઈ ચૌધરીના પિતા ર્ડા.શંકરભાઈ ચૌધરી છેલ્લા ઘણા સમયથી પથારીવશ હોવા છતાં મતદાન કર્યુ હતુ. પાલિકાના પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલના માતૃશ્રી મેનાબેન અંબાલાલ પટેલની ઉંમર ૮૬ વર્ષની છે. જેઓ છેલ્લા કેટલાક વર્ષથી કમ્મરના ભાગેથી વળી જતા બે હાથના સહારે ચાલે છે. વર્ષ દરમ્યાન ઘરની બહાર ખૂબજ ઓછા નીકળે છે તેમ છતાં મતદાન કર્યુ હતુ. વિસનગર ગુંદીખાડ જોઈતાગલાના માઢમાં રહેતા મેહુલ મંડપવાળા ગાંડાલાલ એસ.પટેલના માતૃશ્રી તથા પાલિકાના પૂર્વ કોર્પોરેટર પાર્વતીબેન પટેલના સાસુ સંતોકબેન શંકરલાલ પટેલ જેઓ હતીમાના હુલામણા નામથી ઓળખાય છે. જેમની ઉંમર ૯૨ વર્ષની હોવા છતાં અમૂલ્ય મતદાન કરી લોકશાહીના પર્વમાં લોકોને મતદાનનુ મૂલ્ય સમજાવ્યુ હતુ. પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ચમનભાઈ પટેલના પિતા ચમનભાઈ અંબારામ પટેલની ઉંમર ૧૦૨ વર્ષની થઈ છે. જેઓ સહારા વગર ચાલી શકતા નથી તેમ છતાં મતદાન કરી લોકશાહીનુ સન્માન કર્યુ હતુ. વિસનગરમાં જવાહરના નાકે મોદી માર્કેટવાળા કિશનભાઈ રામનારાયણભાઈ મોદી છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. શ્વાસોશ્વાસ માટે ઓક્સીજન સીલીંડરની સતત જરૂરીયાત રહે છે. તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી તેમ છતાં એક્ટીવાની આગળ ઓક્સીજન સીલીંડર મુકી બુથમાં મતદાન કરી તેનુ મૂલ્ય કેટલુ છે તે લોકોને સમજાવ્યુ હતુ. આ સીવાય એવા કેટલાય મતદારો હતા કે જે વોકર લઈ મતદાન કરવા આવ્યા હતા. ચાલી શકતા ન હોય તેમ છતાં મતદાન કરવા આવનાર દિવ્યાંગ મતદારોની સંખ્યા ઓછી નહોતી. સારૂ સ્વાસ્થ્ય ધરાવતા હોય તેવા ધંધા વ્યવસાય કે અન્ય કામની ચીંતામાં મતદાન કરી શક્યા નહોતા તેવા મતદારોને આ વૃધ્ધ, બીમાર, દિવ્યાંગ મતદારોએ મતદાન કરી લોકશાહીની સાચી કિંમત શુ છે, મતદાનનુ મૂલ્ય શુ છે તે સમજાવ્યુ હતુ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles