વડુના સરપંચ-તલાટીએ મનરેગા યોજનામાં કૌભાંડ કર્યુ હોવાનો આક્ષેપ
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુુકાના વડુ ગામના એક અરજદારે કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં થયેલ કામોમાં ગામના સરપંચ અને તત્કાલીન તલાટીએ ભેગા મળી કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે મહેસાણા જીલ્લા ક્લેક્ટરશ્રી તથા મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી ગુનેગારો વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. મનરેગા યોજનામાં મોટુ કૌભાંડ થયાની અરજીથી વિસનગર તાલુકા પંચાયતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો આ બાબતે જીલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે તો તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીના પગતળે રેલો આવવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારે બેરોજગાર ગરીબ લોકોને રોજગારી આપવા માટે મનરેગા યોજના અમલમાં મુકી છે. પરંતુ ગામના સરપંચો પોતાની સત્તાનો દુરઉપયોગ કરી મજુરો મારફતે કામ કરવાને બદલે જેસીબી મશીન વડે કામ કરાવી મનરેગા યોજનામાં ગેરરીતી કરી રહ્યા છે. અગાઉ સતલાસણા તાલુુકાની ગ્રામ પંચાયતના સરપંચે મનરેગા યોજનામાં ખોટા જોબકાર્ડ મેળવી સરકારી નાણામાં ગેરરીતી આચરી હોેવાની રાવ ઉઠતા ડીડીઓના આદેશથી ટીડીઓએ તેમની વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. વિસનગર તાલુકાના વડુ ગામમાં થયેલ વિકાસ કામોમાં ગામના અગાઉના સરપંચ તથા હાલના સરપંચ અને તલાટીએ ભેગા મળીને સરકારી નાણામાં ગેરરીતી આચરી હોવાના આક્ષેેપ સાથે જીલ્લા ક્લેક્ટર તથા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે. જેમાં અરજદાર વિષ્ણુુજી ઠાકોરે એવી રજુઆત કરી છે કે ગ્રામ પંચાયતના અગાઉના સરપંચ ઠાકોર ભલાજી મણાજીએ પોતાના તથા તેમની પત્નિ પાર્વતીબેનના નામે ખોટી અને ગેરકાયદેસર રીતે જોબકાર્ડ મેળવી સરકારી નાણામાં ભ્રષ્ટાચાર કર્યો છે. જ્યારે ચાલુ સરપંચ ઠાકોર કમુબેન ગોવિંદજી તથા તત્કાલીન તલાટી મહેશભાઈ મોદીએ ભેગા મળી ગામના રહીશ સેનમા દલાભાઈ રામજીભાઈ મૈયત હોવા છતાં તેમના નામે ખોટુ ફોર્મ ભરી ખોટી સહીઓથી તા. ૧૭-૦૬-૨૦૧૭થી તા.૧-૦૭-૨૦૧૭સુધી તેમની હાજરી બતાવી તેમના નાણાં સરપંચ અને તલાટીએ ઉપાડી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આ ઉપરાંત ગામના નિવૃત સૈનિક તથા નિવૃત એસ.ટી. કર્મચારી ચમાર તુલશીભાઈ મુળાભાઈએ મનરેગા યોજનામાં કોઈપણ પ્રકારનું કામ કર્યુ ન હોવા છતાં ગામના સરપંચ અને તલાટીએ ભેગા મળી ચમાર તુલશીભાઈ મુળાભાઈ અને તેમના પત્નિ ચમાર દિવાબેન તુલશીભાઈ બંન્નેની ખોટી હાજરી બતાવી તેમના નામ ની ખોટી સહીઓથી તેમની જાણ બહાર નાણા ઉપાડી મોટુ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કર્યો છે. ગામના ઠાકોર રમેશજી ફતાજી અને તેમના પત્નિ કાન્તાબેન ઠાકોર ગાંધીધામ રહેતા હોવા છતાં સરપંચ અને તલાટીએ બંન્નેની હાજરી બતાવી તેમની ખોટી સહીઓથી મનરેગા યોજનામાં નાણાં ઉપાડી લીધા હતા. ગામના સરપંચ કમુબેન ઠાકોરના પતિ ગોવિંદજી વિરસંગજી ઠાકોરને ગામમાં સસ્તા અનાજીની દુકાન હોવા છતાં સરપંચ – તલાટીએ તેમના નામનું જોબકાર્ડ મેળવી સરકારી નાણામાં ગેરરીતી કરી હતી. આ ઉપરાંત સરપંચ અને તલાટીએ ભેગા મળી ગામના શિક્ષીત એવા ઠાકોર અશોકજી સંગ્રામજીના નામે મનરેગા યોજનાનું ખોટું જોબકાર્ડ મેળવી તેમની ખોટી હાજરી બતાવી ખોટી સહીઓ કરી સરકારી નાણામાં મોટો ભ્રષ્ટાચાર કરી મોટુ કૌભાંડ કર્યુ છે. જોકે સરકારની મનરેગા યોજનામાં જોબકાર્ડ ધરાવતા મજુરો દ્વારા કામો કરવાના હોય છે. પરંતુ સરપંચ અને તલાટીએ ભેગા મળી મનરેગા યોજના હેઠળના તમામ કામો જેસીબી મશીનથી કરાવી ખોટા જોબકાર્ડ મેળવી સરકારી નાણામાં મોટો ભ્રષ્ટાચાર કરી ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આ બાબતે તટસ્થ તપાસ કરી ગુનેગારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજદારે જીલ્લા વહીવટીતંત્ર પાસે માંગણી કરતા વિસનગર તાલુકા પંચાયતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે જીલ્લા અધિકારીઓ મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારમાં તટસ્થ તપાસ કરશે તો તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીની ઉંઘ હરામ થઈ જશે તે ચોક્કસ છે. મનરેગા યોજનાનું કૌભાંડ બહાર લાવી સરપંચ અને તલાટી સામે કાર્યવાહી કરવા અરજદાર વિષ્ણુજી ઠાકોરે મહેસાણા એ.સી.બી. ખાતામાં પણ અરજી આપી હતી. જેમાં એ.સી.બી.પી.આઈ.એ અરજદારનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.