વિસનગરના યુવાનનુ જીવદયાનો સંદેશો આપતુ અને મોઘાદાટ એન્ડ્રોઈડ ફોનનો શોખ ધરાવતા યુવાનો માટે માર્ગદર્શક પગલુ
એન્ડ્રોઈડ ફોન વેચી પશુ પક્ષીઓ માટે કુંડા ખરીદ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉનાળો શરૂ થતાંજ સોશીયલ મીડીયા દ્વારા લોકો પશુ પક્ષીઓને બચાવવા, મુંગા જીવોની સેવા કરવા મેસેજ ફરતા કરે છે. પરંતે તેનુ અનુકરણ ઘણા ઓછા લોકો કરે છે. વિસનગરના એક યુવાને સોશીયલ મીડીયાનો શોખ ત્યજી, પોતાનો એન્ડ્રોઈડ ફોન વેચી, તેમાંથી પશુ-પક્ષીઓ માટે કુંડા ખરીદી, વિનામુલ્યે વિતરણ કરી આજના યુવાનો માટે માર્ગદર્શકરૂપ કામગીરી કરી બતાવી છે. જતુ કરવાની, ત્યજવાની ભાવના ધરાવતા આવા યુવાનોજ સમાજ માટે કંઈ કરી શકે છે.
વિસનગરમાં કાંસા એન.એ.વિસ્તારમાં તિરૂપતી બંગ્લોઝમાં રહેતા અને કડા રોડ ઉપરના હેરીટેજ માર્કેટમાં આવેલ પીઝા પે સેન્ટરના યુવાન સંચાલક આકાશ સતપાલસિંહ પુરોહિતે મોઘા એન્ડ્રોઈડ ફોન ખરીદી ખોટો ખર્ચ કરતા તેમજ સોશીયલ મીડીયા પાછળ ખોટો સમય વ્યથીત કરતા યુવાનો માટે માર્ગદર્શક રૂપ કામગીરી કરી બતાવી છે. ઉનાળામાં વ્હોટ્સએપ તથા ફેસબુકમાં પશુપક્ષીઓ માટે જીવદયાના મેસેજ લાઈક કરતા આ યુવાનને વિચાર આવ્યો કે, મેસેજ સેન્ડ કરીએ છીએ અને લાઈક કરીએ છીએ, પરંતુ જીવદયા માટે શુ કરીએ છીએ? યુવાને તુર્તજ પોતાનો એન્ડ્રોઈડ ફોન મોબાઈલની દુકાનમાં વેચી તેના મળેલા રૂપિયા અને બચત રકમ ભેગી કરી તેમાંથી પશુ અને પક્ષીઓ માટે કુંડા ખરીદ્યા હતા. જે કુંડાનુ પીઝા પે સેન્ટરમાંથી વિનામુલ્યે વિતરણ શરૂ કરવામા આવ્યુ છે. આકાશ પુરોહિતે જણાવ્યુ છેકે કોઈ વ્યક્તિ પોતાની દુકાન, ઓફીસ કે ઘર આગળ કુંડા લગાવવા માગતા હોય કે કોઈ વ્યક્તિ પોતાના ઘર આગળ ગાય અને કુતરાને પાણી માટે આર.સી.સી.નુ કુંડુ મુકવા તૈયાર હોય તો ૮૪૬૦૫૧૦૪૭૫ ઉપર સંપર્ક કરી શકશે.
આકાશ પુરોહિતે જીવદયા પ્રત્યે લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ઉનાળો શરૂ થતાજ લોકો વ્હોટ્સએપ અને ફેસબુકમાં પશુ પક્ષીઓ માટે કુંડા મુકવા મેસેજ સેન્ડ કરે છે. આવા મેસેજો લાઈક કરવામાં આવે છે પરંતુ તેનો અમલ ઘણા ઓછા લોકો કરે છે. અત્યારે મોટાભાગના યુવાનો વ્હોટ્સએપ, ફેસબુક તથા ઓનલાઈન ગેમ પાછળ સમય બગાડી રહ્યા છે. આવા યુવાનોને વ્હોટ્સએપ, ફેસબુકમાંથી બહાર નીકળી સોશીયલ એક્ટીવીટી પાછળ ધ્યાન આપવા વિનંતી કરી છે.
↧
વિસનગરના યુવાનનુ જીવદયાનો સંદેશો આપતુ અને મોઘાદાટ એન્ડ્રોઈડ ફોનનો શોખ ધરાવતા યુવાનો માટે માર્ગદર્શક પગલુ એન્ડ્રોઈડ ફોન વેચી પશુ પક્ષીઓ માટે કુંડા ખરીદ્યા
↧