ગ્રામજનોની એકતા અને સંપથી વર્ષ પરંપરાગત મહોત્સવ ઉજવાયો
વાલમના હાથિયા ઠાઠુ શક્તિની આરાધના સાથે શૂરવિરતાનો મહોત્સવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના વાલમ ગામમાં હાથિયા ઠાઠુ મહોત્સવ એ વિશ્વમાં ક્યાય ન યોજાતો હોય અને ઉજવાતો હોય તેવો મહોત્સવ છે. નાની ગલીયોમાં હાથિયા ઠાઠુ બળદ ગાડાનો રથ દોડતો નીકળે તેમ છતાં હજ્જારો લોકો આગળ પાછળ દોડતા જોઈએ ત્યારે આ દિલધડક દ્રશ્યો જોઈ ઉદ્ગાર નીકળી જાય કે આ કોઈ કાચા પોચા ઉજવી શકે તેવો મહોત્સવ નથી. જોશ અને ઉત્સાહ સાથે હિમ્મત હોય તોજ આ ધાર્મિક પ્રસંગમાં ભાગ લઈ શકાય. ચૈત્ર વદ નોમની રાત્રીએ યોજાયેલ હાથિયા ઠાઠુના મહોત્સવમાં વિસનગરમાંથીજ નહી પરંતુ ઉત્તર ગુજરાતના લોકોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો.
ચૈત્ર મહિનો એટલે વિવિધ ગામમાં વર્ષ પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો કરી, રમેણ કરી વર્ષનો વરતારો જોવાનો મહિનો છે. ચૈત્ર મહિનામાં વિવિધ મંદિરમાં રમેણના કાર્યક્રમ મોટા ભાગે થાય છે. ત્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં સુલેશ્વરી માતાના સાનીધ્યમાં હાથિયા ઠાઠુનો અનેરો મહોત્વસ ઉજવાય છે. વાલમ ગામના વતની હોય અને ધંધા રોજગારે બહારગામ રહેતા હોય તે તમામ લોકો આ મહોત્સવમાં ભાગ લેવા માટે અચુક હાજર રહી માનતા અને આખડીઓ પુરી કરે છે. હાથિયા ઠાઠુના મહોત્સવની ચૈત્ર વદ પાંચમથી શરૂઆત થાય છે. પાંચમથી આઠમ સુધી વર્ષ પરંપરાગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો થાય છે. નોમના દિવસે ચાર ચાર બળદ જોડેલા બે ગાડા તૈયાર કરવામાં આવે છે. જેમાં એક ગાડાના ધૂસરાના ભાગે લાકડાનો હાથીની સુંઢ જેવો ભાગ બનાવી લગાવાય છે. જેને શણગારવામાં આવે છે. બન્ને રથ શણગારાયા બાદ આ હાથિયા ઠાઠુ વાલમની સાકડી ગલીઓમાંથી દોડાવામાં આવે છે. આગળના રથમાં નાયક અને નાયકાણી ભૂંગળ સાથે ઉભા રહી શૌર્યગીત લલકારે છે. નોમની રાત્રે હાથિયા ઠાઠુ વાલમની જે ગલીઓમાંથી પસાર થાય છે તે ગલીઓમાં હજ્જારોની મેદની હોય છે. ગલીઓમાં બન્ને બાજુ ગ્રામજનો ઉભા હોય છે. ત્યારે લોકોના ટોળા વચ્ચે જ્યારે હાથિયા ઠાઠુ નીકળે છે તે દ્રશ્ય શ્વાસ થંભાવી દે તેવુ હોય છે. હાથિયા ઠાઠુનુ સંચાલન જાણકાર ગ્રામજનો દ્વારાજ કરવામાં આવે છે. જેથી બળદો સાથેનો રથ આડો અવળો જાય નહી અને કોઈને ઈજા થાય નહી. આ મહોત્સવમાં ગામના લેઉવા પાટીદાર સમાજના પટેલો, ક્ષત્રીયો, ઠાકોરો, સુથાર, વાળંદ, જયસ્વાલ, અનુસુચીત જાતીના લોકો, માળી, ગોસ્વામી, દેવીપૂજકો, નાયક ગામની તમામ જ્ઞાતિના લોકો સાથે મળી મહોત્સવમાં ભાગ લેતા હોવાથી ગામની એકતા પણ ઉજાગર થાય છે.
↧
ગ્રામજનોની એકતા અને સંપથી વર્ષ પરંપરાગત મહોત્સવ ઉજવાયો વાલમના હાથિયા ઠાઠુ શક્તિની આરાધના સાથે શૂરવિરતાનો મહોત્સવ
↧