પ્રકાશભાઈએ સ્વ.સાંકળચંદ કાકાનુ સ્વપ્ન પુરૂ કર્યુ-ર્ડા.એલ.કે.પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને ૧૫૦ સીટની મેડીકલ કોલેજની મંજુરી મળતા વિસનગર પંથકમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે આગામી સમયમાં નૂતન મેડીકલ કોલેજમાં શિક્ષણની સાથે લોકોને વિનામૂલ્યે આધુનિક સુવિધા સાથે તબીબી સારવાર આપી નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનુ નામ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ગુંજતુ કરવાની આશા વ્યક્ત કરી હતી.
ગુજરાત સરકારે ગ્રીનફિલ્ડ અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને મેડિકલ કોલેજની મંજુરી આપ્યા બાદ મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ કોલેજનું ઈન્સ્પેક્શન કરીને ગત તા.૨૪-૪-૨૦૧૯ ના રોજ નૂતન મેડીકલ કોલેજને ૧૫૦ સીટની મંજુરી આપતા વિસનગર પંથકના લોકોમાં ભારત – પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં વર્લ્ડકપ જીત્યા હોય તેવો ખુશીનો માહોલ ઉભો થયો છે. ભારે સંઘર્ષ અને પુરૂષાર્થ કર્યા બાદ સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે વિસનગરમાં મેડીકલ કોલેજની મંજુરી મેળવતા લોકોએ તેમના દાદા કર્મવીર સ્વ.સાંકળચંદ કાકાને યાદ કર્યા હતા. જેમાં સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને કર્મચારીઓએ ગત શનિવારે શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રના પ્રણેતા સ્વ.સાંકળચંદ કાકાની પ્રતિમાને ફુલહાર કરી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળના સભ્યો વચ્ચે બેઠક મળી હતી. જેમાં સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે એસ.કે.યુનિવર્સિટીને મેડીકલ કોલેજની મંજુરી આપવામાં મદદરૂપ થનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, સહિત હેલ્થ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓને યાદ કરી તેમનો આભાર માન્યો હતો. અને આગામી સમયમાં શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે આધુનિક સુવિધાઓ આપી નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનુ નામ દેશ-વિદેશમાં ગુંજતુ થાય તે માટે પ્રયત્નશીલ રહેવા ટ્રસ્ટી મંડળના સભ્યો અને મેડીકલ વિભાગના અધિકારીઓને અપીલ કરી હતી. પ્રકાશભાઈએ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને વિવિધ રોગોના ગુજરાતના નામાંકિત ર્ડાક્ટરો દ્વારા સારી સારવાર આપવા માટેની ચર્ચા-વિચારણા કરી હતી. વધુમાં તેમને મેડિકલ કોલેજની મંજુરી મેળવવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો તેને યાદ કરી સંઘર્ષ કરતી વખતે સારા-ખોટા માણસનો અનુભવ થાય છે તેમ જણાવી સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ, કર્મચારીઓ અને ગામના આગેવાનોનો આભાર માન્યો હતો. જ્યારે નૂતન મેડિકલ વિભાગના સંચાલક ટ્રસ્ટી ર્ડા.એલ.કે. પટેલે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલની વહીવટી કુનેહ અને તેમની આગવી સુઝથી ભારે સંઘર્ષ અને મહેનતથી તેમના દાદા સ્વ.સાંકળચંદ કાકાનુ સ્વપ્નુ પુરૂ કર્યુ છે. અને આગામી સમયમાં નૂતન મેડિકલ કોલેજનો અભૂતપૂર્વ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સંસ્થાના અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ પણ મેડીકલ કોલેજ મેળવવા માટે પ્રકાશભાઈ પટેલે કરેલા સંઘર્ષને યાદ કરી તેમના આત્મવિશ્વાસ અને વહીવટી સુઝની પ્રશંસા કરી હતી.
↧
પ્રકાશભાઈએ સ્વ.સાંકળચંદ કાકાનુ સ્વપ્ન પુરૂ કર્યુ-ર્ડા.એલ.કે.પટેલ
↧