લોકસભામાં મહેસાણા સીટમાં વિસનગર વિધાનસભામાંથી
ભાજપનુ ૨૦,૦૦૦ જ્યારે કોંગ્રેસનુ ૫૦૦૦ લીડનુ અનુમાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકસભાની ચુંટણીનુ પરિણામ જાહેર નહી થાય ત્યાં સુધી રાજકીય પંડીતો અને કાર્યકરોમાં પરિણામની ચર્ચાનો અંત આવવાનો નથી. લોકસભામાં મહેસાણા સીટમાં વિસનગર વિધાનસભામાં ભાજપનુ અનુમાન ૨૦,૦૦૦ મતની લીડનુ છે જ્યારે કોંગ્રેસની ગણતરી અને અનુમાન પ્રમાણે ભાજપને ૫૦૦૦ મતની લીડ મળશે. જોકે બન્ને પાર્ટીઓ દ્વારા લોકસભામાં જીતની દાવેદારી કરવામાં આવી છે.
વિસનગર વિધાનસભા સીટ એ ભાજપનો ગઢ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલનમાં આ સીટમાં પાટીદાર મત સંખ્યા વધારે હોવા છતા ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલનો ૨૮૬૯ મતની લીડથી વિજય થયો હતો. લોકસભાની ચુંટણીમાંતો ૬૦ થી ૭૦ ટકા પાટીદારો ભાજપ તરફે રહ્યા હોવાના અંદાજ પ્રમાણે વિસનગર સીટમાં ભાજપને ૨૦,૦૦૦ ઉપરાંત્તની લીડ મળવાનો અંદાજ છે. વિસનગર સીટમા કોને કેટલી લીડ મળશે તે બાબતે ભાજપ – કોંગ્રેસના તાલુકા – શહેર પ્રમુખનુ શું મંતવ્ય છે તે જોઈએ તો, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે ગામડામાં કોંગ્રેસને ફાયદો થશે. કોંગ્રેસને ગામડામાં ૫૦૦૦ ની લીડ મળશે. જ્યારે શહેરમાં ભાજપને ફાયદો થશે. શહેરમાંથી ભાજપને ૩૦૦૦ ની લીડ મળશે. એનો મતલબ એ કે વિસનગર સીટમાં કોંગ્રેસને ૨૦૦૦ જેટલી લીડ મળશે. જીલ્લાની અન્ય વિધાનસભા સીટ બાબતે પશાભાઈ પટેલે જણાવ્યુ છેકે, બહુચરાજી, મહેસાણા તથા ઉંઝા તાલુકામાં કોંગ્રેસને લીડ મળશે, વિસનગર અને કડી તાલુકામાં કોંગ્રેસને નુકશાન થશે. માણસા તથા વિજાપુરમાં ઈક્વલ રહેશે. ઉંઝામાં કોંગ્રેસને ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ ની લીડ મળશે તેમ જણાવ્યુ છે. કોંગ્રેસ ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ મતની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
વિસનગર શહેર કોંગ્રેસ માટે જેમનુ પ્રમુખ પદ ફાયદાકારક રહ્યુ છે તેવા શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ હતું કે, બપોર સુધી મતદાન ઈક્વલ ચાલતુ હતુ. પરંતુ બપોરે પ્રકાશ વિદ્યાલય બુથ ઉપર જે બનાવ બન્યો તેનાથી કોંગ્રેસને ફાયદો થયો છે. વિસનગર વિધાનસભા સીટમાં ભાજપને ૫૦૦૦ થી ૭૦૦૦ ની લીડ મળશે. જ્યારે મહેસાણા લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ ૨૫ થી ૩૦ હજાર મતે જીતશે.
વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલનુ વિસનગર સીટમાં કેટલી લીડ મળશે તે બાબતે જણાવ્યુ છેકે, વિસનગર શહેરમાંથી ૮૦૦૦ થી ૧૦,૦૦૦ ની અને ગામડામાંથી આશરે ૧૪,૦૦૦ થી વધારે લીડ નીકળશે પરંતુ ઓછી તો નહીજ હોય. આમ વિસનગર સીટની લીડ ૨૦,૦૦૦ થી ૨૨,૦૦૦ નક્કી છે. લોકસભાની સીટમાં શારદાબેન પટેલની જીત નિશ્ચીત છે.
શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે જણાવ્યુ છેકે વધારે મતદાન હંમેશા ભાજપની ફેવરમાં રહ્યુ છે. વધારે મતદાન એ ભાજપનો ફાયદો થયાનો છે. ૪૧ ડીગ્રી ગરમી તથા તાપના કારણે ભાજપના મતદારો ઘરમાંથી બહાર નીકળશે નહી તેવો ડર હતો. પરંતુ આટલી ગરમી હોવા છતાં મતદારો પોતાના વાહનમાં મતદાન મથકે પહોચ્યા અને મતદાન કર્યુ. બપોરે ૧૨-૦૦ કલાક સુધી ૩૫ ટકા મતદાન હતુ. બપોર પછી સાંજે ૬-૦૦ કલાક સુધી બંપર મતદાન થયુ છે. વિસનગર સીટીમાં ભાજપને ૧૨ થી ૧૩ હજાર મતની લીડ મળશે તેવુ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યુ હતુ.
↧
લોકસભામાં મહેસાણા સીટમાં વિસનગર વિધાનસભામાંથી ભાજપનુ ૨૦,૦૦૦ જ્યારે કોંગ્રેસનુ ૫૦૦૦ લીડનુ અનુમાન
↧