દુષ્કાળગ્રસ્ત ઉનાળામાં કાળઝાળ ગરમીના બહાને
ખેરાલુ તાલુકામાં પાણીના ટેન્કરોમાં કૌભાંડની ચર્ચા
વાસ્મો, પાણી પુરવઠા, સરપંચો અને તલાટીઓની મિલીભગતથી કેટલાક ગામોમાં ટેન્કરોના ખોટા બીલો બાબતે ધારાસભ્ય ભરતસિંહ ડાભીની મામલતદારને રજુઆત
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
ખેરાલુ તાલુકામાં નહિવત વરસાદને કારણે ગુજરાત સરકાર દ્વારા ખેરાલુ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. જેના કારણે સરકાર દ્વારા માત્ર ૨/- રૂપિયે કીલો ઘાસ આપવાનું શરુ કરાયુ છે. સરકાર દ્વારા તાકીદ કરાઈ છેકે કોઈપણ ગામનું કોઈપણ પરુ પીવાના પાણીથી વંચીત ન રહી જાય તેની ખાસ કાળજી રાખવી. આ સરકારી ફરમાનના કારણે વાસ્મોના મહિલા અધિકારી, પાણી પુરવઠાના અધિકારી, જેતે ગામોના સરપંચ અને તલાટીઓની મિલીભગતથી ટેન્કરોના ખોટા બીલો બનાવવાનું કૌભાંડ બાબતે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ખેરાલુ મામલતદાર સમક્ષ રજુઆત કરી હતી. ખેરાલુ મામલતદારને ઉચ્ચ કક્ષાએથી પાણીની પરિસ્થિતિનો અહેવાલ મંગાવ્યોજ છે. ત્યારે આ અહેવાલ સાથે ટેન્કરોના કૌભાંડનો ઉલ્લેખ કર્યા વગર પ્રાંત અધિકારીએ ઉચ્ચ કક્ષાએ મોકલી આપ્યો છે.
વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ટેન્કરોના કૌભાંડ બાબતે મામલતદાર સાથે ચર્ચા કરવી પડી તો ખરેખર આ કૌભાંડ કેટલા રૂપિયાનુ હશે તે તપાસ થવીજ જોઈએ અને સરકારે સાચી વાત પ્રજા સમક્ષ મુકવી જોઈએ. ખેરાલુ મામલતદાર દ્વારા સમગ્ર ખેરાલુ તાલુકાના કયા ગામોની શુ પરિસ્થિતિ છે તેનો અહેવાલના કેટલાક અંશ જોઈએ તો જે ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નથી તે ગામોમાં વઘવાડી, મલેકપુર(ખે), દેલવાડા, સાગથળા, નળુ, અરઠી, ચોટીયા, પાન્છા, વાવડી, લુણવા, મહિયલ, સાકરી, સાગથળા, થાંગણા, વિઠોડા, સંતોકપુરા, લાલાવાડા, મલારપુરા, નાની હિરવાણી, મછાવા ગામોમાં પાણીની કોઈ તકલીફ નથી. જે ગામોમાં પાણીની તકલીફ છે તેવા ગામો જોઈએ તો, મંડાલી ગામમાં અને પેટા પરા વાલમિયા પુરામાં તકલીફ છે. હાલ પ્રાઈવેટ બોરથી પાણી મળે છે. ધરોઈના પાણીના ધાંધિયા છે. વરેઠા ગ્રામ પંચાયતના બોરમાં પાણી ઓછુ આવે છે. મહેકુબપુરામાં પાણી અનિયમિત પણ પૂરતુ આવે છે. ગઠામણ ગ્રામ પંચાયતનો બોર ફેઈલ થઈ ગયો છે. ચાડા, દેદાસણમાં પાણીની તકલીફ નથી પણ પાણી અનિયમિત આવે છે. બળાદ ગ્રામ પંચાયતના બોરમાં પાણી ઓછુ આવે છે છતાં પીવાના પાણીની તકલીફ નથી. અંબાવાડામાં પીવાના પાણીની તકલીફ નથી પરંતુ અનિયમિત આવે છે. ગોરીસણામાં ધરોઈનું પાણી અનિયમિત આવે છે. સંતોકપુરામાં બોરનું પાણી ઓછુ થયુ છે. ડાલીસણા ગામમાં બોરનું પાણી આવે છે, ધરોઈનુ પાણી આવતુ નથી. ધારાસભ્યના માદરે વતન ડભોડામાં ધરોઈનું પાણી ઓછુ આવે છે. પાણીની તંગી વર્તાય છે. નવીન બોર બનાવવા ઈલેક્ટ્રીક મોટર નથી, કેબલ નથી, પાઈપો નથી જેની યુધ્ધના ધોરણે જરૂરીયાત છે. કુડા, બાજપુરા અને ચિત્રોડીપુરામાં બોરનું પાણી પૂરતુ ન હોવાથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. નવીન બોર બનાવ્યો છે પણ કનેક્શન નથી. રસુલપુર ગામે બોર માટે નવીન મોટર, પંપ અને કોલમ પાઈપ તથા કેબલની જરૂરીયાત છે.
આ ઉપરોક્ત જે ગ્રામ પંચાયતો છે તેના પેટા પરામાં પાણીની તકલીફો છે તે સાચી બાબત છે. પરંતુ કેટલાક ગામોમાં વાસ્મો અધિકારી, પાણી પુરવઠા અધિકારી સરપંચ અને તલાટીની મિલીભગતથી ટેન્કરોના ખોટા બીલો મુકી ભ્રષ્ટાચાર ચાલી રહ્યા બાબતે ધારાસભ્યએ મામલતદારને તાકીદ કરી હતી.