કોન્ટ્રાક્ટર ચોમાસા પહેલા કામ પૂર્ણ કરે તેવા કોઈ અણસાર દેખાતા નથી છતાં
પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની લાલ આંખથી કેનાલનુ કામ શરૂ
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સવાલા દરવાજા જમાઈપરા પાસેની કેનાલનુ કામ શરૂ કરવામાં કોન્ટ્રાક્ટર ગમે તે કારણોસર મલીન ઈરાદો ધરાવતા હતા. ત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ લાલ આંખ કરતા છેવટે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. જોકે દિપરા દરવાજા પંપીંગ સ્ટેશન પાસે પણ કેનાલનુ કામ શરૂ છે. ત્યારે જોવાનુ રહ્યુ કે પ્રમુખ પોતાના વિસ્તારમાં કામ પુર્ણ કરાવી શકે છેકે નહી?
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર ક્રિશા કન્સ્ટ્રક્શનને રૂા.૨.૪૩ કરોડના ખર્ચે પાંચ વિકાસ કામ માટે વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં સવાલા દરવાજા કેનાલથી જમાઈપરા પાછળની કેનાલનો પણ સમાવેશ હતો. પરંતુ ગમે તે કારણોસર કોન્ટ્રાક્ટરે બીજા વિકાસ કામ પ્રથમ પૂર્ણ કરવા જાણે નેમ લીધી હતી. સૌથી પહેલી જરૂરીયાત આર.સી.સી. કેનાલ બનાવવાની હતી. કારણકે આ વિસ્તારના લોકો નર્કાગાર પરિસ્થિતિમાં રહે છે અને કેનાલના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે. વિજાપુર રોડ રામાપીર મંદિર પાસેની કેનાલનુ કામ પૂર્ણ કરી, જમાઈપરા પાછળની કેનાલનુ કામ શરૂ કરવાનુ હતુ. જે કેનાલનુ કામ પતી ગયા બાદ જમાઈપરા પાછળની કેનાલનુ કામ શરૂ કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરે ગમે તે દોરી સંચારથી દિપરા દરવાજા પંપીંગ સ્ટેશન પાસેની કેનાલનુ કામ શરૂ કર્યુ હતુ.
ગોવિંદચકલા પટેલવાડી પાછળથી શરૂ થતી મહેસાણા ચાર રસ્તા આ કેનાલ પાકી બનાવવા ગોવિંદભાઈ ગાંધીએજ અભિયાન ઉપાડ્યુ હતુ. ત્યારે કોન્ટ્રાક્ટર પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના કેનાલ પાકી બનાવવાના પ્રયત્નોને અવગણી અન્ય જગ્યાએ કેનાલ બનાવવાનુ શરૂ કરતા પ્રમુખે કોન્ટ્રાક્ટર ઉપર ભારે રોષ ઠાલવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટરે જમાઈપરા પાછળની કેનાલનુ ટેન્ડર તો ભરી દીધુ છે, પરંતુ ગંદકી હોવાથી, કામ કરવાનુ ફાવે તેમ નહી હોવાથી, અગાઉના ચાર કામ પુર્ણ કરી, તેના બીલો મંજુર કરાવી, ચેક લીધા બાદ જમાઈપરા પાછળની કેનાલનુ કામ છોડી દેવાના હતા.
કોન્ટ્રાક્ટરના આ મલીન ઈરાદાની જાણે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને ગંધ આવી ગઈ હતી. કોન્ટ્રાક્ટરને જેસીબી, ટ્રેક્ટર તથા માલ સામાન લઈ જવાની સરળતા રહે તે માટે ગોવિંદચકલા ઉકરાડાનો વરંડો તોડવાની પણ સંમતી મેળવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરે કામ શરૂ નહી કરતા અને પંપીંગ સ્ટેશન પાસેની કેનાલનુ કામ ધમધમાવતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી હતી. જમાઈપરા પાછળની કેનાલનુ કામ કર્યા વગર હવે છુટકો નથી તેમ જણાતા તા.૬-૫-૨૦૧૯ ને સોમવારના રોજ કોન્ટ્રાક્ટરે જેસીબીથી કામ શરૂ કર્યુ હતુ. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, બકુલભાઈ ત્રીવેદી, ગોવિંદચકલાના અગ્રણી દિલીપભાઈ પટેલ ટનાટન, તથા બાબુભાઈ પટેલ ઉમિયા પ્લાયવુડ વાળા હાજર રહી કોન્ટ્રાક્ટરને માર્ગદર્શન આપ્યુ હતુ. જોકે પ્રમુખની સુચના હોય એટલે કામ ધમધોકાર શરૂ થઈ જવુ જોઈએ. પરંતુ હજુ પણ ધીમી ગતિથી કામ થઈ રહ્યુ છે. કદાચ કોન્ટ્રાક્ટર ચોમાસાની રાહ જોઈને બેઠા હોય તેમ જણાય છે. ચોમાસુ શરૂ થાય એટલે કામ બંધ થાય અને પછી ગમે તે કારણો ધરી કામ છોડી દેવાની ફીરાકમાં કોન્ટ્રાક્ટર હોય તેમ જણાય છે. દિપરા દરવાજા પંપીંગ સ્ટેશન બાજુની કેનાલનુ કામ ધમધોકાર ચાલતુ હોય તો, જમાઈપરા પાછળની કેનાલનુ કામ કેમ ઝડપથી થતુ નથી તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે.