સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનો ત્રીજો સ્થાપના દિન ઉજવાયો
બ્લડ ડોનેશન કેમ્પ માં ૬૦ થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
૯ મી મે ના રોજ નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ના ત્રીજા સ્થાપના દિવસે યુનિવર્સીટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સીટીએ ગત ત્રણ વર્ષમાં શિક્ષણને લગતા વિવિધ મુકામો પર અનોખી છાપ ઊભી કરી ગુજરાત ની નામાંકિત યુનિવર્સીટી માં સ્થાન મેળવ્યું છે.
ત્રીજા સ્થાપના દિવસે સમાજ સેવા ના ભાગ રૂપે યુનિવર્સીટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સીટી ના સ્ટાફ દ્વારા ૬૦થી વધુ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગુજરાત ડૉ. વિનોદ કુમાર મલ ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે યુનિવર્સીટી ના ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને સાથે સાથે ઉપસ્થિત સર્વે મહેમાનો ના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશેષ સેશનમાં “ભારતની સંયુક્ત સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સંકલન” વિષય પર ડૉ. મલે વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં યુનિવર્સીટીના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યામાંએમણે ભારતની અદ્વિતીય વિરાસત અને આધુનિક ભારત વિષે ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતું કે ન્યાય વગર આધુનિક ભારત કલ્પના ન કરી શકાય અને ભારતના સંવિધાનની રચના દરેક ભારતીયની સ્વતંત્રતા અને એના હિતો જળવાય એ ધ્યાને રાખી કરવામાં આવેલ છે. વિશેષમાં એમણે બુદ્ધ થી કબીર સુધીની ભારતની વિરાસતને લોકો સમક્ષ મૂકી ભારત કઈ રીતે પોતાના મૂલ્યો ને જાળવી રાખી આધુનિક બની રહ્યું છે એ સમજાવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે સાંકળચંદ દાદાને યાદ કરતાં યુનિવર્સીટી ને ઉચ્ચ મુકામો સુધી લઈ જવા માટે સમગ્ર નુતન પરિવાર કટિબદ્ધ છે એવું જણાવ્યુ હતું. વિશેષમાં જણાવ્યુ હતું કે યુનિવર્સીટી ખાતે મેડિકલ કોલેજ શરૂ થતાં સમગ્ર ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ તક ઉપલબ્ધ થશે. યુનિવર્સીટી ના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ) વી. કે. શ્રીવાસ્તવેયુનિવર્સીટી દ્વારા ગત ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલ સિદ્ધિઓ વિષે માહિતી આપી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ ના ફેઝ-૨ના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન પણ ત્રીજા સ્થાપના દિવસે કરવામાં આવ્યું હતું. સાંજે યુનિવર્સીટી ખાતે મોટીવેશનલ સેશનમાં ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા ઉપસ્થિત રહી સર્વેને તણાવયુક્ત જીવનમાં માનસિક સ્વસ્થતા કઈ રીતે જાળવવી એ વિષે પ્રેરણા આપી હતી. સ્થાપના દિને યુનિવર્સિટી દ્વારા વર્ષ દરમિયાન ઉત્કૃસ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ ને પ્રમાણપત્ર અને ઈનામદ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ સેશનમાં સમગ્ર ટ્રસ્ટીગણ ની ઉપસ્થિતિમાં નુતન પરિવારનું સ્નેહ મિલન યોજાયું અને સાથે સાથે મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા.