“વાયુ” વાવાઝોડાની દહેશતને પગલે
વિસનગર છઁસ્ઝ્રએ અસરગ્રસ્તો માટે ૫૦૦૦ ફુડ પેકેટસ પહોંચાડ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલુ “વાયુ” વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આવતુ હોવાની હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ થયુ હતું. સરકારના આદેશથી તંત્રએ દરિયા કિનારાની આજુબાજુમાં વસતા લોકોનું અન્ય સલામત સ્થળે ખસેડવાની યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે રાજ્યના સંભવિત અસરગ્રસ્તો માટે ફુડ પેકેટસની પણ તૈયારીઓ કરી દીધી હતી. જેમાં વિસનગરના ધારાસભ્ય અને એ.પી.એમ.સી.ના ચેરમેન ઋષિકેશભાઈ પટેલની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ સંભવીત અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફુલવડી તથા ચોખ્ખા ઘીની સુખડીના ૫૦૦૦ પેકેટસ બનાવી મહેસાણા જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચાડવામાં આવ્યા હતા. આ ભગીરથ કાર્યમાં એ.પી.એમ.સી.ના સેક્રેટરી કમલેશભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ તથા એ.પી.એમ.સી.ના ડીરેક્ટર એલ.કે.પટેલ, રાજીવભાઈ (બકાભાઈ) પટેલ, પી.સી. પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામભાઈ પટેલ, દશરથભાઈ પટેલ (ઉદલપુર), પરેશભાઈ પટેલ (મલેકપુર), સહિતના ડિરેક્ટરો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
સખી ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ ફુડ પેકેટસ તૈયાર કરાયા
ગુજરાતના દરિયા કિનારા ઉપર આવી રહેલા વાયુ વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર એલર્ટ બન્યુ હતું. અને તંત્રએ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકો માટે ફુડ પેકેટસ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જેમાં વિસનગરમાં તાલુકા પંચાયત સામે આવેલ સખી ફાઉન્ડેશન દ્વારા અસરગ્રસ્તો માટે ૧૦૦૦ ફુડ પેકેટસ તૈયાર કરી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કડા સિધ્ધેશ્વરી મંદિર દ્વારા ફુડ પેકેટ મોકલાયા
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલુ વાવાઝોડુ ગુજરાતના દરીયાકાંઠા ગામોમાં અસર કરે તેમ હોઈ આગોતરા આયોજનના ભાગરૂપ મહેસાણા જીલ્લાના કલેક્ટર એચ.એન.પટેલ દ્વારા જીલ્લાના માર્કેટયાર્ડો, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટ બનાવી ગઈકાલે રવાના કરવામાં આવ્યા જેમા સિધ્ધેશ્વરી મંદિર સેવા ટ્રસ્ટ કડા દ્વારા ૧૦૦૦ સુખડીના ફુડ પેકેટો તૈયાર કરી કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યા હતા. સિધ્ધેશ્વરી મંદિર સેવા ટ્રસ્ટ અનેક રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા ધમધમતી રહ્યુ છે. પુલવામાં શહીદોના પરિવારજનોને અઢીલાખનો ચેક કલેક્ટરને આપવામાં આવેલો. તાજેતરમાંજ ૧૦૦ રૂપિયા ડઝનના ભાવે ચોપડાનું વિતરણ મોટી સંખ્યામાં કરવામાં આવ્યુ હતું. વૃધ્ધાશ્રમ પણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. જેમા વૃધ્ધોને વિનામુલ્યે રાખવામાં આવે છે. મહેસાણા જીલ્લાનું ગૌરવ છે કે જીલ્લાના માર્કેટયાર્ડ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આપતિકાળે નોંધપાત્ર સેવાઓ આપે છે. બનાસકાંઠાના પુર વખતે પણ સિધ્ધેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા રાહત પેકેટ સહિતની રાહત પહોંચાડવામાં આવી હતી. જેની વહીવટી તંત્રે નોંધ લીધી હતી.