ગ્રામ પંચાયતમાં ઠરાવ વગર કે તંત્રની પૂર્વ મંજુરી વગર!
ગુંજાના ગૌચરમાંથી લાખ્ખો ટન માટી પગ કરી ગઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગૌચર ઉપર પશુપાલનનો મુખ્ય આધાર છે. ગૌચરમાં દબાણો થતા અટકાવવા, દબાણો દુર કરવા કે માટી ખોદકામ થતી અટકાવવા સરકારી તંત્રની સૂચના અને તેને લગતા કોર્ટના આદેશો હોવા છતાં ગૌચરમાં મોટા પ્રમાણમાં દબાણ થાય છે તેમજ માટી પણ ચોરાય છે. વિસનગર તાલુકાના કાજીઅલીયાસણાના ગૌચરમાં માટી ચોરી બાદ ગુંજા ગામના ગૌચરમાં મોટા પ્રમાણમાં માટી ખોદી લાખ્ખો ટન માટીની ચોરી થતા ભારે ચકચાર જાગી છે. ગૌચરમાં માટી ખોદવાનો ઠરાવ થયો હતો કે નહી, લાખ્ખો ટન માટીના લાખ્ખો રૂપિયા ગ્રામ પંચાયતમાં જમા થયા છેકે નહી, ગૌચરમાં ખોદકામ માટે તંત્રની મંજુરી લેવામાં આવી હતી કે નહી તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે.
વિસનગર તાલુકાના ગુંજા ગામમાં એક મોટુ ગામ તળાવ આવેલુ છે. જેનો સર્વે નંબર બે છે. તળાવની પૂર્વ દિશા તરફ ગૌચર આવેલુ છે. જેનો સર્વે નંબર ચાલીસ છે. આ તળાવની પાળો તથા ગૌચર ખોદી એક અંદાજ પ્રમાણે ૨૦૦૦ આઈવા માટી વેચી મારવામાં આવી છે. ગુંજા ગામના ગૌચરમાંથી મોટા પ્રમાણમાં માટી ચોરાતા અત્યારે માટી ચોરીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ગામના જાગૃત લોકો ગૌચરની લાખ્ખો ટન માટી ચોરાતા પ્રશ્નો કરી રહ્યા છેકે ગૌચર ખોદવાનો સરકારમાં કોઈ પરિપત્ર નથી. તળાવ ખોદવા માટે પરિપત્ર થયેલા છે. ગૌચરમાંથી લાખ્ખો ટન માટી ખોદતા પહેલા ખાણ ખનીજ વિભાગ, કલેક્ટર કે તાલુકા પંચાયતમાંથી કોઈ મંજુરી લેવામાં આવી છે? ગૌચર ખોદવા બાબતે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ થયો છે ખરો? ગૌચરની માટી મુદ્દે ગુંજા ગ્રામ પંચાયત અને સરપંચ જાણે છેકે જાણતા હોવા છતાં અજાણ બને છે? ગૌચર ખોદવા ગ્રામ પંચાયતમાંથી કોને મંજુરી આપી? લાખ્ખો ટન માટી વેચાઈ તેના પૈસા ગ્રામ પંચાયતમાં જમા થયા છે ખરા? પૈસા જમા થયા હોય તો કઈ મંજુરી આધારે ખોદાયુ અને કયા હેડે પૈસા જમા થયા? ગુંજાની સીમમાં ગૌચર ખોદાતા અત્યારે ભારે ચકચાર જાગી છે.
↧
ગ્રામ પંચાયતમાં ઠરાવ વગર કે તંત્રની પૂર્વ મંજુરી વગર! ગુંજાના ગૌચરમાંથી લાખ્ખો ટન માટી પગ કરી ગઈ
↧