સતલાસણા તાલુકાના ભાજપના વર્ષો જુના અગ્રણીની માંગણી
ખેરાલુને સાંસદનું પદ તો સતલાસણાને ધારાસભ્ય પદ કેમ નહી?
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
પાટણ લોકસભાની ચુંટણીમાં ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીની ભવ્ય જીત થતા ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકામાં જુના ભાજપના આગેવાનો ખેરાલુ વિધાનસભાની પેટાચુંટણીમા ભાજપના ઉમેદવાર બનવા થનગની રહ્યા છે. જે લોકો એ કયારેય વિધાનસભામાં ટીકીટ માંગવા પ્રયત્ન કર્યો નથી તેવા આગેવાનો પણ ટીકીટ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે સતલાસણા તાલુકાના વષો જુના અગ્રણી કે જેમણે ભાજપ માટે પોતાની જાત ઘસી નાંખી છે. અને તેઓ ટીકીટ મેળવવાની હોડમાં પણ નથી તેવા સંનિષ્ઠ વફાદાર સૈનિક જેવા કાર્યકરે પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે સતલાસણાને ધારાસભ્યનુ પદ મળવુ જોઈએ.
સતલાસણા તાલુકા ભાજપ અગ્રણીએ નામ ન આપવાની શર્તે જણાવ્યુ છે કે પાટણ લોકસભામાં ૧૧ તાલુકાની સાત વિધાનસભા સીટ આવે છે. સાત વિધાન સભામાં સૌથી પછાત ગણાતી ખેરાલુ વિધાનસભાના ધારાસભ્યને ભાજપે સાંસદની ટીકીટ આપી, પાટણ વિધાનસભાના ઉમેદવારો સહિત અનેક ઉમેદવારો પાટણ-લોકસભા લડવા ભાજપમાંથી તૈયાર હતા છતા ખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય ભરતસિંહ ડાભીને લોકસભાની ટીકીટ અપાઈ અને જીત્યા પણ ખરા. સતલાસણા તાલુકામાં ભારતદેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમા માત્ર એકવાર રાષ્ટ્રીય પક્ષે ટીકીટ આપી છે. અને તે પણ રાજીવગાંધી વડાપ્રધાન હતા તે સમયે ગઢવાડાના ગાંધીના હુલામણા નામથી ઓળખાતા સ્વ. કે.પી.ઠાકોરને જનતાદળે કોંગ્રેસ સામે ટીકીટ આપી હતી. તે સમયે ૧૯૮પમાં કોંગ્રેસ, જનતાદળ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો. જેમા કોંગ્રેસમાંથી ખેરાલુના સ્વ. મોહનભાઈ નાથુભાઈ દેસાઈને કોંગ્રેસે ટીકીટ આપી હતી. સતલાસણામાંથી સ્વ.કે.પી.ઠાકોરને જનતાદળે ટીકીટ આપી હતી.જયારે સ્વ.શંકરજી ઠાકોર અપક્ષ ચુંટણી લડયા હતા. તે વખતની વિધાન સભામાં સ્વ. શંકરજી ઠાકોરને ર૭ર૮૪ મત મળ્યા હતા. સ્વ. મોહનભાઈ નાથુભાઈને ર૬૧૦૪ મત મળ્યા હતા. અને સ્વ. કે.પી.ઠાકોરને સ્વ. મોહનભાઈ દેસાઈ કરતા ૧૦૦૦ મત ઓછા મળ્યા હતા. આમ ભારત દેશ આઝાદ થયો તે પછી સતલાસણાને માત્ર એક વખત રાષ્ટ્રીય પક્ષે વિધાનસભાની ટીકીટ આપી છે. સ્વ. કે.પી.ઠાકોર વિધાનસભા લડતા હતા ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવગાંધીની મહેસાણા ખાતેની જાહેર સભામાં એવુ વક્તવ્ય આપ્યુ હતુ. ખેરાલુ વિધાનસભામાં જનતા દળના ઉમેદવારને પ્રજા પૈસા અને મત બન્ને આપે છે. જેથી કોંગ્રેસે વિશેષ ધ્યાન રાખી જીતવાનુ છે. સતલાસણા તાલુકો અગાઉ કોંગ્રેસનો ગઢ કહેવાતો તો. પરંતુ છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસના નેતાઓએ પુરતુ ધ્યાન ન આપતા હાલ સતલાસણા તાલુકો ભાજપનો ગઢ બની ગયો છે. ખેરાલુના જુના તાલુકાના બે વ્યક્તિઓ સાંસદ બન્યા છે જેમા પ્રથમ વડનગરના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને બીજા ખેરાલુના ભરતસિંહ ડાભી આમ વડનગર અને ખેરાલુને જોઈતા પદ મળી ગયા છે તો આ પેટા ચુંટણી છે. જેથી એક વખત સતલાસણા તાલુકાને ધારાસભ્ય પદની તક મળવી જોઈએ. કોંગ્રેસ હોય કે ભાજપ કોઈએ અત્યાર સુધી સતલાસણાને ધારાસભ્ય પદ આપ્યુ નથી. જેથી ભાજપ આ વખતે સતલાસણા તાલુકાને ધારાસભ્ય બનવા માટે તક આપે તે જરૂરી છે.
આ વખતની ખેરાલુ વિધાનસભામાં જે રીતે ભરતસિંહ ડાભીને પ૯૪પ૭ની લીડ મળી છે. તે જોતા એમ તો કહી જ શકાય કે ભાજપ જ્ઞાતિ, જાતિના વાડા તોડી ગમે તે ને ટીકીટ આપશે તે વ્યક્તિ ચુંટાઈ જવાનો છે. ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણી બે-ત્રણ મહિનામાં જાહેર થશે. પરંતુ અત્યારથી ભાજપના મોવડીઓ કાર્યકરોની માંગણીનું ધ્યાન નહી રાખે તો ભારે હોબાળો થવાની શક્યતા છે.