વડનગરી દરવાજા દબાણકારોનો હુંકાર-નગરપાલિકા અને તંત્ર અમારા ખીસ્સામા છે
કાચા-કેબીનોની જગ્યાએ પાકી દુકાનોનુ બાંધકામ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા ગઠબંધનના શાસનમાં ગેરકાયદેસર દબાણોએ માજા મુકી છે. વડનગરી દરવાજા પાસે કાચા કેબીનો હતા. જેમાં કેબીનો હટાવી પાકી દુકાનો બનાવતા આ ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકામાં લેખીત ફરીયાદ થઈ છે. દબાણો સામે પાલિકાની નિષ્ક્રીયતાથી દબાણકારો કહી રહ્યા છેકે નગરપાલિકા અને તંત્ર અમારા ખીસ્સામાં છે.
વિસનગરમાં વડનગરી દરવાજા પાસે ગેરકાયદેસર પાકી દુકાનો બનતા ભારે ચકચાર જાગી છે. જે ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ પાલિકામાં લેખીત રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છેકે, દરવાજાની પાસે અંદરના ભાગે દીવાન ઈમામખા બચુશાના મકાનની આગળ રસ્તાની જગ્યામાં લાકડાના કેબીનો મુકી દબાણ કર્યુ હતુ. જ્યા લાકડાના કેબીનો હટાવી પાકી દુકાનોનુ બાંધકામ શરૂ કરેલ છે. સરકારી રસ્તાની જગ્યામાં પાકી દિવાલો બનાવી દબાણ કરવામાં આવી રહ્યુ છે. આ વિસ્તારના લોકોએ દબાણ કરતા ઈસમોને ગેરકાયદેસર બાંધકામ નહી કરવાનુ જણાવતા, દબાણકારો જાહેરમાં કહી રહ્યા છેકે નગરપાલિકા અને તંત્ર અમારા ખીસ્સામાં છે. વિસનગર પાલિકાના કોર્પોરેટરો અમારા છે. અરજીમાં જણાવ્યુ છેકે, આ જગ્યામાં લુખ્ખા તત્વો ભેગા થાય છે. ચરસ-ગાંજાનો વેપાર કરે છે તેમને ખોટુ પ્રોત્સાહન મળી રહ્યુ છે. ગેરકાયદેસર પાકી દુકાનો બનાવવાના કારણે રસ્તો સાંકડો થઈ જાય તેમ છે. જેના કારણે વાહનોને અવરજવરમાં ખુબજ તકલીફ પડે તેમ છે.
વિસનગરમાં દબાણો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરનાર ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ આ ગેરકાયદેસર બાંધકામને અટકાવે છેકે નહી તે જોવાનુ રહ્યુ.