તંત્રી સ્થાનેથી…
ડીગ્રી વગરના ર્ડાક્ટરોના વધેલા વ્યાપ માટે સરકારની આરોગ્ય વ્યવસ્થા જવાબદાર
સમી ગામમાં લંપટ ર્ડાક્ટરોના કરતૂતો પછી છેલ્લા કેટલાક દિવસોથી અખબારોને પાને હેડલાઈનમાં ર્ડાક્ટર જ ચમકે છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં ખોટી રીતે એલોપેથીક પ્રેક્ટીસ કરતા ઉધાડપગા ર્ડાક્ટરો સમીના ર્ડાક્ટરોના પાછળ અખબારોના પાને ચમકવા લાગ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આવા ડીગ્રી વગરના ર્ડાક્ટરો કઈ રીતે જામ્યા છે તે સરકારના આરોગ્ય ખાતાનો શોધખોળનો વિષય છે. ઉચ્ચ ડીગ્રી ધારી ર્ડાક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં રહેવા તૈયાર નહિ હોવાથી અને તમામ ડીગ્રી ધારી ર્ડાક્ટરોની શહેરભણી દોટને લઈ આરોગ્ય સેવામાં ખાલી પડેલી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં આ ર્ડાક્ટરોએ પગદંડો જમાવ્યો છે. ર્ડાક્ટરી લાઈનમાં એલોપેથીક, આયુર્વેદિક અને હોમિયોપેથીક ત્રણે શાખાના ર્ડાક્ટરોની ચિકિત્સા પધ્ધતિ અલગ અલગ છે છતાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટીસ કરતા કોઈપણ શાખાના ર્ડાક્ટરો એલોપેથીક દવાથી જ સારવાર કરે છે. શહેરી વિસ્તારમાં આયુર્વેદિક અને હોમીયોપેથીક ર્ડાક્ટરો છે તે ર્ડાક્ટરો સહેજ પણ એલોપેથીક દવાનો ઉપયોગ કરતા નથી તે ચોક્કસ વાત છે. પ્રવર્તમાન સંજોગોમાં આયુર્વેદિક દવાનો વ્યાપ વધ્યો છે. જેથી એલોપેથીક ર્ડાક્ટરો પણ આયુર્વેદિક દવાઓ લખતા થઈ ગયા છે. પણ એ પ્રશ્ન ઊભો થાય છેકે, ગ્રામ્ય વિસ્તારના આયુર્વેદિક કે હોમિયોપેથીક અથવા બીજી કોઈપણ અન્ય શાખાના ર્ડાક્ટરો એલોપેથીક દવાનો કેમ ઉપયોગ કરે છે? તેનું પાછળનું કારણ જાણવા મળ્યું છેકે, એલોપેથીક દવાઓથી દર્દીને દર્દ દબાવવાનું પરિણામ જલદી મળે છે. ગ્રામ્ય વિસ્તારના ર્ડાક્ટરો સંપૂર્ણપણે એલોપેથીક દવાઓનો જ ઉપયોગ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવા સર્ટીફીકેટવાળા ર્ડાક્ટરોની બોલબાલા થવા પાછળ આરોગ્યખાતું જ જવાબદાર છે. એલોપેથીક ર્ડાક્ટરની ડીગ્રી સરકાર તરફથીજ અપાય છે. પણ આવી એમ.બી.બી.એસ. જેવી તબીબી ક્ષેત્રની પ્રથમ હરોળની ડીગ્રી મેળવવા માટે અર્ધસરકારી મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને ઓછામાં ઓછો પચાસ લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે. જેથી યુવક ર્ડાક્ટર બન્યા પછી રોકેલા પૈસા પરત મેળવવા માટે શહેરી વિસ્તાર તરફ નજર દોડાવે છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સેવાનો શૂન્યાવકાશ સર્જાય છે. જેથી સરકારે તબીબી શિક્ષણમાં ઓછામાં ઓછો ખર્ચો થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ર્ડાક્ટરોના મનમાં સેવાની ભાવના જાગે અથવા સરકારે ડીગ્રી આપતા પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસ વર્ષ સેવા કરવી પડે તેવો નિયમ લાગુ કરાય તોજ મોટી ડીગ્રી ધરાવતા ર્ડાક્ટરો સેવા આપવા જશે. એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવતા પહેલા બાર મહિના ફરજીયાત ઈન્ટરશીપ કરવી પડે છે તે ઈન્ટરશીપ પૂરી થાય પછી જ એમ.બી.બી.એસ.ની ડીગ્રી ર્ડાક્ટરને મળે છે. તેવી રીતે ડીગ્રી લેતા પહેલા ત્રણ વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં ફરજીયાત નોકરી કરવી પડે તેવો નિયમ લાવવામાં આવે અને આ ત્રણ વર્ષમાં ર્ડાક્ટરને ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટીસ કરવાનું ઊંચુ સ્ટાયફન્ડ આપવામાં આવે તો ર્ડાક્ટરો ગ્રામ્ય વિસ્તાર તરફ જતા થાય. એવા ત્રણ વર્ષ માટે ગયેલા ર્ડાક્ટરો પૈકી કેટલાક ર્ડાક્ટરોની ગ્રામ્ય વિસ્તારમાં સારી પ્રેક્ટીસ થાય તો તે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી થઈ શકે છે. આવો ત્રણ વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનો નિયમ આવે તો આરોગ્ય ખાતાના માથે ર્ડાક્ટર ત્યાં રહે છેકે નહિ તે તપાસવાની ભારે જવાબદારી આવી પડે. ગ્રામ્ય વિસ્તારમાં ડીગ્રી ધારી ર્ડાક્ટરની સેવાઓ મળી શકે તો આ બની બેઠેલા ઉધાડપગા ર્ડાક્ટરોનો ગ્રામ્ય વિસ્તારમાંથી સફાયો થાય. આવા સર્ટીફીકેટ ધારી ઉધાડપગા ર્ડાક્ટરો એકલા ગ્રામ્ય વિસ્તારમાં છે તેવુ નથી. મોટા શહેરોના સ્લમ વિસ્તારમાં આવા ડીગ્રી વગરના ર્ડાક્ટરોનો દબદબો છે. શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવા ડીગ્રી વગરના ર્ડાક્ટરોની પ્રેક્ટીસો ચાલે છે તેના પાછળ ભૃણ પરીક્ષણ અને એબોર્શન જવાબદાર છે. મોટા હોસ્પિટલો ધરાવતા તબીબો સરકારની કડક નીતિને લીધે સીધા ભૃણ પરીક્ષણ અને એબોર્શન સેવા આપવા સંમત થતા નથી. આવા સર્ટીફીકેટ ધારી ર્ડાક્ટરો દ્વારા દર્દી અને હોસ્પિટલ વચ્ચે માધ્યમ બની તગડી કમાણી કરી ભૃણ પરીક્ષણ અને ગર્ભપાતની સગવડ કરી આપે છે. જેમાંથી તેમને તગડી કમાણી મળે છે. સરકારી તંત્ર તબીબી સેવાની પધ્ધતિ સુધારશે તોજ ગ્રામ્ય વિસ્તારમાં ડીગ્રીવાળા ર્ડાક્ટરોને સેવાઓ મળતી થશે.