માનકુવાના રસ્તે વરસાદી ગટર અને રોડના નાણા વેડફાયા
ખેરાલુમાં પ્રથમ વરસાદમાં પાલિકાની પોલ ખુલી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં પાલિકા દ્વારા જેટલા રોડ બનાવ્યા છે. તે લગભગ તમામ રોડની ગુણવત્તા સારી છે. પરંતુ ખેરાલુમાં દેસાઈવાડા ડેરીથી માનકુવા થઈ શિતકેન્દ્ર સુધીનો રસ્તો ખેરાલુ શહેરના લોકો માટે સૌથી ઉપયોગી તેમજ સૌથી વધુ વપરાશ વાળો રસ્તો છે.આ રસ્તાનું કામ ઝડપથી પુર્ણ ન થતા આ વિસ્તારના લોકોએ અગાઉ હોબાળો કર્યો હતો. જેથી પાલિકાના જાગૃત સભ્ય સુભાષભાઈ દેસાઈએ એક અઠવાડીયામાં રોડનુ સંપુર્ણ કામ પુર્ણ કરવાની ખાત્રી આપી હતી.જેના સમાચાર પ્રચાર સાપ્તાહિકમા પ્રસિધ્ધ થતા માનકુવા રોડ ઉપરની તુલસી પ્રેરણા સોસાયટીના રહીશ દેસાઈ પંકજકુમાર લવજીભાઈએ ર૧-૬-ર૦૧૯ના રોજ અરજી આપી હોવા છતા કોઈ કામગીરી ન કરતા તેમજ નવો બનાવેલો રોડમાં ખાડા અને કપચી ઉખડી જવા બાબતે તેમજ સોસાયટી આગળ ઢાળ બરાબર ન બનાવતા પાણી ભરાઈ રહેલા ફોટા વ્હોટસએપ તેમજ ફેસબુક ઉપર વાઈરલ કરતા ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે.
છેલ્લા છ આઠ મહિનાથી આ રોડ વિવાદમાં સપડાયો છે. ખેરાલુમાં ધારાસભ્યપદ ખાલી થઈ ગયુ છે. સાંસદ ભરતસિંહ ડાભી દિલ્હી ગયા છે. જેથી હવે ખેરાલુ વિધાનસભાનુ હાલ કોઈ રણીધણી ન હોય તેવી પરિસ્થિતિ છે. જેથી ખેરાલુ શહેરના ચૌધરી દેસાઈ સમાજના અગ્રણી દેસાઈ પંકજકુમાર લવજીભાઈએ ગાંધીનગર ખાતે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓને પત્ર લખી ઘટતી કાર્યવાહી કરવા અરજી કરી છે. જેમા જણાવ્યુ છે કે સામવેદ સોસાયટી પાસે આખા રોડ ઉપર વરસાદી ગટર લાઈનના ઉંડા ખાડા ઈરાદાપુર્વક છોડી દીધા છે. આ રોડ ઉપર સવાર સાંજ પશુપાલકો દુધ લઈને ડેરીએ ભરાવવા જાય ત્યારે સાયકલ, સ્કુટર અને બાઈક ઉપર લટકાવેલી દુધની બરણીઓ માંથી દુધ ઢોળાઈ જાય છે. વાહનોવાળા તો લગભગ આ રસ્તે પસાર થતા ડરે છે. પરંતુ ભુલેચુકે કોઈ ગાડી લઈ આ રસ્તે પસાર થાય તો ગાડીના તળીયા ઘસાઈ જાય છે.પાલિકાના કોર્પોરેટરો, સ્ટાફ તથા કોન્ટ્રાક્ટરોને મૌખિક વિનંતી કરવા છતા કોઈ સાંભળતુ નથી.
તુલસી પ્રેરણા સોસાયટી આગળ ખાડામાં પાણી ભરાઈ જતુ હોવાથી સોસાયટીમાં પ્રવેશવુ દુષ્કર થઈ ગયુ છે. નવા બનાવેલા સી.સી.રોડનુ પડ ઉખડી ગયુ છે. કયાંક ખાડા પડી ગયા છે. કયાંક કપચી ઉખડી ગઈ છે. રોડની જાડાઈ પણ માપસર નથી. રોડનુ કામ હલકી ગુણવત્તાનુ થયુ છે. ખેરાલુ શહેરમાં તમામ રોડનુ કામ ટેન્ડર પાસ થયેલી એજન્સીની આડમાં ખેરાલુ પાલિકાના બે-ત્રણ સભ્યો છે કે જે કોન્ટ્રાક્ટર છે. તેમણે એન્જીનીયર અને ચિફ ઓફીસરની રહેમ દ્રષ્ટ્રીથી ખરાબ કામો કરે છે. જવાબદાર કર્મચારીઓ જાણી જોઈને બેદરકારી દાખવી જાણી જોઈને હલકી કક્ષાનુ કામ કરાવી સરકારી નાણાનો દુર ઉપયોગ કરાઈ રહ્યો છે.
ઉપરોક્ત અરજી થઈ એટલે ભાજપ કોંગ્રેસની વાતો કરી ભ્રષ્ટાચારને ઢાંકવાનું કામ કરાશે તેવુ શહેરમાં ચર્ચાઈ રહ્યુ છે. અગાઉ પાલિકાની ચુંટણી પછી ગૌરવપથ અને બસ સ્ટેશનથી રૂપેણ નદીના પુલનુ કામ ખરાબ થતા બન્ને કોન્ટ્રાક્ટરોને ડીસક્વોલીફાઈડ કરવા રઘવાયા બનેલા ભાજપના સભ્યો દેસાઈવાડા ડેરીથી માનકુવા થઈ શિતકેન્દ્ર સુધીના રોડના ખરાબ કામ કરવા બાબતે કોન્ટ્રાક્ટરને ડીસ ક્વોલીફાઈડ કરવાની હિંમત કરી શકશે ખરા? ખેરાલુ પાલિકામાં રોડનુ કામ કરનાર કોન્ટ્રાકટરનો પેટા કોન્ટ્રાક્ટર પાલિકા સભ્ય હોય એટલે તેને છાવરવાનો આતો કયાંનો ન્યાય ? ખેરાલુ શહેરમા ભાજપ દ્વારા બનાવેલા તમામ રોડ સારા બન્યા પરંતુ દેસાઈવાડા ડેરીથી માનકુવા વાળો રસ્તો ખરાબ બનતા ભાજપની આબરુ ઓછી થઈ છે. તેવા આક્ષેપોની વણઝાર ફેસબુક અને વ્હોટસએપ ઉપર ફરતી થઈ છે.