સરકારની જળસંચય યોજનાનો લાભ લઈ
સેવાલીયાના ખેડુતો વરસાદી પાણીથી કુવા રીચાર્જ કરશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ખેતરમાં ભરાતા વરસાદી પાણીથી ખેતરમાં બનાવેલા કુવા બોર રિચાર્જ થાય અને ખેડુતોે ખેતી માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે જળસંચય યોજના અમલમાં મુકી છે. આ યોજનાને વેગ આપવા માટે વિસનગર તાલુકાના સેવાલીયા ગામના ખેડુત અને એ.પી.એમ.સી.ના ડીરેક્ટર એલ.કે.પટેલ અને વિસનગર તાલુકા કિસાન મોરચાના પ્રમુખ કિર્તિભાઈ પટેલ બંન્ને ભાઈઓએ ખેતરમાં ભરાતા પાણીથી ખેતરમાં બનાવેલ પાણીના કુવા સુધી પાઈપ લાઈન નખાવી કુવાનુ પાણી રીચાર્જ કરવા ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઘણા સમયથી ખેડુતોના વિવિધ પ્રશ્નો હલ કરી આર્થિકરીતે સધ્ધર બનાવવા સખત પ્રયત્નો કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાનના શપથવિધી સમારોહમાં પોતાના સંબોધનમાં ખેડુતોના પ્રશ્નો હલ કરવા વધુ ભાર મુક્યો હતો. અગાઉ સરકારે ખેડુતો ઓછા પાણીએ વધુ ખેત ઉત્પાદન મેળવી આર્થિક રીતે સમૃધ્ધ બને તે માટે ટપક સિંચાઈ પધ્ધતિ અમલમાં મુકી હતી. જેમાં ખેડુતોને સરકારી સહાય મળતા તેઓ સરકારી સહાયથી પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ કરી વધુ ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદની અનિયમિતતાના લીધે ખેડુતો પાણી વગર ખેતી કરવામાં હાલાકી પડતી હતી. ખેડુતોને વરસાદી પાણી ઉપર નિર્ભય રહેવુ પડતુ હતું. વરસાદ આવે ત્યારે ખેતરમાં પાણી ભરાતુ હતું. ત્યારે ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે રાજ્ય સરકારે ગત સોમવારે જળસંચય યોજના અમલમાં મુકી છે. આ યોજનાથી ખેતરમાં ભરાતા વરસાદી પાણીથી ખેતરમાં બનાવેલા બોર-કુવા રિચાર્જ કરી શકાય છે. સરકારની આ જળસંચય યોજનાનો લાભ લઈ વિસનગર તાલુકા સહિત અન્ય તાલુકાના ખેડુતો પોતાના ખેતરમાં ભરાતા વરસાદી પાણીથી ખેતરમાં બનાવેલ બોર-કુવા રીચાર્જ કરી ખેતરમાં ભરાતા પાણીનો સદ્ઉપયોગ કરે તે માટે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમના વફાદાર સૈનિક ગણાતા કાર્યકર સેવાલીયા ગામના વતની અને વિસનગર એ.પી.એમ.સી.ના ડિરેક્ટર તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ એલ.કે.પટેલે અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડવા માટે ખેતરમાં ભરાતા પાણીથી ખેતરમાં બનાવેલા પાણીના કુવા સુધી ૧૨૦ ફુટ પાઈપ લાઈન તથા તેમના કૌટુબિક ભાઈ અને વિસનગર તાલુુકા કિસાન મોરચાના પ્રમુખ કિર્તિભાઈ પટેલે તેમના ખેતરમાં ૪૧૫ ફુટ જેટલી પાઈપ લાઈન નાખી હતી. આ બંન્ને ખેડુતોએ ખેતરમા કુવા રિચાર્જ કરવા માટે નાખેલી પાઈપલાઈન જોવા માટે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉમટ્યા હતા. હાલમાં એલ.કે.પટેલ પોતાના સાડા પાંચ વિઘા ખેતરમાં ૩૦૦ જેટલા કેશર આંબાનુ વાવેતર કરી ખેડુતોને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે. આ અંગે એલ.કે.પટેલનો સંપર્ક કરતા જણાવ્યુ હતુ કે સરકારની આ યોજનાથી ખેતરમાં ભરાતુ વરસાદી પાણી ખેતરમાંજ રહેશે. અને ખેતરમાં બનાવેલા પાણીના કુવાઓ રિચાર્જ થતા ભગર્ભજળ ઉંચા આવશે. જેનો આજુબાજુના ખેતરોના ખેડુતો પણ સિંચાઈ કરવામાં લાભ મળશે. સરકારની જળસંચય યોજના ખેડુતો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.