એકના ડબલની લાલચ આપી રૂા.૩૦૦ કરોડનુ ઉઠમણુ કર્યુ હોવાની ચર્ચા
વિસનગરમાં રૂા.૧.૫૩ કરોડની છેતરપીંડીની ફરિયાદ કરવા અરજી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી તે કહેવત સાચી ઠેરવતો બનાવ વિસનગરમાં બન્યો છે. એક ફાયનાન્સ પેઢીએ આર.ટી.જી.એસ.થી રૂપિયા લઈ અને ઉંચુ વ્યાજ આપી એકના ડબલની લાલચ આપી મોટી ડીપોઝીટ લીધા બાદ અત્યારે હાથ અધ્ધર કરી દેતા આ ફાયનાન્સ પેઢી રૂા.૩૦૦ થી ૪૦૦ કરોડનુ ઉઠમણુ કર્યુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આર.ટી.જી.એસ.થી તેમજ રોકડમાં ડીપોઝીટ કરાવનાર એક વ્યક્તિ દ્વારા રૂા.૧,૫૩,૯૫,૮૩૮/- ની ફરિયાદ કરવા પોલીસમાં અરજી આપતા ભારે ચકચાર જાગી છે.
ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ભાગીદારો તેમજ વચેટીયા સાગરીતો તમામના ફોન સ્વીચ ઓફ રોકાણકારોને
રાતાપાણીએ રોવડાવનાર તમામ ભુગર્ભમા
વિસનગરમાં કાંસા ચાર રસ્તા પાસે તિરૂપતિ હાઉસના ત્રીજા મજલે ગુરૂદેવ ઈન્વેસ્ટ નામની ફાયનાન્સ પેઢીના ભાગીદાર પિતા પુત્ર ત્રીભોવનભાઈ રામાભાઈ પટેલ અને આકાશ ત્રીભોવનભાઈ પટેલ બન્ને ડીપોઝીટ ઉપર માસીક ૧૦ થી ૧૫ ટકા ઉંચુ વ્યાજ આપતા હોવાથી વિસનગર પંથકના અને બહારગામના ડીપોઝીટરોની લાઈન લાગી હતી. નાણાં રોકનારને શક ન જાય તે માટે આ ભાગીદાર પિતા પુત્ર આર.ટી.જી.એસ.થી ડીપોઝીટ લેતા હતા અને વ્યાજ પણ આર.ટી.જી.એસ.થી આપતા હતા. એક વર્ષ પહેલા તો એવી પરિસ્થિતિ હતી કે, ડીપોઝીટ આપવા લોકોની લાઈનો લાગતી હતી. છેલ્લા બે માસથી આ ફાયનાન્સ પેઢીએ મુડી કે વ્યાજ આપવાનુ બંધ કરતા ડીપોઝીટરોના જીવ તાળવે ચોટી ગયા છે.
ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરનાર બારડોલીના રાજેન્દ્રકુમાર રતિલાલ પટેલ દ્વારા આ ફાયનાન્સ પેઢી દ્વારા તેમની સાથે છેતરપીંડી કરી હોવાની વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અરજી આપવામાં આવી છે. રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા અરજીમાં આપેલી વિગતો જોતા તેઓ ધંધાર્થે સુરત આવતા જતા હતા ત્યારે દિવ્યેશભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. જેમણે જણાવ્યુ હતું કે, વિસનગરની ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરો તો બમણો નફો આપે છે. જેમણે રોકાણ માટે સંપર્ક કરવા જગદીશભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો. જગદીશભાઈએ વિસનગર બોલાવી ફાયનાન્સ પેઢીના ભાગીદારોનો સંપર્ક કરાવ્યો હતો અને ત્રીભોવનભાઈ પટેલ ઈન્વેસ્ટ કરેલા નાણાં ડબલ કરી આપે છે. પૈસા ઈન્વેસ્ટ કરશો તો ડુબશે નહી અને ગેરંટીથી પૈસા પાછા મળશે તેવુ જણાવ્યુ હતુ.
લાલચમાં આવેલા બારડોલીના રાજેન્દ્રભાઈ પટેલે ચાર વખત આર.ટી.જી.એસ. કરી રૂા.૯૭,૫૦,૦૦૦ જણાવેલા એકાઉન્ટ નંબરમાં મોકલાવ્યા હતા. આ ઉપરાંત રૂા.૮૦,૦૦,૦૦૦ રોકડા આપ્યા હતા. આમ કુલ રૂા.૧,૯૭,૫૦,૦૦૦/- ના રોકાણ સામે રૂા.૨૩,૫૪,૭૬૨/- આર.ટી. જી.એસ.થી ડીપોઝીટરને પરત કર્યા હતા.
વર્ષ-૨૦૧૯ ના શરૂઆતના બે-ત્રણ મહિના આર.ટી. જી.એસ.થી ડીપોઝીટરના ખાતામાં નાણાં જમા નહી આપતા ડીપોઝીટરે ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ભાગીદારોનો સંપર્ક કરતા વાયદા શરૂ કર્યા હતા. ડીપોઝીટર વિસનગર રૂબરૂ આવતા ફાયનાન્સ પેઢીના ભાગીદારના સાગરીતોએ પૈસા પાછા આપવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ થાય તે કરી લેજો અમે પૈસાના જોરે છુટી જઈશુ તેમ કહી ચુપચાપ જતા રહો નહી તો સલામત રહેશો નહી તેમ કહી ધમકીઓ આપવાનુ શરૂ કર્યુ હતુ.
• ઉશ્કેરાયેલા રોકાણકારોએ ઓફીસના કાચ ફોડી નાખ્યા
• વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.આર. ગામેતીએ છેતરપીડીની અરજીની પ્રાથમીક તપાસ શરૂ કરી
• વિસનગરના જાણીતા એડવોકેટ દિનેશસિંહ વી.પરમાર સુદાસણાવાળાના માર્ગદર્શનમાં ફરિયાદની અરજી તૈયાર કરી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી
એકના ડબલની લાલચમાં ફસાતા બારડોલીના ડીપોઝીટર રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ભાગીદાર ત્રીભોવનભાઈ રામાભાઈ પટેલ, આકાશ ત્રીભોવનભાઈ પટેલ તથા લોકોને લલચાવી ઈન્વેસ્ટમેન્ટ કરાવનાર સાગરીતો જગદીશભાઈ, પ્રવિણભાઈ ગોસ્વામી, વી.એમ.પટેલ અને દિપકભાઈ પટેલ વિરુધ્ધ છેતરપીંડી મુજબ કાર્યવાહી કરવા વિસનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
↧
એકના ડબલની લાલચ આપી રૂા.૩૦૦ કરોડનુ ઉઠમણુ કર્યુ હોવાની ચર્ચા વિસનગરમાં રૂા.૧.૫૩ કરોડની છેતરપીંડીની ફરિયાદ કરવા અરજી
↧