પાલિકા પ્રમુખનો ચીફ ઓફીસરની કામગીરી ઉપર શંકા ઉપજાવતો કમિશ્નરમાં પત્ર
ચીફ ઓફીસરે માર્કેટ વિરુધ્ધના ઓર્ડરોની કોર્ટમાં માહિતી છુપાવ્યાનો આક્ષેપ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકા તંત્ર દબાણ દુર કરવાની કામગીરીમાં એકને ગોળ અને બીજાને ખોળની ભૂમિકા અપનાવતી હોવાની શંકા આધારે, ખુદ પાલિકા પ્રમુખે ચીફ ઓફીસરની કામગીરી ઉપર શંકા ઉપજાવતો આક્ષેપ કરતી કમિશ્નરમાં અરજી કરતા પાલિકા તંત્રમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સવગુણ સોસાયટીમાં સીટી સર્વે દ્વારા માપણી કરી શકાતી હોય તો એસ.કે. યુનિવર્સિટી પાસેના મધુરમ કોમ્પલેક્ષની માપણી માટે સીટી સર્વેમાં કેમ માગણી કરવામાં આવતી નથી તેમ કહી પ્રમુખે ચીફ ઓફીસરને આડે હાથે લીધા હતા. કોર્ટ કેસમાં પણ ચીફ ઓફીસરની ભૂમિકા ઉપર શંકા ઉપજાવતો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિસનગર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે જેસીબી અને દબાણ ટીમ લઈ જઈ દબાણ હટાવવાના દેખાવ કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી એક પણ દબાણ તોડવામાં આવ્યુ નથી. પાલિકા તંત્ર દ્વારા કેટલાક બીલ્ડરો વિરુધ્ધ ગાંધીનગર કમિશ્નરમાં લેખીત જવાબો આપવામાં આવે છે. જ્યારે કોર્ટ કેસમાં માહિતી છુપાવી કેટલાક બીલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર દબાણો સામે પાલિકા તંત્રની બેધારી નિતિ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા ગાંધીનગર કમિશ્નરમાં કરેલી લેખીત રજુઆતથી ખુલ્લી પડી છે. જેમાં ચીફ ઓફીસરની કામગીરી ઉપર પણ શંકા કરવામાં આવી છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા કમિશ્નરમાં લેખીત રજુઆત કરવામાં આવી છેકે, પાલિકા વિસ્તારમાં એસ.કે.યુનિવર્સિટી પાસે આવેલ મધુરમ કોમ્પલેક્ષ નામનુ માર્કેટ આવેલુ છે. જે માર્કેટમાં લે આઉટ પ્લાન તથા મંજુર થયેલા નકશા પ્રમાણે બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યા છોડવામાં નહી આવતા માર્કેટનુ ગેરકાયદેસર બાંધકામ તોડવા હુકમ કરવામાં આવ્યો હતો. આ માર્કેટ બાબતે પાલિકાના એક સભ્ય દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. કમિશ્નરશ્રીના હુકમ આધારે ચીફ ઓફીસરે પંચનામુ કર્યા વગર માર્કેટની દુકાનોને સીલ માર્યા હતા. ત્યારબાદ બીલ્ડર કોર્ટમાં જતા કોર્ટના હુકમથી સીલ ખોલી નાખ્યા હતા. પ્રમુખે ચીફ ઓફીસર ઉપર આક્ષેપ કર્યા છેકે, માર્કેટ બાબતે કમિશ્નરનો અને હાઈકોર્ટનો જે હુકમ હતો તે હુકમોની માહિતી કોર્ટમાં રજુ કરવામાં આવી નથી. વિસનગર કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી છે. આ માર્કેટ વિરુધ્ધના ઓર્ડરો કોર્ટમાં છુપાવવા પાછળનુ કારણ શુ? નકશા પ્રમાણે જે પાર્કિંગ જોઈએ તે જગ્યાએ દુકાનો બનાવવામાં આવી છે.
ચીફ ઓફીસરની દબાણો સામેની એકને ગોળ અને બીજાને ખોળ જેવી કાર્યવાહીમાં પ્રમુખે જણાવ્યુ છેકે, ફતેહ દરવાજા સવગુણ સોસાયટીના દબાણો તોડવા માટે ચીફ ઓફીસર સીટી સર્વેમાં ફી ભરી માપણી કરાવી શકતા હોય તો, ગેરકાયદેસર બાંધકામ કરેલ માર્કેટની સીટી સર્વે દ્વારા કેમ માપણી કરાવવામાં આવતી નથી.? મધુરમ કોમ્પલેક્ષના બીલ્ડરે સીલ ખોલવા કોર્ટમાં રજુઆત કરી હતી કે, સીલ મારવાથી દુકાનમાં પડેલ માલ સામાન બગડે છે. ત્યારે આ માર્કેટમાં ફક્ત બેજ દુકાન ચાલુ છે. તે બાબતે કોર્ટને કેમ માહિતી આપી નહી? દબાણોમાં ચીફ ઓફીસરની શંકા ઉપજાવતી કામગીરીને લઈ પ્રમુખ દ્વારા ગાંધીનગર કમિશ્નરમાં રજુઆત કરવામાં આવતા ચીફ ઓફીસર અને પ્રમુખ સામસામે આવી ગયા છે. જે વિવાદમાં હજુ વધુ ગેરરીતીઓ અને કૌભાંડો બહાર આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
↧
પાલિકા પ્રમુખનો ચીફ ઓફીસરની કામગીરી ઉપર શંકા ઉપજાવતો કમિશ્નરમાં પત્ર ચીફ ઓફીસરે માર્કેટ વિરુધ્ધના ઓર્ડરોની કોર્ટમાં માહિતી છુપાવ્યાનો આક્ષેપ
↧