વિસનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે માલિકીના પ્લોટનું દબાણ હટાવાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ઈન્દ્રપુરી સોસાયટીની પાસે આવેલ અમરગઢ સોસાયટીના નાકે ખાનગી માલિકીના પ્લોટમાં થયેલ દબાણ દુર કરવાના મામલે પટેલ અને માલધારી સમાજના બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ તંગ બની હતી. ત્યારે પોલીસે તણાવભરી સ્થિતિમાં વહીવટીતંત્રની હાજરીમાં માપણી કરાવી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. દબાણ દુર થયા બાદ પ્લોટ માલિક દ્વારા પોતાની જગ્યામાં રાતોરાત વરંડો ચણવામાં આવ્યો હતો. ખાનગી માલિકીના પ્લોટમાં થયેલ દબાણ દુર કરાવવા માટે સમગ્ર મહેસાણા જીલ્લા પોલીસનો કાફલો ઉતારાયો હોય તેવો વિસનગરના ઈતિહાસમાં પ્રથમ બનાવ હતો. જેથી આ દબાણ દુર થતા તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. દબાણ કામગીરી દરમિયાન પોલીસે દબાણકર્તા પક્ષે વિરોધ કરનાર પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી.
વિસનગરમાં ગાયત્રી મંદિર નજીક ઈન્દ્રપુરી સોસાયટીમાં રહેતા પટેલ મણીભાઈ જોઈતારામનો બાજુમાં આવેલ અમરગઢ સોસાયટીના નાકે સીટી સર્વે નં.૬૯૮/૧ માં પ્લોટ આવેલો છે. જે પ્લોટમાં બાજુમાં રહેતા રબારી શાહરભાઈ મહાદેવભાઈ તથા રબારી કમલેશભાઈ મહાદેવભાઈએ પોતાનું મકાન બનાવતી વખતે દબાણ કર્યુ હતુ. આ દબાણ દુર કરાવવા મણીભાઈ પટેલ તથા તેમના સબંધી રૂપલભાઈ પટેલ ઘણા સમયથી દબાણકર્તાને રજુઆત કરતા હતા. છતાં દબાણકર્તા દ્વારા પ્લોટમાંથી દબાણ હટાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને દબાણકર્તા દબાણ દુર કરવાને બદલે સીટી સર્વે કચેરી દ્વારા માપણી કરાવી દબાણ હટાવવાની વાતો કરવામાં આવતી હતી. બે વર્ષ પહેલા તાલુકા અને જીલ્લા વહિવટી તંત્રના અધિકારીઓએ પોલીસની હાજરીમાં અરજદાર મણીભાઈ પટેલના પ્લોટની માપણી કરી વધારાના દબાણનું માપ નક્કી કર્યુ હતુ. જે માપ દબાણકર્તાએ માન્ય નહી રાખતા આ દબાણનો મુદ્દો શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. અરજદાર મણીભાઈ પટેલ વયોવૃધ્ધ હોવાથી તેમને આ દબાણ દુર કરાવવા પોલીસ પ્રોટેક્શન આપવા પોલીસતંત્રને રજુઆત કરી હતી. પરંતુ કોઈ કારણોસર પોલીસે તેમની રજુઆતને ધ્યાને નહી લેતા છેવટે કંટાળેલા અરજદાર મણીભાઈ પટેલે મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા પોલીસતંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને આ ખાનગી માલિકીના પ્લોટમાં થયેલ દબાણ હટાવવા ગત તા.૨૧-૭ ના રોજ મહેસાણા જીલ્લા પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો હતો. પોલીસે સીટીસર્વેના નકશાના આધારે જે.સી.બી.થી અરજદારના પ્લોટમાં થયેલ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન દબાણકર્તા જુથના લોકોએ જેસીબી આગળ આવી વિસનગર સીટી સર્વે કચેરી અને મહેસાણા ડી.એલ.આર.કચેરી દ્વારા પ્લોટની માપણી થયા બાદ દબાણ કામગીરી કરવાનો આગ્રહ રાખતા બન્ને પક્ષે મામલો ગરમાયો હતો. આ સમયે પટેલ અને માલધારી સમાજના બન્ને જુથ સામસામે આવી જતા ભારેલા અગ્નિ જેવો માહોલ ઉભો થયો હતો. ત્યારે પોલીસે બન્ને જુથના લોકોને સમજાવી જેસીબીથી અરજદારના પ્લોટમાં ફક્ત ઝાડી-ઝાંખરા દુર કરવાની કામગીરી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે વિસનગર સીટી સર્વે કચેરી અને મહેસાણા ડી.એલ.આર.કચેરીના સ્ટાફે અરજદારના પ્લોટમાં માપણી કર્યા બાદ દબાણકર્તાએ કરેલ દબાણનું માપ નક્કી કર્યુ હતુ. ત્યારે વહીવટીતંત્રની હાજરીમાં પોલીસે દબાણકર્તાનુ પાકુ દબાણ તોડવાની કામગીરી શરૂ કરી હતી. આ સમયે પોલીસે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વિરોધ કરનાર દબાણકર્તા પક્ષના પાંચેય વ્યક્તિની અટકાયત કરી હતી. જેમને મહેસાણા પોલીસ મથકે લઈ જવાયા હતા. ત્યારબાદ મામલતદાર એ.એન. સોલંકી, સીટી સર્વે સ્ટાફ, ડી.એલ.આર. સ્ટાફની હાજરીમાં વિસનગર ડી.વાય. એસ.પી.એમ.બી.વ્યાસ, વિસનગર પી.આઈ. એમ.આર.ગામેતી, એલ.સી.બી. પી.આઈ.એસ.એસ.નિનામા, વિજાપુર પી.આઈ.મહેતા, એસ.ઓ.જી., એલ.સી.બી., તથા વિસનગર પોલીસે આગઝરતી ગરમીમાં ખડેપગે ઉભા રહી દબાણકર્તાનું પાકુ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. દબાણ કામગીરી પુરી થતા પ્લોટ માલિકે રાતોરાત કોન્ટ્રાક્ટરને બોલાવી પોલીસ પ્રોટેક્શન સાથે પોતાની જગ્યામાં વરંડો ચણી દીધો હતો. ખાલી પ્લોટમાં વર્ષો બાદ ગંદકી દુર થતા અને ખાનગી માલિકીના પ્લોટમાં થયેલ દબાણ દુર કરાવવા સમગ્ર જીલ્લાનો પોલીસ કાફલો ઉતરતા તેને જોવા માટે રાત્રે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. દબાણ કામગીરી દરમિયાન પ્લોટ માલિક મણીભાઈ પટેલના નજીક રહેતા સબંધી અને જીલ્લા ભાજપ અગ્રણી રૂપલભાઈ પટેલ બે દિવસ સુધી ગરમીમાં ખડેપગે હાજર રહેનાર પોતાના ૨૦૦ જેટલા સમર્થકો માટે પોતાના ઘરે ખાવા-પીવાની સુંદર વ્યવસ્થા કરી હતી. રૂપલભાઈની આવી વ્યવસ્થાને યુવાનોએ બિરાદાવી હતી. જોકે ખાનગી માલિકીના પ્લોટનુ દબાણ હટાવવા માટે સમગ્ર મહેસાણા જીલ્લાનો પોલીસ કાફલો ઉતારાયો હોય તેવો વિસનગરના ઈતિહાસમાં પ્રથમ બનાવ હતો.
↧
વિસનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે માલિકીના પ્લોટનું દબાણ હટાવાયુ
↧