ખેરાલુ ઝાલી તળાવમાં ખોદકામ દરમિયાન કુવો નિકળ્યો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં આવેલી ઝાલી તળાવ ગમે તેટલુ છલોછલ ભરાયુ હોય પરંતુ તેનુ પાણી બે-ચાર મહિનાથી વધુ ટકતુ નથી જેના કારણે ખેરાલુ શહેરના વડીલો કાયમ કહેતા હતા કે ઝાલી તળાવ કાણુ છે પાણી ટકતુ નથી. આ બાબતની સાબિતી મળી છે તાજેતરમાં ઝાલી તળાવને ઉંડુ કરવાના કામ દરમિયાન તળાવની વચ્ચે ગોળ કુવા આકારની જગ્યા મળી આવી છે. હાલ તેમાં પાણી પણ છે. પાલિકા દ્વારા ઝાલી તળાવના કુવા આસપાસ તળાવની પાળ પાસે કોઈ જગ્યા નક્કી કરીને બોર અને સમ્પ બનાવે તો ખેરાલુ શહેરને પુરતુ પાણી મળી શકે તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના
જલશક્તિ અભિયાન ને ટેકો આપતુ ખેરાલુના પુર્વજોનો ઝાલી તળાવનો કુવો
તાજેતરમાં સરકાર દ્વારા તળાવો ઉંડા કરવા માટે સરકારી કામોમાં માટી મફત લઈ જવા માટે પરિપત્ર કરતા ખેરાલુના માર્કેટયાર્ડ અને બ્રોડગેજ રેલ્વે માટે જરૂરી માટી લઈ જવા પાલિકાએ ઠરાવ કરી સંમતિ આપી હતી. સવળેશ્વર તળાવ પણ ઉંડુ કરવામાં આવ્યુ છે. તેમજ ઝાલી તળાવ પણ પાણીનો વધુ સંગ્રહ થાય તે માટે ઉંડુ કરવામાં આવ્યુ છે. ઝાલી તળાવના ખોદકામ દરમિયાન ૧૫ ફુટ આસપાસ વ્યાસ ધરાવતો કુવો મળી આવ્યો છે. આ કુવા માંથી માટી બહાર કાઢતા તેમાં પાણી પણ જોવા મળ્યુ હતું. આ બાબતની ખેરાલુ પાલિકા તંત્રને જાણ થતા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સભ્યોમાં ખુબજ આનંદ જોવા મળ્યો હતો. તાજેતરમાં પાણી ને ભુગર્ભમાં ઉતારવા માટે લોક જાગૃતી માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જલશક્તિ અભિયાન દ્વારા સમગ્ર દેશમાં જાહેરાત કરી છે. ભુગર્ભ જળ ઉંચા લાવવા જમીનમાં પાણી ઉતારવા લોકોને સમજાવવામાં આવે છે. ખેરાલુ શહેરના ઝાલી તળાવમાં કુવો નીકળતા લોકોના ટોળે ટોળા કુવો જોવા ઉમટી પડ્યા છે. કુવાનો કાંઠો પત્થરનો હોય તેવુુ બની શકે છે. પરંતુ હાલ કુવાનો કાંઠો માટીનો દેખાય છે. જેથી કુવા માંથી માટી કાઢવાની બંધ કરાઈ છે. કુવાનું પાણી હાલ માટી વાળુ છે. જેથી પીવા લાયક છે કે નહી તે જાણી શકાતુ નથી. ખેરાલુ શહેરમાં જ્યારે તળાવ ખોદાયુુ હશે ત્યારે વર્ષો પુર્વે તળાવની વચ્ચે ખેરાલુ શહેરના પુર્વજોએ કુવો બનાવ્યો હશે જેથી પાણી જમીનમાં ઉતરી જાય. આપણી પુર્વજો આપણી વિચાર શક્તિ કરતા કેટલા એડવાન્સ (આગળ) હતા તે ઝાલીનો કુવો જોઈ જાણી શકાય છે. વર્ષો પુર્વે વરસાદ નિયમિત હતો પરંતુ આ તળાવ છપ્પનીયા દુષ્કાળ વખતે બન્યુ હોય તેવુ વડીલોમા ચર્ચા છે. અગાઉ સવળેશ્વર તળાવ આસપાસ પાણી રીચાર્જ માટે બોર બનાવવા પ્રચાર સાપ્તાહિક દ્વારા તંત્રને જાગૃત કરવા સમાચાર પ્રસિધ્ધ કરી જણાવ્યુ હતું. પરંતુ આધુનિક નેતાઓ આ વાત સમજી શક્યા ન હોતા. હવે વડાપ્રધાનના જલશક્તિ અભિયાન પછી પણ પાલિકાના નઘરોળ તંત્રની ઉંઘ ઉડી નથી તે ખેરાલુ શહેરની કમ નસીબી છે. ત્યાં શહેરના પુર્વજોએ બનાવેલ કુવો ઝાલીમાંથી મળતા શહેરમાં આનંદ છવાયો છે. પણ પાલિકા તંત્ર કોઈ સારા મક્કમ અને ભૂગર્ભ જળને ઉંચા લાવવાના નક્કર પગલા ભરવા તૈયાર નથી.
↧
ખેરાલુ ઝાલી તળાવમાં ખોદકામ દરમિયાન કુવો નિકળ્યો
↧