પાઈપલાઈનના વિવાદમાં તત્કાલીન સી.ઓ.જયેશભાઈ પટેલે કલેક્ટરમાં જવાબ રજુ કર્યો હતો
પાઈપલાઈનના કામમાં પાલિકાને કોઈ નાણાંકીય નુકશાન થયુ નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં હિરો હોન્ડા શો-રૂમ પાસેની પાઈપલાઈનના વિવાદમાં તત્કાલીન સી.ઓ.જયેશભાઈ પટેલ દ્વારા કલેક્ટરમાં જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયુ છેકે આ કામગીરીમાં પાલિકાને કોઈ નાણાંકીય નુકશાન થયુ નથી. મહત્વની બાબત છેકે ટેન્ડરની શરત કરતા વિપરીત કામ તત્કાલીન ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટના સમયમાં થયુ હતુ અને પેમેન્ટ ચુકવાયુ હતુ. જ્યારે ત્યારબાદ ચીફ ઓફીસરનો ચાર્જ લેતા જયેશભાઈ પટેલ વિવાદમાં ફસાયા છે.
વિસનગરમાં હિરો હોન્ડા શો-રૂમ પાસે સીસી રોડની જગ્યાએ વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીના વિવાદમાં તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલે તા.૧-૩-૨૦૧૮ ના રોજ કલેક્ટરશ્રીમાં જવાબ રજુ કર્યો હતો કે હિરો હોન્ડા શો-રૂમ પાસેના નેળીયામાં સીસી રોડનુ પાર્ટ-૧ અને ૨ નુ કામ રૂા.૬૧,૫૪,૨૦૦/- નુ હતુ. આ ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર દ્વારા બોક્ષ કટીંગની કામગીરી પૂર્ણ કરી રબલ પથ્થર પીંચીંગ કરી પીસીસીની કામગીરી પૂર્ણ કરેલ. જ્યારે કોન્ટ્રાક્ટર સીસીની કામગીરી હાથ ધરી ત્યારે તત્કાલીન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તથા વોર્ડ નં.૧ તથા ૨ ના સભ્યોએ કામ બંધ કરવા સુચના આપી હતી. તે સમયે ચીફ ઓફીસર તરીકે કલ્પેશભાઈ ભટ્ટ હતા. તત્કાલીન પ્રમુખ તથા સભ્યોની માગણી હતી કે નેળીયામાં આ લેવલે રોડ બનાવવામાં આવે તો ચોમાસામાં રસ્તાનો ઉપયોગ થશે નહી. આ નેળીયામાંથી ધુળીમાનુ પરૂ તથા આસપાસના વિસ્તારનુ પાણી વહન થાય છે તે અવરોધાય નહી તે માટે ૬૦૦ એમ.એમ.ડાયાની પાઈપલાઈન નાખી માટીપુરાણ કરી લેવલ ઉંચુ કરવા વોર્ડ નં.૧ ના સભ્ય રાકેશભાઈ પટેલે અરજી કરી હતી. જે રજુઆત વ્યાજબી હતી. આ વખતે કોન્ટ્રાક્ટર દ્વારા રૂા.૨૨,૩૩,૯૭૯ ના ખર્ચની ટેન્ડરની ત્રણ આઈટમ માટી ખોદાણ, રબલ પથ્થર પીંચીંગ અને પીસીસીની કામગીરી કરી હતી. જ્યારે એમ. ૨૦૦ સીસી, ટીમીક્ષ પ્રોસેસવર્ક તથા ફીલર જોઈન્ટ પુરવાની ત્રણ આઈટમોના બદલે માટી પુરાણ અને ૬૦૦ એમ.એમ.ડાયાની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને સુચના આપતા કોન્ટ્રાક્ટરે તા.૨૪-૩-૧૭ ના રોજ રનીંગ બીલ ૩ રૂા.૩૬,૬૦,૨૩૫/- પુરાતુ રજુ કર્યુ હતુ. જેમાં માટી ખોદાણ, રબલ પથ્થર પીંચીંગ, પીસીસી તથા ૬૦૦ એમ.એમ.ડાયાની પાઈપલાઈન નાખવાની કામગીરીનો બીલમાં સમાવેશ થતો હતો. જે બીલનુ પેમેન્ટ ૩૨.૮૫ ટકા નીચા ભાવનુ મંજુર થયેલ ટેન્ડર પ્રમાણે કરાયુ હતુ. જે બીલ તત્કાલીન ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ તથા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે ચુકવી આપ્યુ હતુ. પાઈપલાઈનની વધારાની કામગીરીનુ પેમેન્ટ અગાઉ ચુકવાયુ હતુ. આ રકમ ચુકવાઈ ત્યા સુધી કલેક્ટરમાં અરજી કરનાર સભ્યને કોઈ વાંધો નહતો. આ ખર્ચ મંજુર કરવા માટે પણ તા.૨૭-૭-૨૦૧૭ ની જનરલ સભામાં સંમતી આપી હતી.
ટેન્ડરની આઈટમ સીવાય વધારાની આઈટમનુ કામ જે તે વખતે થયા પછી માટી પુરાણ અને મેન હોલનુ બાકી બીલ રજુ થયેલ છે. જે તત્કાલીન ચીફ ઓફીસર જયેશભાઈ પટેલના ચાર્જમાં થયુ હતુ. જે કામ પાલિકા અને ડુડા(કલેક્ટર સાહેબ)ની સંમતીથી કામ થયેલુ હતુ. વધારાની આઈટમના બીલની ચુકવણી પછી પણ ડુડાએ ગ્રાન્ટ રીલીઝ કરી હતી. ડુડાના ઈજનેરશ્રીએ સંમતી આપેલ હોય ત્યારે કામ કરવુ પડે તેમ હોઈ કામ કરેલ છે. આમ છતાં બાકી બીલ આપવાના નિર્ણય પહેલા પાલિકાને નાણાંકીય નુકશાન થાય નહી તે માટે પાલિકાએ મંજુર કરેલ વાર્ષિક ભાવોની ખરાઈ કરેલ. વાર્ષિક મંજુર કરેલ ભાવો મુજબ રૂા.૩૦,૧૦,૪૫૮ પ્રમાણે ખર્ચ થતો હતો. જ્યારે એસ.ઓ.આર. ભાવ કરતા ટેન્ડર મંજુરીનો ભાવ ૩૨.૮૫ નીચા ભાવે રૂા.૨૩,૮૬,૩૮૩ ચુકવવાના થતા હતા. જેથી પાલિકાના નાણાંકીય હિતમાં ૩૨.૮૫ ટકા નીચા ભાવથી બીલ ચુકવી આપેલ છે. જે પ્રમાણેના ચુકવણામાં રૂા.૬,૨૪,૦૭૫ ની બચત થઈ છે. જેનો પાલિકાને ફાયદો થયો છે. એકસ્ટ્રા આઈટમો થયેલા કામની રીવાઈઝ ટી.એસ.પણ મેળવવામાં આવી છે. વહીવટી મંજુરીની રકમમાં કોઈ ફેરફાર થતો ન હોઈ રીવાઈઝ વહિવટી મંજુરી મેળવેલ નથી. આ કામમાં કોઈ ગેરરીતી થઈ નથી. ટેન્ડર ક્લોઝ નં.૧૭ પ્રમાણે જરૂરીયાત મુજબની વધારાની આઈટમ લીધી છે. પાલિકાને કોઈ નાણાંકીય નુકશાન થયુ નથી.