જુગારની બે રેડમાં ૧૩ જુગારીયા ઝડપાયા
ધારાસભ્ય ઋષિભાઈના શાસનમાં ધમધમતા જુગારના અડ્ડા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાંથી દારૂ-જુગારની બદી ડામવાનુ કામ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કર્યુ હતુ. ત્યારે આજ ધારાસભ્યના રાજમા પોલીસની અમી દ્રષ્ટીથી શહેરમાં ફરી પાછા જુગારના અડ્ડા ધમધમતા થયા છે. શહેરમાં બેજ દિવસના અંતરમાં બે જુગારની રેડમાં ૧૩ જુગારીયા રૂા.૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તેમની ત્રીજી ઈનીંગ્સમાં દારૂ જુગારીયાઓને જાણે છુટ આપી હોય તેમ જણાય છે. આ એજ ધારાસભ્ય છે જેમણે દારૂ અને જુગારની બદી ફેલાવતા બુટલેગરોને શબક શીખવી વાહ વાહ મેળવી હતી. ત્યારે ધારાસભ્યની ત્રીજી ટર્મમાં ધારાસભ્યનુ દારૂ જુગારના બુટલેગરો ઉપર કુણુ વલણ હોય તેમ જણાય છે. આવુ એટલા માટે કહી શકાય કે પદાધિકારીના વલણ પ્રમાણે પોલીસનુ અસમાજીક તત્વો ઉપર વલણ હોય છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પડતી જુગારની રેડ ઉપરથી એ જોઈ શકાય છેકે શહેરમાં પોલીસની અમી દ્રષ્ટીથી જુગારના કેટલા અડ્ડા ધમધમે છે. મહેસાણા પેરેલ ફરલો સ્કવોર્ડને શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે વિજાપુર રોડ ઉપર રામાપીર મંદિર પાસે રાત્રીના સમયે કેટલાક જાહેરમાં બાજીપત્તાનો જુગાર રમી રહ્યા છે. બાતમી આધારે પોલીસે રેડ કરી દિપરા દરવાજાનો નાયક મનીષકુમાર દિલીપભાઈ, પટેલ કનુભાઈ શીવાભાઈ-કાંસા, પટેલ નરેશભાઈ કાન્તીલાલ-ગંજી, કડીયા દિપકકુમાર ગોવિંદભાઈ-ગંજી, પટેલ સુરેશભાઈ નટવરલાલ-ગંજીની પોલીસે રેડ દરમ્યાન ધરપકડ કરી હતી. જ્યારે વાહના છાપરાના ઠાકોર રઘાજી સબાજી, ઠાકોર નરેશજી રઘાજી તથા ઠાકોર વિજયજી સોમાજી રેડ દરમ્યાન નાસી છુટ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ, ચાર્જીંગ બેટરી તથા એક બાઈક મળી કુલ રૂા.૭૨૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આવડુ મોટુ જુગાર ધામ ધમધમતુ હોય અને સ્થાનિક પી.આઈ. તથા સ્ટાફને ખબર ન હોય તે નવાઈની બાબત છે. બહારની પોલીસની રેડથી વિસનગર પોલીસની બુટલેગરો પ્રત્યેની આળપંપાળ છતી થઈ છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બબાજી તથા અન્ય સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે પટણી દરવાજા પાસે કેટલાક જાહેરમાં બાજીપત્તાનો જુગાર રમી રહ્યા છે. બાતમી આધારે પોલીસે રેડ કરી આરીફ વલીભાઈ દિવાન-લાલ દરવાજા, રાવળ રાજુભાઈ કનુભાઈ-રાલીસણા, પટેલ જીતેન્દ્રકુમાર કાન્તીલાલ-કરલી કરણપુર, ઠાકોર કેશાજી દલસંગજી-છાબલીયા તથા મીસ્ત્રી જયેશકુમાર સોમાભાઈ-ગુંદીખાડની પોલીસે રૂા.૧૭,૦૪૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. શહેરમાં અસામાજીક તત્વો માથુ ઉચકે નહી, શહેરમાં બદી ન ફેલાય તે જોવાની જવાબદારી ધારાસભ્ય ઋષિભાઈ પટેલની છે. ત્યારે ધારાસભ્ય નિષ્ક્રીય રહેતા પોલીસ પણ અસમાજીક તત્વો પ્રત્યે નિષ્ક્રીય બની હોય તેમ જણાય છે.