ફેસબુક ઉપર ખરાબ કોમેન્ટ્સ કરી ડરાવતા ધમકાવતા
મનસુરી યુવાન દ્વારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા અરજી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
સતલાસણા ગામના લઘુમતી સમાજના યુવાનને સતલાસણા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ ડરાવી ધમકાવી મોબાઈલ પડાવી લીધો હતો. ત્યારબાદ ફેસબુકમાં યુવાન વિરુધ્ધ હિન્દુઓને ભડકાવતા શબ્દો લખી મનસુરી યુવાનનુ નાક દબાવી પૈસા પડાવવાનો પેતરો રચ્યો હતો. જે બાબતે મનસુરી યુવાન દ્વારા બે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા ડીએસપી સમક્ષ લેખીત રજુઆત કરવામાં આવી છે. ત્યારે નવાઈની બાબત છેકે હજુ સુધી એસ.પી.દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહેસાણા ડી.એસ.પી.કચેરીમાં થયેલી અરજીની વિગતો જોતા સતલાસણા ગામના જનતા માર્કેટમાં વ્યવસાય કરતા મનસુરી આશીફ લતીફભાઈ ઉં.વ.૨૧ તેમના પિતાની દુકાને હાજર હતા. તે વખતે બેડસ્મા ગામના નાગસિંહ પણ હાજર હતા. ત્યારે જયરાજસિંહ અને પ્રદિપભાઈ નામના બે પોલીસ કર્મચારી આવી કેમ સારા ઘરની છોકરીઓને હેરાન પરેશાન કરે છે તેમ કહી આશીફ મનસુરીનો મોબાઈલ તથા બાઈકની ચાવી પડાવી લઈ ગયેલ. આ બન્ને પોલીસ કર્મચારીઓએ યુવાનને ધમકી આપી હતી કે તારા ઉપર એચ.એમ.દાખલ કરાવીશુ. સતલાસણા કોમી હુલ્લડ કરાવીશુ. તને મુખ્ય આરોપી બનાવીશુ. બેજ દિવસમાં મહેસાણા એલ.સી.બી.ઉપાડીને લઈ જશે. આ બનાવ બાદ મનસુરી યુવાન બાઈકમાં પેટ્રોલ પુરાવા જતો હતો તે સમયે એક પોલીસ કર્મચારી આવી પોતાનો મોબાઈલ બતાવ્યો હતો. જે જોઈ મનસુરી યુવાન ગભરાઈ ગયો હતો. મોબાઈલમાં ફેસબુક ઉપર મનસુરી યુવાનનો ફોટો હતો. જેની નીચે લખાણ હતું કે, યુવાન સતલાસણાનો છે તેનુ નામ આશીફ છે. જે હિન્દુઓની સારા ઘરની છોકરીઓને ફસાવી તેના ફોટા લઈને બ્લેકમેઈલ કરી પૈસા માગે છે. યુવતીઓનુ શારીરિક શોષણ કરે છે. આ ફોટો વધુમાં વધુ શેર કરો. કોઈની બહેનનો સવાલ છે. આ યુવાન જ્યાં મળે ત્યાં શબક શીખવો. મનસુરી યુવાનને ફેસબુક ઉપર પોતાનો ફોટો તથા નીચે લખેલી કોમેન્ટ વંચાવી પોલીસ કર્મચારીએ જણાવેલ કે એલ.સી.બી.જોડે વાત થઈ ગઈ છે. નજીકના દિવસોમાં ઉઠાવીને લઈ જશે. ફોટા એલ.સી.બી.ઓફીસથી મળ્યા છે. તારા વિરુધ્ધ કાર્યવાહી કરવા એલ.સી.બી.ઓફીસથી જણાવ્યુ છે. આવી ધમકીઓ આપી યુવાન પાસે પોલીસ કર્મચારીઓ દ્વારા ખોટી માગણી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ યુવાનને પ્રથમ ધમકાવ્યો ત્યારબાદ તેનો ફોટો ફેસબુક ઉપર મુકી કોમી લાગણી ભડકાવતી કોમેન્ટ્સ જોઈ યુવાન ખુબજ ગભરાઈ ગયો હતો. આશીફ મનસુરીએ પોલીસ કર્મચારીઅની ખોટી કનડગત સામે સતલાસણા પી.આઈ. અને ડી.એસ.પી.ને અરજી કરી હતી. પરંતુ નવાઈની બાબત છેકે લોકોને ડરાવતા ધમકાવતા અને મહત્વની બાબત છેકે હિન્દુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ કરનાર પોલીસ કર્મચારીઓ સામે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી.