વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વક્તવ્ય આપ્યુ
નાણાંમંત્રી નીતિનભાઈએ સર્વેનો સમાવેશ કરતુ બજેટ રજુ કર્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિધાનસભાના બજેટ સત્રમાં બોલતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે સર્વેનો સમાવેશ કરતુ રૂા.૧,૮૩,૬૬૬ કરોડનુ બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવામાં આવ્યુ છે.
બજેટ સત્રમાં પાણી પુરવઠા અને જળ સંપત્તી વિશે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ખેડૂતથી માંડી તવંગર સુધી, મજુરથી માંડી વેપારી સુધી, માછીમારોથી માંડી આદિજાતી સુધી, ગામડાથી માંડી શહેરો સુધી અને આરોગ્યથી માંડી શિક્ષણ સુધી દરેક બાબતને બજેટમાં સાંકળી લેવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ બજેટમાં ખેતી લક્ષી અને ખેડૂતો માટે ફાળવણી ઓછી થઈ છે તેવી રજુઆત સામે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જવાબ આપ્યો હતો કે નાણામંત્રી નીતિનભાઈ પટેલે જળ સંપત્તિ માટે લગભગ કુલ બજેટના સાડા આઠ ટકા એટલે કે રૂા.૧૪,૮૫૫ કરોડ પાણી માટે ફાળવ્યા છે. બેડા ભરી પાણી લઈ જવાની, ટ્રેનમાં પાણી લઈ જવાની વાત ભુતકાળ બની ગઈ છે. ભુતકાળનુ જે સ્વપ્ન સાકાર કર્યુ હોય તો તે આ સરકારે કર્યુ છે. પહેલા ૧૯૯૫ માં ૩૫ લાખ હેક્ટર ઈરીગેશન થતુ હતુ. અત્યારે ૬૪ લાખ હેક્ટર ઈરીગેશનની સુવિધા ઉપલબ્ધ થઈ છે. નર્મદા કેનાલનુ નેટવર્ક પુરુ થાય એટલે ૭૦ થી ૭૨ લાખ હેક્ટર એટલે ૧૯૯૫ ની સ્થિતિએ છેલ્લા ૨૨ વર્ષની અંદર ડબલ જમીનને પાણી આપી શકીએ તેવી સ્થિતિમાં ભાજપ સરકારે આપણને મુક્યા છે. ખેડૂતોની આવક ડબલ થઈ છે. ખેડૂતોના ઘરે મોટર સાયકલ, ગાડી, ટ્રેક્ટર જોવા મળશે. નર્મદાનો ફાઉન્ડેશન સ્ટોન ૧૯૬૦-૬૧ માં મુકાયો હતો. એને મૂર્તિનુ રૂપ આપવાનુ કામ ભાજપ સરકારે કર્યુ છે. ખાલી ફાઉન્ડેશન સ્ટોન મુકવાથી કામ પુરૂ થતુ નથી. ભાખરા નાગલ યોજના પુરી થાય, સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી યોજના પુરી કરવી હોત તો તેના માટે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. કોંગ્રેસનુ નામ લીધા વગર જણાવ્યુ હતું કે કેન્દ્રમાં એમની સરકાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એમની સરકાર હોવા છતાં સરદાર સાહેબના નામવાળી યોજનાનુ કામ થાય, ખૂબ મોટો ડેમ બને તો સરદાર સાહેબની વાહ વાહ થાય. સરદાર સાહેબની વાહ વાહ ન થાય એ માટે ૧૯૮૭ સુધી કોઈ કામ થયુ નથી. દેવાની વાત કરી કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ હતું કે નર્મદાના નામે દોઢ ટકા વ્યાજે પૈસા લેવા પડે. પગાર કરવા અંબાજી માતાના મંદિરમાંથી ઓવરડ્રાફ્ટ લેવા પડે તેવી પરિસ્થિતિએ પહોચાડવાનુ કામ જેતે વખતની સરકારોે કર્યુ હતુ. કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી, ગેહલોતજી, મેઘા પાટકર સુધીના તમામ લોકોએ નર્મદા યોજના ન થાય તે માટેના પ્રયત્નો કર્યા છે. પરંતુ નરેન્દ્રભાઈ જેવા બેઠા એવા ગેટ મુક્યા અને બંધ પણ થયા અને પાણી ભરાવાની શરૂઆત પણ થઈ. નર્મદા બંધ ઈરીગેશન અને પીવાના પાણીની ફેસીલીટી માટે બનાવવામાં આવ્યો હતો. જે સ્વપ્ન ભાજપે પુરૂ કર્યુ છે. પીવાના પાણીની કેનાલ નેટવર્કીંગની કુલ ૭૧૭૪૪ કી.મી. લંબાઈમાંથી ૫૧૧૪૨ કી.મી.લંબાઈના કામ આ સરકારે પુર્ણ કર્યા છે. જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં મુખ્ય કેનાલનુ ૧૦૦ ટકા કામ પુર્ણ કર્યુ છે. બ્રાન્ચ કેનાલનુ કામ ૯૧ ટકા પુર્ણ થયુ છે. બ્રાન્ચ કેનાલ ૯૫ ટકા, ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ ૯૨ ટકા, માઈનોર ૮૨ ટકા ને સબ માઈનોરની કામગીરી ૬૪ ટકા પુરી કરી છે. કચ્છ બ્રાન્ચ કેનાલ સીવાયની બાકીની બધીજ કેનાલો પુરી કરી ત્રણ પંપીંગ સ્ટેશનોની કામગીરી પુર્ણ કરીને સરકારે ટપ્પર ડેમ ભરવા માટે નર્મદાથી ૬૦૦ કી.મી. દુર પાણી પહોચાડવાની સફળ કામગીરી સરકારે કરી છે. નહેર માળખાની પ્રશાખા સુધી પુર્ણ થયેલ નહેરો પૈકી કુલ આયોજીત ૧૭૯૨ લાખ હેક્ટરમાંથી ૧૪ લાખ હેક્ટરની સીંચાઈ ક્ષમતા હાંસલ કરી છે. ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં ૮૪૭૬ ગામડા અને ૧૬૪ શહેરોને નર્મદાનુ પીવાનુ પાણી આપી દીધુ છે. ખેડૂતોની જમીન બગડે નહી, લીકેજ થાય નહી, ઉપર ખેતી થઈ શકે તે માટે પાઈપલાઈન યોજના સરકારે દાખલ કરી છે. ૧૯૭૦૦ કીલોમીટરની સબ માઈનોર કેનાલનુ નેટવર્કીંગનુ કામ પુરૂ કર્યુ છે.