એક વખત નહી પરંતુ બબ્બે વખત જાહેરમાં પ્રતિજ્ઞા લઈ વિશ્વાસઘાત કરી
પ્રજાદ્રોહ કરનાર તકવાદીઓ ઉમેદવારી કરે તો પાઠ ભણાવો-સંકલન સમિતિ
• રાજકીય પક્ષોએ પણ આવા સત્તાલાલસુઓને ટીકીટ આપવી જોઈએ નહી
• પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારાઓને ટીકીટ માગતા શરમ અનુભવવી જોઈએ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની વર્ષ-૨૦૧૫ ની ચુંટણીમાં વિકાસ મંચ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચુંટણી પહેલા અને ચુંટણી બાદ ભાજપને ટેકો આપીશુ નહી કે જોડાઈશુ નહી તેવા જાહેરમાં શપથ લીધા હતા. તેમ છતાં વિકાસમંચ અને કોંગ્રેસના ૨૧ સભ્યો ભાજપમાં જોડાયા હતા. પ્રજા સાથે વિશ્વાસઘાત કરી પ્રજાદ્રોહ કરનાર આવા સત્તાલાલસુ તકવાદીઓ પાલિકાની ચુંટણીમાં ગમે તે પક્ષમાંથી ઉભા રહે તો તેમને પાઠ ભણાવવા સંકલન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. જાહેરમાં પ્રતિજ્ઞા લઈ સત્તાની લાલચમાં ફરી જનારા આવા તત્વોને ટીકીટ માગતા પણ શરમ અનુભવવી જોઈએ તેમ જણાવ્યુ હતુ.
વિસનગર પાલિકાની પાટીદાર અનામત આંદોલન સમયકાળની યોજાયેલ વર્ષ ૨૦૧૫ની ચુંટણીમાં વિકાસમંચ અને કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ઉભા રહ્યા હતા તે વોર્ડની પ્રજા દ્વારા સુચવવામાં આવેલા ઉમેદવારો હતા. કોંગ્રેસનુ મેન્ડેટ હતુ પરંતુ વોર્ડમાં યોજાયેલી મીટીંગ બાદ મતદારોએ જે ઉમેદવારો આપ્યા તે ઉમેદવારોને પાર્ટીએ સ્વિકાર્યા હતા. એટલે વિકાસમંચ અને કોંગ્રેસના તમામ ઉમેદવાર પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉમેદવારી કરતા હતા. વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધન થકી ભાજપ સામે ચુંટણી લડવામાં આવેલ. જેમાં વિકાસમંચમાંથી ૨૪ અને કોંગ્રેસના ૧૨ મળી કુલ ૩૬ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જે ચુંટણીમાં એક ટાવર બજાર ચોકની જાહેરસભામાં હજ્જારોની મેદની વચ્ચે ઉમેદવારોએ પ્રતિજ્ઞા લીધી હતી કે, “અમો ચુંટાઈને આવીશુ તો ભાજપને ટેકો આપીશુ નહી કે, ભાજપમાં જોડાઈશુ નહી” જે ચુંટણીમાં ૩૬ પૈકી વિકાસમંચમાંથી ૧૭ અને કોંગ્રેસમાંથી ૧૨ થઈ ગઠબંધનમાં કુલ ૨૯ સભ્યો ચુંટાયા હતા. ચુંટણી બાદ ગોવિંદચકલાના ચોકમાં ૨૯ સભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો. જ્યાં પણ ચુંટાયેલા તમામ સભયોએ ભાજપને ટેકો આપીશુ નહી કે ભાજપમાં જોડાઈશુ નહી ના જાહેરમાં પ્રતિજ્ઞા સાથે સોગંધ ખાધા હતા.
વિસનગર પાલિકાની ચુંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં વિકાસમંચ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મોટાભાગના વચનભંગ કરનાર પૂર્વ કોર્પોરેટરોએ ભાજપમાંથી દાવેદારી કરી છે. ત્યારે આવા કોર્પોરેટરોના વિશ્વાસઘાતી વલણને યાદ કરતા સંકલન સમિતિએ શહેરની જાહેર જનતા જોગ જણાવ્યુ છેકે, ભાજપને ટેકો આપીશુ નહી અને ભાજપમાં જોડાઈશુ નહી તેવી બબ્બે વખત પ્રતિજ્ઞા લીધા બાદ ગઠબંધનના પાલિકા બોર્ડના સાડા ત્રણ વર્ષ બાદ વિકાસમંચના તમામ ૧૭ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરો સત્તાલાલસામાં પોતાની પાંચ વર્ષ પુરી થાય તે પહેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. આ કોર્પોરેટરો પક્ષના મેન્ડેટ આધારે નહી પરંતુ વોર્ડના મતદારોની પસંદગીના આધારે ચુંટણી લડ્યા હતા. ત્યારે સત્તાની લાલચમાં આવા કોર્પોરેટરોએ ભાજપમાં જોડાયા પહેલા વોર્ડના મતદારો કે પ્રજાની સંમતી લેવાનુ પણ યોગ્ય લાગ્યુ નહોતુ. આવા સત્તાલાલસુઓએ વોર્ડની પ્રજાની લાગણીઓને અવગણી, લાગણીઓને લાત મારી પક્ષપલટો કર્યો હતો. આવા સત્તાલાલસુઓને ઓળખી જવા સાથે સંકલન સમિતીએ મતદારોને અપીલ કરી છેકે, આવા પ્રજાદ્રોહ કરનાર તકવાદીઓને ઓળખી આગામી ચુંટણીમાં ઉમેદવારી કરે તો પાઠ ભણાવવો જોઈએ. આવા પ્રજા સાથે વિશ્વાસઘાત કરનાર ચુંટણી પ્રચારમાં આવે તો પુછજો કે બબ્બે વખત પ્રતિજ્ઞા લીધા બાદ કેમ ફરી ગયા હતા. રાજકીય પક્ષોએ પણ આવા તકવાદી, સત્તાલાલસુ ઉમેદવારોને ટીકીટ આપતા વિચાર કરવો જોઈએ.