લોકો ત્રણ દરવાજા આસપાસ અને ટાવર ઢાળના ખાડાથી પરેશાન
પાલિકા ભાજપ નેતાના સબંધી કોન્ટ્રાક્ટર પાસે ઝડપી કામ કરાવશે?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ભાજપ નેતાના સબંધી કોન્ટ્રાક્ટરના કારણે લોકો ખાડાખૈયાવાળા રોડથી પરેશાની ભોગવી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટરના કારણે સવાલા દરવાજાથી એમ.એન.કોલેજ રોડ આઠ માસ મોડો બન્યો હતો. ત્યારે ત્રણ દરવાજા ટાવર ચોક અને ટાવરના ઢાળમાં રોડ બનાવવા વર્ક ઓર્ડર અપાઈ ગયો છે ત્યારે તાત્કાલીક રોડ બનશે કે પછી આઠ માસની રાહ જોવી પડશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગરમાં ત્રણ દરવાજા ટાવર ચોક અને ટાવરથી પટેલવાડી રોડ ઉપર દિવસમાં અગણીત વાહનોની અવરજવર છે. જ્યાંથી મોટાભાગે શહેરના લોકોજ અવરજવર કરે છે. શહેર મધ્યેના ખખડધજ રોડના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ખખડધજ રોડના કારણે ધુળ ઉડવાથી આસપાસના વેપારીઓની પણ હાલત કફોડી બની છે. ત્રણ દરવાજા ટાવરથી પટેલવાડી સુધી, ત્રણ દરવાજા ટાવરથી રેલ્વે સ્ટેશન સુધીના બન્ને સાઈડના રોડ, એમ.એન.કોલેજ ફાટકથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા, રેલ્વે સર્કલથી એસ.ટી.સ્ટેન્ડના વરંડા સુધી તથા નૂતન હાઈસ્કુલથી સી.એન. કોલેજ સુધીના રોડ ઉપર સીલકોટ(કારપેટ), થર્મોપ્લાસ્ટ(વ્હાઈટ પટ્ટા), ડામર સ્પ્રે અને રીફલેક્ટર સાથે રૂા.૧૬૩.૨૯ લાખનું ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. જેમાં ૧.૫૧ ટકા બીલો રકમનુ અભી કન્સ્ટ્રક્શન કંપનીનુ ટેન્ડર મંજુર થયુ હતુ. પાલિકાની ચુંટણી પહેલાજ વર્ક ઓર્ડર આપી ડામર રોડ બને તે માટેના પ્રયત્નો હતા. પરંતુ ચુંટણી કામગીરીના કારણે વર્ક ઓર્ડર આપી શકાયો નહી અને ડામર રોડ બન્યો નહી.
જાણવા મળ્યા પ્રમાણે પાલિકા દ્વારા ચુંટણી બાદ આ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પરંતુ ચીંતાની બાબત તો એ છેકે જાણવા મળ્યા પ્રમાણે અભી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર ભાજપના એક નેતાનો સગો થાય છે. સવાલા બસ સ્ટેન્ડથી એમ.એન.કોલેજ રોડ ઉપરનો ડામર રોડ તથા શહેરના અન્ય ડામર રોડ બનાવવાનુ ટેન્ડર આજ કોન્ટ્રાક્ટરનુ હતુ. જેનો વર્ક ઓર્ડર વર્ષ ૨૦૨૦ ની શરૂઆતમાં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકડાઉન આવ્યુ. જુન-જુલાઈમાં અન્ય જગ્યાએ વિકાસ કામ શરૂ થઈ ગયા હતા. તેમ છતાં આ કોન્ટ્રાક્ટરે વિસનગરમાં કામ શરૂ કર્યુ નહોતુ અને છેક દિવાળીના સમયે વર્ક ઓર્ડર આપ્યા બાદ સાત આઠ માસે કામ કર્યુ હતુ. કામ શરૂ કરવા પાલિકા કોઈ નોટીસ આપતી હતી તો ભાજપના નેતાનો ફોન આવી જતો હતો. ભાજપના નેતાની છત્રછાયાના કારણે આ કોન્ટ્રાક્ટરે ડામર રોડ બનાવવામાં ઘણો વિલંબ કરતા લોકો હેરાન થયા હતા.
વિસનગર પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતુ બોર્ડ આવ્યુ છે. પાલિકાના શુકાનીઓ ગાંધીનગર સુધી સીધી વગ ધરાવે છે. ત્યારે લોકો ત્રણ દરવાજા આસપાસના ખાડાખૈયાવાળા રોડથી ત્રાહીમામ પોકારી ગયા છે તો ભાજપના નેતાના સબંધી કોન્ટ્રાક્ટર પાસે ઝડપી કામ કરાવી શકશે ખરા? કે પછી આ રોડ બનાવતા પણ બીજા સાત આઠ માસનો સમય કાઢશે? વર્ક ઓર્ડર અપાઈ ગયો છે તો ઝડપી કામ શરૂ થાય તેવી ભાજપને મત આપનાર લોકોની આશા છે.