તંત્રી સ્થાનેથી
લ્યો કરો વાત…
કોરોના જેણે વધાર્યો તે તંત્ર કોરોના ઘટાડવા નીકળ્યુ છે
કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે તેવુ તંત્ર દ્વારા અખબારોમાં જુદા જુદા પ્રતિબંધો લગાવી જાહેરાતો કરવામાં આવે છે કે અમે પ્રજાના સ્વાસ્થ્ય માટે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. ખરેખર તો કોરોના ગયોજ નહતો. થોડોક ઓછો થયો હતો. અમેરીકાના પ્રમુખ ટ્રમ્પ ભારતમાં આવ્યા ત્યારે ઝુપડપટ્ટી સંતાડવા માટે ગુજરાત સરકારે પડદા માર્યા હતા. કોરોનાને સંતાડવા તેનું પરીક્ષણ ઓછું કરી નાંખવામાં આવ્યુ. જેને લઈને લોકોએ ખુશ થઈ ચુંટણીમાં ભાગ લીધો. હકીકતમાં કોરોના ઘટ્યો નહતો. જેથી લોકો વધારેમાં વધારે સંક્રમિત થયા. ચુંટણીઓ સમયે માસ્ક ન પહેરનારને દંડની કાર્યવાહી બંધ કરવી તેવા મૌખિક નિર્ણયો લેવાયા. જેથી લોકોને એવું લાગ્યુ કે કોરોના ઘટી ગયો છે. પ્રથમ આવી ધારાસભાની ૮ પેટા ચુંટણીઓ. આ ચુંટણીઓ જીતવા માટે પદાધિકારીઓએ તમામ નિયમોને નેવે મૂકી દીધા હતા. ત્યારબાદ આવી દિવાળી. દિવાળીમાં લોકો સમજતા હતા કે કોરોના જતો રહ્યો છે તેમ માની મન મૂકી દિવાળીની ખરીદી કરી અને દિવાળી ઉજવી. ત્યારબાદ આવી ગ્રામ સ્વરાજની ચુંટણીઓ આ ચુંટણીઓમાં લોકો ગભરાયા વિના ભાગ લઈ શકે તે માટે લગ્નમાં ૫૦ માણસોની છુટછાટ હતી તેની જગ્યાએ ૨૦૦ માણસની છુટછાટ કરી. એટલે લોકો સમજ્યા કે કોરોના ઘણો ઘટી ગયો છે. લગ્નના વરઘોડા માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સ વિના નીકળ્યા. જેમાં લોકોએ મન મૂકીને ભાગ લીધો. નવરાત્રી સમય પહેલા માસ્ક વિનાના લોકો પાસેથી હજાર હજાર રૂપિયા દંડ વસુલ કરનાર આજ પોલીસ ચુંટણીમાં માસ્ક વગર નીકળતી રેલીઓનો બંદોબસ્ત કરતી હતી. પોલીસ તંત્ર એટલી હદે આંખ મીંચામણા કર્યા કે ખાણીપીણીની લારીઓ ઉપર ટોળા દેખાય તેને પણ તેમણે રોક્યા નહિ. લગ્નના ૫૦ ની જગ્યાએ ૨૦૦ ની મંજુરી મળી. સાધન સંપન્ન લોકોએ હજારોના જમણવાર કર્યા. ત્યારબાદ આવી ગ્રામ સ્વરાજની ચુંટણીઓ. રાજ્યના મુખ્ય પદાધિકારીની રેલીમાં લાખ્ખોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. જેમાં અનેક કોરોનાથી સંક્રમિત થયા, કેટલાકના મૃત્યુ થયા. આ બધુ તંત્રએ પોતાના સ્વાર્થ માટે ચુંટણીઓ જીતવા માટે કર્યુ. ચુંટણીઓના વરઘોડામાં હજ્જારો પણ ગુલાલ ઉડાડ્યું તે વખતે કોઈ વાંધો ન આવ્યો. અને અત્યારે રંગોના તહેવાર હોળીમાં ગુલાલ ઉડાડવાની બંધી કરી આ કયા પ્રકારનો ન્યાય? અત્યારે અખબારોમાં જે આંકડા જાહેર થાય છે. તેના કરતાં અનેક ઘણા લોકો કોરોના સંક્રમિત છે. પણ કોરોનાના ચીન્હો દેખાય, તાવ આવે, શ્વાસ વધે, સ્વાદ જતો રહે. એટલે લોકો નાના નાના ગામના જનરલ પ્રેક્ટીસનર ર્ડાક્ટરો પાસે જઈ કોરોના મટાડે છે. જો સરકારે નવરાત્રી પછી તરતજ સાચા આંકડા આપ્યા હોત તો લોકોમાં કોરોના ગયાની ગેરસમજ ફેલાણી તે ફેલાત નહિ. સરકારનું આવું વર્તન એ દુઃખદાયી છે. કોરોના ગયો નથી વધે જાય છે. લોકો સમજવા તૈયાર નથી. સોસીયલ ડીસ્ટન્સ અને માસ્ક એજ કોરોનાની સાચી દવા છે. તંત્ર જાહેર મેળાવડા બંધ કરાવી દે, લગ્નમાં જે ૨૦૦ ની છૂટ છે તે બન્ને બાજુના થઈ ૫૦ માણસોનીજ છુટછાટ આપે તેવો કડક નિયમ લાવશે તોજ કોરોના જશે. કોરોના એક ભયંકર રોગ છે. હાલ જે રસી શોધાઈ છે તે સિવાય પરદેશમાં કોરોનાનું બીજુ વર્જન જોવા મળ્યું છે. તે ભારતમાં આવી ચુક્યુ છે. જોકે હાલ ઘણા ઓછા લોકો પરદેશી નવા કોરોનાથી સંક્રમિત થયા છે તેના માટેની પણ રસીની શોધ ચાલુ કરાવી દેવી પડશે. કોરોનાનો સોસીયલ ડીસ્ટન્સ, માસ્ક એજ સાચો ઉપાય છે. તે માટે લોકોએ જાતેજ સજાગ થવું પડશે અને પોતાનો બચાવ પોતે કરશે તોજ કોરોનાથી બચી શકાશે. સરકાર બચાવાની નથી.