અઠવાડીયામાં કોરોના સંક્રમણના ૬૫ કેસ
વિસનગરમાં કોરોના નવા સ્ટ્રેનના ૩ કેસથી સાવધાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનાનો ત્રીજો તબક્કો વિસનગર માટે ભયજનક સાબીત થઈ રહ્યો છે. એક અઠવાડીયામાં શહેર અને તાલુકામાં થઈ કુલ ૬૫ કેસ નોધાયા છે. જેમાં ૫૦ કે તેથી વધુ ઉંમરના ફક્ત ૨૨ કેસ છે. જ્યારે બાકીના યુવાન અવસ્થાના પુરુષ, સ્ત્રી સંક્રમીત બન્યા છે. ચીંતાની બાબત તો એ છેકે જેમને કોરોના થઈ ચુક્યો છે તેઓ પણ ફરી સંક્રમીત થયા છે. વિસનગરમાં કોરોના નવા સ્ટ્રેનના ૩ કેસથી ભારે ફફડાટ ફેલાયો છે. ૧ વર્ષની બાળકી પણ કોરોના સંક્રમણનો ભોગ બનતા કોરોના ગાઈડલાઈનનુ પાલન નહી કરી બેફીકર બની બહાર ફરતા લોકોને સાવધાની રાખવાની જરૂર છે.
કોરોના ગાઈડલાઈનનુ પાલન નહી કરી બીન્દાસ્ત રીતે ફરતા લોકો કોરોના વાહક બની પરિવારને
સંક્રમીત કરી શકે છે. પિતાના કારણે એક વર્ષની બાળકી કોરોના સંક્રમીત
વિસનગર શહેર અને તાલુકામાં કોરોના કેસનો ચીંતાજનક વધારો થઈ રહ્યો છે. તહેવારોમાં, પ્રસંગોમાં, ખાણીપીણીની લારીઓ, બજારોમાં ખરીદી સમયે કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવામાં નહી આવતા જેનુ ભયંકર પરિણામ લોકો ભોગવી રહ્યા છે. જેઓ કોરોના સંક્રમીત થઈ ચુક્યા છે તેઓ પણ ફરીથી કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તિરૂપતી શુકનમાં રહેતા નીખીલભાઈ ભોજકના ઘરમાં એક સાથે ત્રણ પોઝીટીવ કેસ નોધાયા છે. જેમના પત્ની જાગૃતિબેન ભોજકને તાવ, શરદી, ઉધરસ સાથે શરીરમાં કળતર થતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ઘરમાં તમામ સભ્યોનો રીપોર્ટ કરાવતા નીખીલભાઈ ભોજક તથા તેમની દિકરીનો પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જ્યારે પુત્રનો નેગેટીવ રીપોર્ટ આવ્યો હતો. નીખીલભાઈ ભોજકને દિવાળી પહેલા કોરોના થયો હતો અને ફરીથી કોરોના સંક્રમણનો ભોગ બન્યા. કોરોના નવા સ્ટ્રેનના કેસથી ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યા પ્રમાણે અગાઉ સંક્રમીત થઈ ચુકેલા દર્દિઓમાં ફરીથી કોરોના સંક્રમણ થયુ હોવાના બે કેસ નોધાયા છે. કોરોના નવા સ્ટ્રેનથી આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયુ છે. મહામારીના સમયમાં લોકો સાવચેત રહે અને સાવધાની રાખે તે માટે કોરોના સંક્રમણ છુપાવ્યા વગર નીખીલભાઈ ભોજકે પોતાની વિગતો જાહેર કરવા સામેથી તૈયારી બતાવી હતી. તે સરાહનીય છે.
જે લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. તેઓએ એન્ટી બોડી થઈ ગઈ છે, હર્ડઈમ્યુનીટી આવી થઈ ગઈ છે તેવો ખોટો વહેમ રાખી બેફીકર રહેવુ તે પરિવાર માટે ઘાતકી સાબીત થાય તેમ છે. પિતાને કોરોના થતા ઘરમાંથી બહાર નહી નીકળતી એક વર્ષની બાળકી કોરોના સંક્રમીત બની છે. કોરોનાથી એન્ટીબોડી થઈ હોય તેવા વ્યક્તિને કોરોના થયાની શક્યતા ઓછી છે. પરંતુ પોતાને શું થવાનુ છે તેવી બેફીકરાઈ રાખતો વ્યક્તિ કોરોના વાહક બની ઘરમાં રહેતા અન્ય લોકોને સંક્રમીત કરી શકે છે. જેથી બહાર ફરતા પુરુષ તથા સ્ત્રીઓએ પોતાના કારણે પરિવારનો સભ્ય સંક્રમીત ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ એ આ મહામારીમાં ખુબજ જરૂરી છે.
એન્ટી બોડી માટે કોરોના વેક્સીન એકમાત્ર ઉપાય. ૪૫ કે તેથી ઉપરની ઉંમરના લોકોએ વિના સંકોચે વેક્સીન લેવી જોઈએ. કોઈ આડ અસર થતી નથી.
વિસનગરમાં તા.૨૭-૩ થી તા.૨-૪ સુધીના એક અઠવાડીયામાં ૬૫ કેસ નોધાયા છે. તા.૨૭-૩ ના રોજ વિસનગરમાં ૬૦ વર્ષ પુ., ૩૪ પુ., ૨૬ પુ., ૩૦ સ્ત્રી, ૬૦ સ્ત્રી, ૬૦ પુ., ૩૪ પુ., ૩૦ સ્ત્રી, ૨૦ પુ., ૨૮ પુ., ૫૦ પુ., ૭૫ પુ., ૪૦ પુ., ૨૦ પુ., ૨૪ સ્ત્રી, ચીત્રોડીપુરામાં ૫૮ વર્ષ સ્ત્રી, તા.૨૮-૩ વિસનગરમાં ૬૩ વર્ષ સ્ત્રી, ૧ વર્ષની બાળકી, ૩૪ પુ., ૪૫ પુ., ૬૦ પુ., ૫૪ સ્ત્રી, તા.૨૯-૩ એક પણ કેસ નહી, તા.૩૦-૩ વિસનગરમાં ૮૫ વર્ષ સ્ત્રી, ૫૦ સ્ત્રી, તા.૩૧-૩ વિસનગરમાં ૫૨ વર્ષ પુ., ૪૯ પુ., ૯૦ પુ., ૪૯ પુ., ૩૦ સ્ત્રી, ૨૮ પુ., ૪૭ પુ., ૨૧ પુ., ૭૦ પુ., ૪૭ સ્ત્રી, ૪૭ પુ., ૨૮ પુ., ઉદલપુર ૨૮ પુ., ખરવડા ૪૭ પુ., કમાલપુર ૩૮ પુ., કાંસા એન.એ.૫૦ સ્ત્રી, કાંસા એન.એ.૨૧ સ્ત્રી, તા.૧-૪ શહેરમાં એક પણ કેસ નહી, કાંસા એન.એ.૨૧ સ્ત્રી, પાલડી ૩૦ પુ., સવાલા ૬૦ પુ., કાંસા ૪૩ પુ., કાંસા એન.એ.૩૮ પુ., તા.૨-૪ વિસનગરમાં ૪૪ પુ., ૪૧ પુ., ૫૬ સ્ત્રી, ૩૧ પુ., ૬૫ પુ., ૪૮ સ્ત્રી, ૧૯ પુ., ૨૪ પુ., ૫૪ સ્ત્રી, ૭૨ પુ., કાંસા એન.એ.૨૫ પુ., સવાલા ૬૫ પુ., વડુ ૩૬ સ્ત્રી, વડુ ૪૩ સ્ત્રી, કાંસા ૨૭ સ્ત્રી, કુવાસણા ૩૪ પુ., ઘાઘરેટ ૫૯ પુ., દેણપ ૩૮ પુ., રાજગઢ ૫૦ પુ. સાથે અઠવાડીયામાં શહેરમાં કુલ ૪૫, ગામડામાં કુલ ૨૦ સાથે ૬૫ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં ૫૦ કે તેથી વધુ ઉંમરના ૨૨ સંક્રમીત થયા છે. સ્ત્રી, પુરુષ સાથે ઉંમર એટલા માટે દર્શાવવામાં આવી છેકે લોકોને સાચી સમજ પડે કે કોરોના સંક્રમણમાં કોઈ બાકાત રહેતુ નથી.
કોરોના નવા સ્ટ્રેનના કેસ બાબતે શહેરના જાણીતા ફીઝીશીયન ર્ડા.કેતનભાઈ જોષીએ જણાવ્યુ છેકે, નવા સ્ટ્રેનના સંક્રમકતા ૫ થી ૬ ઘણી છે. જે ઝડપી ફેલાય છે. દા.ત. એક બસમાં કોરોના નવા સ્ટ્રેનનો દર્દિ બેઠો હોય તો બાકીના તમામ સંક્રમણનો ભોગ બની શકે છે. કોરોના નવો સ્ટ્રેન ઝડપી ફેલાય છે. પરંતુ ગંભીર નથી. વિસનગરના કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલે કોવીડ હોસ્પિટલ બાબતે જણાવ્યુ છેકે, વડનગર હોસ્પિટલમાં ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મહેસાણા સિવિલમાં ૫૦ બેડની વ્યવસ્થા છે. મહેસાણા સાંઈક્રિષ્ણામાં કોવીડ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે. વેક્સીનેશન બાબતે માહિતી આપી હતી કે, હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરમાં વેક્સીનેશન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ૬૦ વર્ષથી મોટા ૧૫૦૯૮ ને વેક્સીન આપવામાં આવી છે. તા.૧-૪ ના રોજથી ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરનાને વેક્સીનેશન શરૂ કરવામાં આવતા પ્રથમ દિવસેજ ૨૦૦૦ થી વધારે લોકોએ વેક્સીનેશનનો લાભ લીધો હતો. વેક્સીન લેવા માટે લોકો સામે ચાલીને સિવિલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, પી.એચ.સી. અને સી.એચ.સી.માં આવી રહ્યા છે. વર્ષ ૧૯૭૭ પહેલાના તમામ લોકો વેક્સીનેશનનો લાભ લેવા લાયક છે. વેક્સીન લીધા બાદ ૪૫ દિવસ સાચવવુ ખુબજ જરૂરી છે. પ્રથમ ડોઝ બાદ ૬ થી ૮ અઠવાડીયામાં બીજો ડોઝ લેવાનો થાય છે. પેટમાં દુઃખાવુ અને ઝાડા થવાના કોરોનાના નવા લક્ષણો હોવાનુ પણ જણાવ્યુ હતુ.
↧
અઠવાડીયામાં કોરોના સંક્રમણના ૬૫ કેસ વિસનગરમાં કોરોના નવા સ્ટ્રેનના ૩ કેસથી સાવધાન
↧