કચરાથી તળાવનુ પાણી અને જમીન દુષીત થયાની ચીંતા વ્યક્ત કરી
સુંશી કચરા સ્ટેન્ડ વિરુધ્ધ પશુપાલકો-ખેડૂતોની રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સુંશી રોડ સ્મશાન પાસેના કચરા સ્ટેન્ડની જગ્યા બદલી સુંશી તળાવ પાસે પાલિકા દ્વારા કચરો નાખવામાં આવતા વિવાદ વકર્યો છે. આ વિસ્તારના પશુપાલકો તથા ખેડૂતોએ ચીંતા વ્યક્ત કરી છેકે કચરો નાખવામાં આવશે તો તળાવનુ પાણી અને ખેતરો દુષીત થશે. જે કચરા સ્ટેન્ડ અટકાવવા માટે જીલ્લા કલેક્ટર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે.
વિસનગરમાં કચરા સ્ટેન્ડની જગ્યાનો વિવાદ વધતો જાય છે. સુંશી રોડ સ્મશાન પાસેના કચરા સ્ટેન્ડમાં વારંવાર આગ લાગવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ ફેલાય છે. ત્યારે ગત બોર્ડમાં તત્કાલીન પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સાથે રાખી કચરા સ્ટેન્ડની જગ્યા ફાળવવા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. નવા કચરા સ્ટેન્ડ માટે સુંશી રોડ ઉપર આવેલ ગૌચર સ.નં.૨૧૧૯ ની જમીનની મંજુરી માગતા જીલ્લા તંત્ર દ્વારા કચરો નાખવા મૌખીક સંમતી પણ દર્શાવી હતી. પાલિકાની ચુંટણી બાદ પાલિકા દ્વારા સ્મશાન પાસેનો કચરો ઉઠાવી ગૌચરની જગ્યામાં નાખવાની શરૂઆત કરતાજ આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કચરો નાખવા જતુ ડંપર રોકવામાં આવતા લોકોનો રોષ જોઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
જે વિવાદમાં સ.નં.૨૧૧૯ નજીક રહેતા તમામ ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો વિગેરે દ્વારા જીલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે, આ સર્વે નં. ગૌચર નીમ થયેલો છે. જે વિસ્તાર પાલિકા હદમાં આવતો નહી હોવા છતાં પાલિકા દ્વારા કચરો નાખવામાં આવી રહ્યો છે. જે માટે કોઈ મંજુરી મળી નથી. પાલિકાનો કચરો કોઈ નાગરિક, પશુ કે ખેતીને નુકશાન ન થાય તે રીતે નાખવાનો હોય છે. કચરા સ્ટેન્ડ માટેની જગ્યા વિદ્યુત ફીડરની બાજુમાં નક્કી થઈ છે. સ.નં.૨૧૧૯ ગૌચર છે. જેની સામે સ.નં.૨૧૫૩ માં તળાવ આવેલુ છે. અને સ.નં.૨૧૨૦ માં સરકારે પ્લોટ ફાળવ્યા છે. અહી કચરો નાખવામાં આવે તો ભવિષ્યમાં જે લોકો રહેવા આવશે તેમના સ્વાસ્થ્યને મોટુ નુકશાન થાય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય તેમ છે. અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છેકે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલના ઈશારે અને તેમના હિતમાં જગ્યા બદલવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. વિદ્યુત ફીડરની બાજુમાં આવેલ પ્લોટ ધારાસભ્યની કંપનીનો પ્લોટ એન.એ. થયેલો છે. તેના લાભાલાભ અને માર્કેટીંગ માટે આ જગ્યા બદલવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાએ ધારાસભ્યના પ્રભાવ નીચે અને જાહેર જનતાની જાણ બહાર પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેને કલેક્ટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી. પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે કોઈપણ હુકમ કે આદેશ વગર મનસ્વીપણે સ.નં.૨૧૧૯ માં કચરો નાખવાનો નિર્ણય કર્યો છે. કચરાની ગંદકી અને દુર્ગંધથી આ વિસ્તારના લોકોનુ આરોગ્ય જોખમાય તેમ છે. ચોમાસામાં કચરાના ઢગલામાંથી નીકળેલુ પાણી બાજુના તળાવમાં અને ખેતરોમાં ભરાશે ત્યારે સમગ્ર વિસ્તાર દુષીત થવાનો છે. તળાવનુ પાણી દુષીત થશે તો પશુ પણ રોગચાળાનો ભોગ બનશે. આ ઉપરાંત્ત આસપાસના રહીશો, ખેતમજૂરો, ખેડૂતો, પશુપાલકો પણ રોગચાળાનો ભોગ બને તેમ છે. સરકાર દ્વારા તળાવમાં પીયત હેતુ માટે પાણી નાખવામાં આવે છે. ત્યારે તળાવનુ દુષીત પાણી ખેતરોને પણ દુષીત કરશે. કચરા સ્ટેન્ડ હટાવવા તથા ગૌચર જગ્યા મુળ સ્થિતિમાં કરવા રજુઆત કરવામાં આવી છે.
આ વિવાદમાં સુંશી ગ્રામ પંચાયત દ્વારા પણ કલેક્ટર સમક્ષ રજુઆત કરી છેકે, ગામની નજીક સુંશી રોડ ઉપર હુહુ તળાવ આવેલ સ.નં.૨૧૧૯ ગૌચરની જમીન છે તે સુંશી ગામની સીમની નજીક છે. ચોમાસામાં હુહુ તળાવ ઓવરફ્લો થાય ત્યારે તેનુ પાણી સુંશી તળાવમાં અને સુંશી ગામના ખેતરોમાં આવે છે. પાલિકા દ્વારા ગૌચરમાં કચરો નાખવામાં આવશે તો કચરા સ્ટેન્ડનુ ચોમાસુ પાણી હુહુ તળાવમાં આવશે. અને હુહુ તળાવનુ પાણી સુંશી ગામના તળાવ તથા ખેતરોમાં ફેલાશે તો ગામનુ તળાવ તથા જમીન દુષીત થશે. જેના કારણે ગામના ઢોર પશુઓ બીમાર થાય તેવી પુરેપુરી સંભાવના છે. કચરા સ્ટેન્ડથી ગામના લોકોનુ સ્વાસ્થ્ય જોખમાય તથા તંદુરસ્તી બગડે તેમ છે. જેના કારણે બીમારી કે રોગચાળો ફાટી નીકળે તેમ છે. કચરો નાખવાનુ અટકાવવા આવે તેવી જીલ્લા કલેક્ટરને સુંશી ગ્રામ પંચાયત દ્વારા વિનંતી કરવામાં આવી છે.
↧
કચરાથી તળાવનુ પાણી અને જમીન દુષીત થયાની ચીંતા વ્યક્ત કરી સુંશી કચરા સ્ટેન્ડ વિરુધ્ધ પશુપાલકો-ખેડૂતોની રજુઆત
↧