વેક્સીન બાદ કોરોના સામે કવચ મળી ગયુ તે સમજવુ ભૂલ ભરેલુ
ટીડીઓ વેક્સીનના બીજા ડોઝના ૨૩ દિવસ બાદ સંક્રમીત
રસીકરણના બે ડોઝ સાથે કુલ ૫૧ દિવસ થયા છતાં લોકોની વચ્ચે સતત રહેવાના કારણે આ અધિકારી કોરોનાનો ભોગ બન્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જેણે વેક્સીન લીધી છે તેને કોરોના સામે રક્ષા કવચ મળી ગયુ છે તે સમજવુ એ આ મહામારીમાં મુર્ખામી સાબીત થશે. સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને લોકોની વચ્ચે રહી કામ કર્યા વગર છુટકો નથી. વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો તેના ૨૩ દિવસ બાદ રીપોર્ટ પોઝીટીવ આવતા ફ્રન્ટલાઈન વર્કરમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પોઝીટીવ રીપોર્ટ આવતાજ ટીડીઓએ તમામ વહીવટી કામકાજ અટકાવી અન્ય કર્મચારીઓને ટેસ્ટ કરાવી લેવા સુચન કરાયુ હતુ. ઈમરજન્સી સિવાય તાલુકા પંચાયતનુ કામકાજ બંધ કરવામાં આવ્યુ હતુ.
કોરોના વેક્સીન અસરકારક નથી તેમ જાણવા છતાં સરકાર વેક્સીનેશનના જાહેર કાર્યક્રમોના તાયફા કરાવી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રહેવા મજબુર કરાય છે. સરકારના ખોટા દેખાવ અને કાર્યક્રમોથી ફ્રન્ટલાઈન વર્કર તેનો ભોગ બની રહ્યા છે. વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ મનુભાઈ એમ.પટેલ તા.૪-૪-૨૦૨૧ ને રવિવારના રોજ ઉમતા પ્રા.શાળામાં યોજાયેલ જાહેર વેક્સીનેશનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમની સાથે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકીતભાઈ પટેલ અન્ય કર્મચારીઓ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ચુંટણીની સભાઓ અને મીટીંગોના કારણે કોરોના ફેલાયો હોવા છતાં વેક્સીનેશનની વાહવાહી મેળવવા સરકાર જાહેર વેક્સીનના કાર્યક્રમો કરવાનુ બંધ કરતી નથી. ટીડીઓની ઉપસ્થિતિમાં રવિવારના આ કાર્યક્રમ બાદ સતત ત્રણ-ચાર દિવસથી શરદી, ઉધરસ, તાવ અને શરીરનો દુઃખાવો રહેતા ટીડીઓએ અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવ્યો હતો. રેપીડ ટેસ્ટ કરતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વેક્સીનના બે ડોઝ લીધા બાદ પોઝીટીવ રીપોર્ટ આવતા ટીડીઓ તથા વેક્સીન લીધેલ અન્ય ફ્રન્ટલાઈન વોરીયર્સ અચંબામાં મુકાયા હતા.
રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતાની સાથે ટીડીઓએ નાયબ ટીડીઓ આર.જી.બ્રહ્મભટ્ટને ફોન કરી અન્ય કર્મચારીઓને ટેસ્ટ કરાવવા સુચના આપી હતી. ટીડીઓના સતત સંપર્કમાં રહેલા વિસ્તરણ અધિકારી બાબુભાઈ ચૌધરીને પણ ટેસ્ટ કરાવવાની સુચના આપી ત્રણ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવા જણાવ્યુ હતુ. ટીડીઓ પોઝીટીવ થતા ઈમરજન્સી કામ સિવાય વહીવટી કામકાજ બંધ રહેશે તેવી નોટીસ ચોટાડવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ સુમીત્રાબેન પટેલ ઓફીસમાં આવ્યા બાદ ટીડીઓ પોઝીટીવની જાણ થતાજ નિકળી ગયા હતા. અન્ય કર્મચારીઓ પણ ઓફીસ છોડી બહાર નિહાળી ગયા હતા.
કોરોના વેક્સીન લીધા બાદ ૪પ દિવસ પછી એન્ટીબોડી થતી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કહેવાય છે. વિસનગરના ટીડીઓ મનુભાઈ પટેલે ફન્ટલાઈન વોરીયર્સમાં પ્રથમ ડોઝ લીધા બાદ તા.૧ર-૩-ર૦ર૧ના રોજ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. અગાઉ સરકાર દ્વારા પ્રથમ ડોઝ બાદ ર૮ દિવસ પછી વેક્સીન આપવામા આવતી હતી. ટીડીઓએ તા.પ-૪-ર૧ના રોજ રેપીડ ટેસ્ટ કરાવતા પોઝેટીવ રીપોર્ટ આવ્યો હતો. ટીડીઓએ જણાવ્યુ હતુ કે ૧ર-૩-ના રોજ બીજો ડોઝ લીધો હતો. પ્રથમ ડોઝના ર૮ દિવસ ગણવામા આવે અને બીજા ડોઝ બાદ ર૩ દિવસ થાય એટલે કે ર૮+ ર૩ કુલ પ૧ દિવસ થવા છતા ટીડીઓ કોરોના સંક્રમીત થયા તો આ મહામારી સામે રક્ષણ આપવામા કોરોનાની રસી કેટલી સફળ થશે? તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. વેક્સીન લીધા બાદ કોરોના સામે જાણે કવચ મળી ગયુ હોય તેમ બેફીકર થઈને ફરતા લોકોએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે.