કુદરતી કે કોરોના સંક્રમણથી મૃત્યુમાં અંતિમ વિધિ માટે આવતા પહેલા જાણ કરવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલની વિનંતી
સાર્વજનિક સ્મશાનમાં અઠવાડીયામાં ૬૭ મૃતદેહની અંતિમ વિધિ કરાઈ
(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
કોરોના બીજા તબક્કામાં મૃત્યુદર વધતા વિસનગરના સાર્વજનિક સ્મશાનગૃહમાં પણ અંતિમ વિધિ વેઈટીંગમાં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વહીવટકર્તા ભરતભાઈ ચોક્સીની ખડેપગે સેવાના કારણે અંતિમક્રિયામાં હજુ સુધી કોઈ મુશ્કેલી સર્જાઈ નથી. મોતનો મલાજો જળવાય તેમજ અંતિમ વિધિમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અગાઉથી જાણ કરવા માટે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ વધવાથી મૃત્યુદર પણ વધ્યો છે. વિસનગરના સાર્વજનિક સ્મશાનગૃહમાં તા.૯-૪ થી ૧૫-૪ સુધીના વિકમાં કુલ ૬૭ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં ૪૦ મૃતદેહ કોરોના સંક્રમીત હતા. કોરોના કાળમાં કુદરતી મૃત્યુ પણ વધ્યા છે. આ અઠવાડીયામાં વિસનગર ઉપરાંત્ત, વિજાપુર, મહેસાણા, સતલાસણા, જોટાણા, ગાંધીનગર, કડી, દસકોઈ, ખેરાલુ, વડનગર, અમદાવાદ એમ ૧૧ તાલુકાના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી. સાર્વજનિક સ્મશાનમાં વડનગર હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલના તો ક્યારેક મહેસાણા હોસ્પિટલના કોરોના સંક્રમીત મૃતદેહ અંતિમ વિધિ માટે લાવવામાં આવે છે. એકજ દિવસમાં ૧૦ થી ૧૨ જેટલા મૃતદેહ આવતા હોવાથી સાર્વજનિક સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે મુશ્કેલી સર્જાઈ છે. પરંતુ સ્મશાનગૃહના વહીવટકર્તા ભરતભાઈ ચોક્સી ખડે પગે હાજરી આપી તમામ વ્યવસ્થા સચવાય છે. બહારના મોટા શહેરના સ્મશાનોમાં જગ્યા નહી હોવાથી વિસનગરના સ્મશાનમાં અંતિમ વિધિ માટે મૃતદેહ લાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કોઈને ના પાડી શકાય તેમ નહી હોવાથી રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી સ્મશાન ચાલુ રાખવાની ફરજ પડે છે.
સાર્વજનિક સ્મશાનમાં હોસ્પિટલોમાંથી જાણ કર્યા વગર કોરોના સંક્રમીત મૃતદેહ મોકલવામાં આવે છે. જ્યારે કુદરતી મૃત્યુમાં મૃતદેહ લાવતા સમયે સાર્વજનિક સ્મશાનમાં જાણ કરવામાં આવતી નથી. જેના કારણે અંતિમ વિધિમાં મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી છેકે, હોસ્પિટલ કે તાલુકાના ગામડામાંથી સ્મશાનમાં મૃતદેહ લાવતા પહેલા સ્મશાનમાં ફરજ બજાવતા પોપટલાલ પટેલનો મો.નં.૮૭૮૦૬૯૪૯૮૬ તથા અજયભાઈ પટેલનો મો.નં.૯૮૯૮૮ ૪૦૦૩૦ ઉપર સંપર્ક કરવો. જેથી અંતિમ વિધિ માટેની તમામ સગવડો સચવાઈ રહે. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે કોરોના સંક્રમીત મૃતદેહની અંતિમ ક્રિયા ગેસની ભઠ્ઠીમાં કરવામાં આવતી હોવાથી ભઠ્ઠી સતત ચાલુ રહેતા લોખંડની એંગલો બળી ગઈ હતી. જે તાત્કાલીક રીપેર કરવામાં આવી છે. ગેસની બીજી ભઠ્ઠી બે-ત્રણ દિવસમાં શરૂ થઈ જશે જેથી કોરોના સંક્રમીત કે કુદરતી મૃત્યુમાં અંતિમ વિધિ માટે કોઈ મુશ્કેલી સર્જાશે નહી. પરંતુ અંતિમ વિધિમાં સગવડો જળવાઈ રહે તે માટે મૃતદેહ લઈને આવતા પહેલા જણાવેલ મોબાઈલ નંબર ઉપર જાણ કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે.
↧
કુદરતી કે કોરોના સંક્રમણથી મૃત્યુમાં અંતિમ વિધિ માટે આવતા પહેલા જાણ કરવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલની વિનંતી સાર્વજનિક સ્મશાનમાં અઠવાડીયામાં ૬૭ મૃતદેહની અંતિમ વિધિ કરાઈ
↧