તંત્રી સ્થાનેથી
ધ્યાન ન રાખો તો ગંભીર છે અને ધ્યાન રાખો તો ગંભીર નથી તેવો
પ્રવર્તમાન કોરોના અલગ પ્રકારનો છે
ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓએ એક પી.આઈ.એલ.ની સુનવણીમાં તીખા શબ્દોમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી કે, “લોકોને એવું લાગી રહ્યું છેકે તેઓ ભગવાનના ભરોસે જીવી રહ્યા છે.” આવું કેમ કહેવું પડ્યુ તે પાછળનું કારણ છે કે પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સરકાર સગવડો આપવામાં ઉણી ઉતરી છે. આ વખતનો કોરોના અલગ પ્રકારનો છે. જે દરેક સીઝનમાં એક જ ગતિએ વધે છે. જેથી તેમાંથી બચવા માટે નાગરિકો માસ્ક પહેરે અને માસ્ક ન પહેરે તેને પહેરવા માટે સમજાવે. માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સ કોરોનાને રોકી શકે છે. તે હવે જાતે જ સમજવું પડશે. માસ્ક પહેરવા સાથે વારંવાર હાથ ધોવા જોઈએ. રાજ્ય સરકાર માસ્ક ફરજીયાત પહેરવા માટે દંડ કરી રહી છે. જેમાં લોકોએ પણ સહકાર આપવો જોઈએ. આ વખતનો નવો કોરોના ગત કોરોના કરતાં ચાર થી છ ઘણી ઝડપે ફેલાઈ રહ્યો છે. ઘરમાં કોઈ એક વ્યક્તિને કોરોના થાય એટલે ઘરના તમામ લોકો કોરોનાની ઝપટમાં આવી જાય છે. બીજા દેશોમાંથી આવેલા કોરોના માટે લોકોની ગંભીર ગેરસમજ છે પણ તે એટલો ગંભીર નથી. આ વખતના કોરોનામાં ૮૦ ટકા દર્દીઓમાં મોટાભાગે સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં સામાન્ય માથુ દુઃખવું, શરીર દુઃખવું, નજીવો તાવ અને શરદી મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો દર્દીએ ગભરાવાની જરૂર નથી. માત્ર ઘરે આઈસોલેટ(કોરોન્ટાઈન) થવાથી અને જરૂરી દવા કરવાથી ઝડપી રીકવરી મેળવી શકાય છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોય તે દર્દીએ ખૂબજ આરામ કરવો, ખૂબ પાણી પીવું તથા લીંબુ શરબત જેવું પ્રવાહી પીવુ. ડોલો-૬૫૦ કે પેરાસીટામોલ લેવાથી દર્દીને આરામ થઈ શકે છે. અત્યાર સુધી આવતા કોરોનામાં સંક્રમિત દર્દીને ઠંડી વાઈ તાવ આવતો હતો. આખુ શરીર દુઃખતુ હતું જ્યારે અત્યારના કોરોનાના લક્ષણ જુદા છે. પણ તે લક્ષણ દેખાય એટલે દવા લેવી પછી ર્ડાક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ કરવી. કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર જેવા ઈન્જેક્શનો લેવાનો આગ્રહ રાખવો નહિ. આવા ઈન્જેક્શનો આડ-અસર ઉભી કરે છે. કોરોના સામેની લડાઈમાં હવા ઉજાસ એ બહુ મહત્વનું પાસુ છે. ઘરમાં જેટલો વધારે હવા ઉજાસ તેટલો કોરોનાનો પ્રકોપ ઓછો. શક્ય હોય તો એર કન્ડીશનનો ઉપયોગ ઓછો કરવો. એરકન્ડીશન ચલાવવા માટે રૂમ બંધીયાર કરવો પડે છે. રૂમમાં એક કરતાં વધારે લોકો સૂતા હોય તો કોઈ તેમાં સંક્રમિત વ્યક્તિ હોય તો બીજા સંક્રમતિ થાય છે. ઓફીસો ખુલ્લી રાખવી એર કન્ડીશનનો ઉપયોગ ઓછો કરવો. ઓફીસમાં એક વ્યક્તિને આવીને જાય એટલે તે જગ્યા સેનેટાઈઝ કરવી. ઓફીસને વારંવાર સેનેટાઈઝ કરાય તો કોરોના પ્રકોપને ટાળી શકાશે. કોરોના સામેની લડાઈમાં આપણે “S.M.S” સૂત્રનો અમલ કરવો પડશે. એટલેકે સેનેટાઈઝ માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સ તથા “V.V.V.” સૂત્ર એટલે કે વેક્સીનેશન, વેન્ટીલેશન અને વલ્નર્રબલસ કેરનું સૂત્ર અમલમાં મૂકવું પડશે. કોરોના રોકવા માટે દેશમાં જે વેક્સીનની કામગીરી ચાલી રહી છે તેને પ્રોત્સાહન આપી દરેક લોકોએ રસી લેવી જોઈએ અને જો તમે વેક્સીન લીધી હશે તો નવો કોરોના ભારે અસર કરશે નહિ. પ્રવર્તમાન પરિસ્થિતિ સામે લડવા માસમોમેન્ટ ચાલુ કરવી પડશે. ગામેગામ, તાલુકે તાલુકે સમિતિઓ બનાવી લોકોને વેક્સીન લેવા માટે સમજાવવા પડશે. પ્રવર્તમાન સંજોગોમાં જો તમારુ ઓક્સીજન લેવલ ૯૦ થી ૯૪ વચ્ચે રહે, શરીરમાં તાવ રહે, વાત કરતાં શ્વાસ ચડે, ખૂબ અશક્તિ દેખાય પોતાનું કામ કરી ન શકો એવી પરિસ્થિતિમાં દવાખાનામાં દાખલ થવું તે હિતાવહ છે. કોરોનાના નવા સ્ટ્રેનમાં કોરોના થયો હોય અને જો તે વ્યક્તિએ માસ્ક ન પહેર્યુ હોય તો તેવી વ્યક્તિ જોડે તમે જાઓ અને જો માસ્ક ન પહેર્યુ હોય તો એકજ મિનિટમાં ચેપ લાગે છે તેવો આ ભયંકર રોગ છે.