સારવાર દરમ્યાન એકલતા ન અનુભવે અને હિમ્મત ન હારે તે માટે
નૂતન હોસ્પિટલમાં દર્દિઓને તણાવમુક્ત વાતાવરણમાં સારવાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં રીપોર્ટ પોઝીટીવ આવતાજ સંક્રમીત હિમ્મત હારી જતા હોય છે. જેના કારણે ઈમ્યુનીટી પાવર ઘટી જાય છે. જે સારવારમાં દર્દિઓ તણાવમુક્ત રહે તે માટે નૂતન હોસ્પિટલના મેડિકલ તથા નર્સીંગ સ્ટાફ દ્વારા મનોરંજન સાથેની સારવાર આપવામાં આવતા દર્દિઓનુ મનોબળ મક્કમ બન્યુ છે.
સામાન્ય સંજોગોમાં દર્દિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે હોસ્પિટલની રૂમમાં ઘરનાજ ત્રણ થી ચાર વ્યક્તિઓ હોય છે. આસપાસ ઘરના લોકોને જોઈ દર્દિને હિમ્મત મળતી હોય છે. જ્યારે કોરોનાની સારવાર એવી છેકે જેમાં દર્દિ એકલાજ હોય છે. સંક્રમણની શક્યતાના કારણે દર્દિની સાથે તેમના સગાને રહેવા દેવામાં આવતા નથી. વળી કોરોનાના કારણે મોટાભાગના દર્દિઓ ગભરાયેલા હોય છે. એક બાજુ ડર અને બીજી બાજુ સગા સબંધી વગરની સારવાર લેતા દર્દિની હિમ્મત જળવાઈ રહે તે માટે હોસ્પિટલમાં એક સારુ વાતાવરણ ઉભુ કરવુ ખુબજ જરૂરી છે. નૂતન કોવીડ હોસ્પિટલમાં ર્ડાક્ટર તથા નર્સીંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવારમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ દિવસ રાત મહેનત કરી રહ્યો છે. ર્ડાક્ટર અને નર્સીંગ સ્ટાફ પોતે તણાવમાં હોવા છતાં દર્દિઓને તણાવ મુક્ત કરવા મનોરંજન પૂરુ પાડવામાં આવ્યુ હતુ. ‘સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા’ ગીત સાથે કોરોના સારવાર લેતા દર્દિઓની વચ્ચે હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ જુમી ઉઠ્યો હતો. જેમની સાથે સારવાર લેતા સિનિયર સિટીઝનોએ પણ સારવાર દરમ્યાન તાળીઓ પાડી મનોરંજન મેળવ્યુ હતુ. નૂતન સર્વ વિદ્યાલયના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે તણાવમુક્ત વાતાવરણમાં સારવાર લેતા દર્દિઓનો વીડીયો વાયરલ કરતા લોકો દ્વારા તેની ભારે સરાહના કરવામાં આવી હતી.