ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નો અને સરપંચોના સહયોગથી
વિસનગર તાલુકાના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરો ધમધમ્યા
એ.પી.એમ.સી. દ્વારા દરેક ગામમાં તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુઃખાવો જેવા કોરોના શંકાસ્પદ લક્ષણોવાળા વ્યક્તિઓને વિનામુલ્યે દવાની કીટ આપી પ્રાથમિક સારવાર અપાશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનાની બીજી લહેરમાં વિસનગર શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોના પોઝીટીવ કેસો નો તીવ્રગતીથી વધારો થઈ રહ્યો છે. ગામડાઓમાં વધતા જતા કોરોના પોઝીટીવ કેસોને અટકાવવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સોમવારના રોજ રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલાની ઉપસ્થિતીમાં તાલુકાના સરપંચો અને તાલુકા-જીલ્લાના ડેલીેગેટો સાથે મિટીંગ યોજી હતી. જેમાં દરેક સરપંચોને ગામના સેવાભાવી લોકોની મદદથી તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુઃખાવો જેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી શહેરના નિષ્ણાંત તબીબોની સલાહ મુજબ એ.પી.એમ.સી. દ્વારા તૈયાર કરવામાં આવેલ દવાની કીટનું વિનામુલ્યે વિતરણ કરવા તેમજ ૯૫ થી વધુ ઓક્સિજન લેવલ ધરાવતા પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ઓછામા ઓછા ૧૦ બેડનું ગામમાં કોવિડ કેર સેન્ટર શરુ કરવા અનુરોધ કર્યો હતો.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં વિસનગર શહેર અને ગામડાઓમાં કોરોના પોઝીટીવ કેસોમાં તીવ્રગતીએ વધારો થઈ રહ્યો છે. કોરોનાના દર્દીથી હોસ્પિટલોમાં બેડ ભરાઈ જતા કોરોના દર્દીઓ સારવાર મેળવવા માટે વળખા મારી રહ્યા છે. કેટલાક દર્દીઓને તાત્કાલિક સારવાર નહી મળતા મોતને ભેટી રહ્યા છે. અત્યારે ગામડાઓમાં કોરોના પોઝીટીવ દર્દીઓ હોમ કોરોન્ટાઈન થવાના બદલે ઘરની બહાર નિકળતા ગામડાઓમાં વધતા જતા સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રાજ્ય સભાના સાંસદ જુગલજી લોખંડવાલા અને તાલુકા આરોગ્ય અધિકારી ડા.આર.ડી.પટેલની ઉપસ્થિતિમાં સરપંચો અને તાલુકા-જીલ્લાના ડેલીગેટો સાથે મિટીંગ યોજી હતી. આ મિટીંગમા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાની આ બીજી લહેરમાં કોરોના કેસો રોકેટગતીએ વધી રહ્યા છે. કોરોના ટેસ્ટીંગ કીટો પુરતા પ્રમાણમાં ન હોવાથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. જેમાં ગામડાઓમાં પ્રાથમિક સારવારના અભાવે કોરોના કેસોનો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે. ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા તાલુકા આરોગ્યખાતાના અધિકારી ડા.આર.ડી.પટેલ, શહેરના સેવાભાવી ડા.અરૂણભાઈ રાજપૂત, ડા.વિષ્ણુભાઈ પટેલ, ડા.કેતનભાઈ જોષી, ડા.આકાશ પટેલ, ડા.તોરલ રાજપૂત જેવા તબીબોની સલાહ મુજબ એ.પી.એમ.સી. દ્વારા દવાની ૪૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી છે. દવાની આ કીટ દરેક ગામમાં તાવ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તીઓને શોધી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ સાથે ગામના સેવાભાવી લોકોની મદદથી દરેક ગામમાં ઓછામા ઓછા ૧૦ બેડનું કોવિડ સેન્ટર શરુ કરી ૯૫ થી વધુ ઓક્સિજન લેવલવાળા કોરોના પોઝીટીવ દર્દીઓને પક્ષપાત રાખ્યા વગર પ્રાથમિક સારવાર આપી ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સરપંચો અને ડેલીગેટોને અપીલ કરી હતી. આ સેવાયજ્ઞમાં એ.પી.એમ.સી.ના કર્મચારીઓ પોતાના બોનસની રૂા.૧૦ લાખ જેટલી રકમ પરત કરી સહયોગ આપ્યો છે. તેમજ આરોગ્યખાતાના અધિકારીઓ અને સ્ટાફ પણ સતત સહયોગ આપી રહ્યા છે. ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ગામના આગેવાનો અને યુવાનોનો પણ સહયોગ લેવા ધારાસભ્યશ્રીએ સરપંચોને જણાવ્યુ હતુ. જ્યારે રાજ્ય સભાના સાંસદ જુગલજી લોખંડવાળાએ જણાવ્યુ હતુ કે, અત્યારે કોરોના મહામારીમાં ડાક્ટર, પેરામેડીકલ સ્ટાફ તથા ઓક્સિજનના બાટલાની અછત છે. ઉર્ૐં ની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર હજુ કારગત નિવડી નથી. રેમડેસિવિરથી હાર્ટ અને કિડની ઉપર અસર થવાની શક્યતા રહે છે. દેશમાં હજુ સુધી કોરોનાની દવા સોંધાઈ નથી. કોરોના વાયરસ કેવીરીતે ફેલાય છે. તેની કોઈને ખબર પડતી નથી. અત્યારે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, ડાક્ટર તથા સ્ટાફનો અભાવ હોવાથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળતી નથી. હાલ ગામડાઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. જેથી દરેક સરપંચોએ ગ્રામજનોના સહકારથી ગામમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરી કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નો કરવા પડશે. જ્યારે તાલુકા આરોગ્ય અધિકારી ડા.આર.ડી.પટેલે જણાવ્યુ હતુ કે, અત્યારે તાવ, શરદી, ઉધરસના દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર નહી મળતા પાછળથી મુશ્કેલીમાં મુકાય છે. ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા કોવિડ કેર સેન્ટર ઉભુ કરવુ જરૂરી છે. અત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓમાં ૯૬ ટકા લોકો સાજા થાય છે. જ્યારે ૪ ટકા લોકોને જ ઓક્સિજન જરૂર પડે છે. કોરોનાના દર્દીને શરુઆતમાં પ્રાથમિક સારવાર મળે તો તે ઝડપી સાજો થઈ જાય છે અને ગંભીર સ્થિતીમાં આવતો અટકી જાય છે. જોકે ગામના કોવિડ કેર સેન્ટરમાં ૯૫ થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. ગામડાઓમાં ઉભા થતા કોવિડ કેર સેન્ટરમાં આરોગ્ય ખાતાના સ્ટાફ તરફથી પુરેપુરો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. આ સાથે કોરોના સંક્રમણથી બચવા શુ તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપ્યુ હતુ. આ ઉપરાંત ટી.ડી.ઓ.મનુભાઈ પટેલ અને પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પણ ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા શું પગલા ભરવા જોઈએ તેનું માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમમા તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, એ.પી.એમ.સી.ના ડીરેક્ટર એલ.કે.પટેલ, પ્રિતેશભાઈ પટેલ, જીલ્લા ડેલીગેટ અરવિંદભાઈ પટેલ, રાજુભાઈ પરમાર, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ કે.સી.પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.