Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ગુરુકુળ સ્કુલમાં ચાલતુ કોવિડ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદરૂપ

$
0
0

સરકારી તંત્રના સહયોગ વગર કાંસા એન.એ.યુવક મંડળ દ્વારા

ગુરુકુળ સ્કુલમાં ચાલતુ કોવિડ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદરૂપ

આ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં મોટેભાગે આમ આદમી પાર્ટીના કાર્યકરો સેવા કરતા હોવા છતાં તેમને સસ્તી રાજકીય પ્રસિધ્ધી મેળવવાનો પ્રયત્ન કર્યો નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર કાંસા રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ટ્રસ્ટ અને કાંસા એન.એ.ગ્રામ પંયાતતના સહયોગથી કાંસા એન.એ.યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગુરુકુળ સ્કુલના વિશાળ હોલમાં ૧૦ ઓક્સિજન બેડ તથા ૧૦ આઈસોલેશન બેડની વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી તંત્રના કોઈપણ પ્રકારના સહયોગ વિના ચાલતુ આ કોવિડ સેન્ટર પ્રાથમિક સારવાર માટે ભટકતા દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબીત થયુ છે. આ કોવિડ સેન્ટરમાં મોટાભાગે આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર નિઃસ્વાર્થભાવે દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે.
કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓને પ્રાથમિક સારવાર મેળવવા રઝળપાટ કરવો પડે છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની અછત વર્તાતા દર્દીઓને ઝડપી સારવાર મળતી નથી. તાત્કાલિક સારવારના અભાવે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા માટે વિસનગર કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ટ્રસ્ટ અને કાંસા એન.એ. ગ્રામપંચાયતના સહયોગથી કાંસા એન.એ.યુવક મંડળ દ્વારા ગુરુકુળ સ્કુલના હવા ઉજાસવાળા વિશાળ હોલમાં ૧૦ ઓક્સિજન બેડ અને ૧૦ આઈસોલેશન બેડનું કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. આ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજનના બાટલા માટે સરકારી તંત્ર જરાય સહયોગ આપતુ નથી. યુવક મંડળના કાર્યકરો સેવાભાવી લોકોના સહયોગથી બહારગામથી ઓક્સિજનનો પુરવઠો લાવી દર્દીઓની સેવા કરી રહ્યા છે. કોરોના મહામારીના લીધે અત્યારે નર્સિંગ સ્ટાફની ખુબજ અછત હોવા છતાં યુવાનોએ છ અનુભવી નર્સની નિમણુક કરી છે. જેઓ આઠ કલાકની ત્રણ શિફ્ટમા સેવા આપી રહ્યા છે. દર્દીઓને ઓક્સિજન સપ્લાય પુરો પાડવા અને દર્દીઓના બેડ ઉપર ઓક્સિજનનું લેવલ સેટ કરવા ટેકનીશીયન તેમજ આઈસોલેશન સેન્ટરમાં સ્વચ્છતા જાળવવા ચાર સ્વીપરોની નિમણુક કરવામાં આવી છે. ઓઈસોલેશન દર્દીઓ તથા તેમની સાથે રહેતા સગાને સવાર-સાંજ ચા-નાસ્તા, બપોરે અને સાંજે હળદળવાળુ દુધ સાથે જમવાનું પટેલ ગીરીશભાઈ ચીમનલાલ (સોમટેક પ્રિકાસ્ટ) તરફથી આપવામાં આવે છે. દરેક દર્દીને જરૂરીયાત મુજબ મિનરલ વોટરની બોટલ તેમજ નાઈટ માર્ટ તરફથી દરેક દર્દીને સાબુ, ટુથપેસ્ટ, શેમ્પુ, તેલ સાથેની એક કીટ ફ્રી મા આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત ચાલી શક્તા ન હોય તેવા દર્દીઓની સેવા માટે પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન તરફથી બે વ્હીલચેર આઈસોલેશન સેન્ટરમાં મળી છે. આ ઉપરાંત અન્ય દાતાઓ પણ આર્થિક સહયોગ આપી રહ્યા છે. આ આઈસોલેશન સેન્ટરમાં કોઈપણ પ્રકારના નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર દર્દીઓની વિનામુલ્યે પ્રાથમિક સારવાર આપવામાં આવતી હોવાથી દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. કાંસા એન.એ. યુવક મંડળે શરુ કરેલા આઈસોલેશન સેન્ટરની જેમ વિસનગર તાલુકાના ગામડાઓમાં પણ કોવિડ આઈસોલેશન સેન્ટર શરુ થઈ રહ્યા છે. આવા આઈસોલેશન સેન્ટરથી ગામના દર્દીઓને ઘરઆંગણે પ્રાથમિક સારવાર મળશે. અને ગામડાઓમાં કોરોના સંક્રમણ થતુ અટકી જશે. પરિણામે સરકારી તંત્રએ કોઈપણ પ્રકારનો રાજકીય દ્રેશભાવ રાખ્યા વગર નિઃસ્વાર્થ ભાવે જીવના જોખમે લોકોની સેવા માટે શરુ કરેલા કોવિડ આઈસોલેશન સેન્ટરમાં જરૂરી ઓક્સિજનનો સપ્લાય, પ્રાથમિક દવાઓ, સેનેટાઈઝરની બોટલ, માસ્ક વગેરે પુરુ પાડવુ જોઈએ. જેથી કોવિડ કેર સેન્ટર ચલાવતા સંચાલકોનો આર્થિક બોજ ઓછો થાય, અને દર્દીઓની સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. અત્યારે તો ગુરુકુળના આ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતા બે સ્વયંસેવક કાર્યકરો દર્દીઓની સેવા કરતા સંક્રમીત થયા છે. આ સેવાકાર્યમાં એન.એ.યુવક મંડળના પ્રશાંતભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, રવિભાઈ જે.પટેલ, કૃણાલભાઈ, ભરતભાઈ, ભાર્ગવભાઈ, વૈભવ, જૈમિન, સચિન, કેતુલ, નિશાંત, રાજ, દિક્ષીત, હર્ષિલ, ભાવેશભાઈ, રમેશભાઈ, જયેશ જેવા સ્વયંસેવકો જીવના જોખમે પોતાના પરિવારના સભ્યની જેમ રાત-દિવસ કોરોના પોઝીટીવ દર્દીઓની સેવા કરી રહ્યા છે. જેમાં મોટાભાગના યુવકો આમ આદમી પાર્ટીના સક્રીય કાર્યકર છે. છતાં તેમને સસ્તી રાજકીય પ્રસિધ્ધિ મેળવવાનો જરાય પ્રયત્ન કર્યો નથી. કાંસા એન.એ.યુવક મંડળની આવી નિઃસ્વાર્થ સમાજસેવા અને માનવતાને તાલુકાના લોકો બિરદાવી રહ્યા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles