કડા સિધ્ધેશ્વરી માતાનું મંદિર ટ્રસ્ટ કરોડોનું ભંડોળ ધરાવતા મંદિરો માટે આદર્શ રૂપ
કડા મંદિરના રૂા.૧૮ લાખ દાનથી રોટરીમાં નવી એમ્બ્યુલન્સ સેવા
• મંદિરોમાં આવતુ દાન સમાજના ઉપયોગ માટે તથા મહામારીમા લોક સ્વાસ્થ્ય માટે ઉપયોગમા લેવુ જોઈએ
• નૂતન હોસ્પિટલમાં પણ આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રૂા.૧૪ લાખનું દાન આપવામાં આવ્યુ છે.
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મંદિરોમા આવતા દાનની એફ.ડી.ઓ. કરવામાં આવે છે. જે દાનની આવક મંદિરના વિકાસમા વપરાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમા વિસનગર તાલુકાનુ કડા સિધ્ધેશ્વરી મંદિર અપવાદરૂપ છે. આ મંદિરમા આવતી દાનની રકમ સમાજમા ઉપયોગ માટે અને લોક સ્વાસ્થ્ય માટે વાપરવામાં આવે છે. મંદિરમા આવતા દાનનો મંદિરના ટ્રસ્ટીઓના ઉમદા પ્રયત્નોથી સદમાર્ગે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રોટરી ક્લબ ઓફ વિસનગરને રૂા.૧૮ લાખનું દાન કરવામાં આવતા રોટરી ક્લબ દ્વારા નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. જેનુ લોકાર્પણ સિધ્ધેશ્વરી માતાના આશીર્વાદથી કરવામાં આવ્યુ હતું.
કડા સિધ્ધેશ્વરી માતાનું મંદિર એ પંથક માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ મંદિરના ટ્રસ્ટીઓની પ્રયત્નોથી મંદિર ટ્રસ્ટ લોક સેવા કરતી સંસ્થાનું પ્રતિક મેળવ્યુ છે. સિધ્ધેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ માટે રોટરી ક્લબ ઓફ વિસનગરને રૂા.૧૮ લાખનું દાન આપવામાં આવ્યુ હતુ. જે દાનમાથી નવી એમ્બ્યુલન્સ લાવી રોટરી ક્લબ દ્વારા કડા મંદિર ખાતે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ કનુભાઈ બી.પટેલ વકીલ, મંત્રી ઈશ્વરભાઈ પટેલ અન્ય ટ્રસ્ટીઓ રમેશભાઈ પટેલ, સોમાભાઈ પટેલ, ગાંડાભાઈ પટેલ તથા કર્મચારી ગણની ઉપસ્થિતીમા નવી એમ્બ્યુલન્સનું રોટરી ક્લબના ડા.જે.સી. પટેલ, ડા.જે.એન.ઝવેરી, જગદીશભાઈ પટેલ, ક્લબના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, સેક્રેટરી અનીલભાઈ પટેલ, રાહુલભાઈ શાહ તથા ગજેન્દ્રકુમાર દોશીની ઉપસ્થિતીમા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
દર્દી ગંભીર પરિસ્થિતિમા હોય તે સમયે શીફ્ટ કરવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે. આવી મહામારીમા ઓક્સિજનની સવલત સાથેની એમ્બ્યુલન્સ ખુબજ જરૂરી છે. દર્દીને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સ ભગવાનના રથ બરાબર લાગે છે. રોટરી ક્લબ વિસનગર વર્ષોથી તેની સેવાઓ માટે સરાહનીય કામગીરી કરી રહી છે. લગભગ છ વર્ષ પહેલા કડી સિધ્ધેશ્વરી માતા મંદિર ટ્રસ્ટ તરફથી રોટરી ક્લબ વિસનગરને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. જે એમ્બ્યુલન્સ જુની થતા કડા મંદિરના ટ્રસ્ટીઓના ધ્યાન ઉપર આવતા તેમણે સહર્ષ સ્વૈચ્છીક રીતે રોટરી ક્લબને એમ્બ્યુલન્સ માટે દાન આપવાની ઓફર કરી હતી. મંદિર ટ્રસ્ટની લોક સ્વાસ્થ્યમા દાન કરવાની ઓફરથી રોટરી ક્લબના સભ્યો ગદગદીત થયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ માટે રોટરી ક્લબને રૂા.૧૮ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જેમાથી એક નવી એમ્બ્યુલન્સ ખરીદી લોકાર્પણ કરવામાં આવ્યુ.
કડા મંદિર ટ્રસ્ટ દ્વારા માતબર રકમનુ દાન આપી એ સાબીત કરી બતાવ્યુ છે કે, મંદિરમાં આવતા દાનનો સમાજ ઉપયોગમા ખર્ચ થવો જોઈએ. સિધ્ધેશ્વરી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દાનનો વર્ષોથી સમાજ ઉપયોગી સદ્ ઉપયોગ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રાહતદરે નોટો આપવામાં આવે છે. કોરોના મહામારીમા કડા ગામમાં વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામા આવ્યુ હતુ. વધુ મહત્વની બાબતતો એ છે કે, મહામારીમા વેન્ટીલેટર સાથેની એમ્બ્યુલન્સ સેવા માટે લોકોએ રૂા.૨૫,૦૦૦થી લઈ રૂા.૭૦,૦૦૦નું ભાડુ ખર્ચવુ પડ્યુ છે. જીલ્લામાં વેન્ટીલેટર સાથેની એમ્બ્યુલન્સ સેવા નહીવત છે. જેમની પાસે છે તેમણે ઉંચા ભાડા લઈ તકનો લાભ ઉઠાવ્યો છે. ઓક્સિજન, વેન્ટીલેટર, સક્શન મશીન એક ડાક્ટર તથા નર્સ સાથેની એમ્બ્યુલન્સ ઓન વ્હીલની સેવા વિસનગર પંથકના લોકોને મળતી થાય તે માટે સિધ્ધેશ્વરી માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રોટરી ક્લબની રજુઆત સ્વિકારી નૂતન હોસ્પિટલમા એમ્બ્યુલન્સ માટે દાન આપવા સંમતી આપી હતી. એમ્બ્યુલન્સ ઓન વ્હીલની જાળવણી તથા તેમા એક ડાક્ટર તથા નર્સનો સ્ટાફ ફાળવવો કોઈ નાની સંસ્થા કે હોસ્પિટલ માટે શક્ય ન હોતુ. સાંકળચંદ પટેલ યુનિર્વસિટીના ચેરમેન પ્રકાશભાઈપટેલે એમ્બ્યુલન્સ ઓન વ્હીલની તમામ જવાબદારી સ્વિકારતા કડા મંદિર ટ્રસ્ટ દ્વારા રૂા.૧૪ લાખનુ દાન આપવામાં આવ્યુ હતુ. રૂા.૩૫ થી ૪૦ લાખના ખર્ચે આ એમ્બ્યુલન્સ તૈયાર થઈ હોવાથી તેમા રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા રૂા.૧૦ લાખનુ દાન આપવામાં આવ્યુ હતુ.
આમ કડા સિધ્ધેશ્વરી માતાના મંદિર ટ્રસ્ટ મંદિરમા આવતા દાનનો વિવિધ સેવાકીય કાર્યોમા ઉપયોગ કરે છે. ભારતમાં વર્ષે કરોડોનુ દાન મેળવતા મોટા મંદિરો છે. ત્યારે આ મંદિરો માટે કડા મંદિરના ટ્રસ્ટીઓની લોક સેવામા દાન આપવાની પ્રવૃતિ માર્ગદર્શક રૂપ છે. કડા મંદિર ટ્રસ્ટ દ્વારા રૂા.૧૮ લાખની એમ્બ્યુલન્સ માટે દાન આપતા રોટરી ક્લબ ઓફ વિસનગર તથા આપી પ્રિવેન્ટીવ હેલ્થ ક્લીનીક મંદિરના ટ્રસ્ટીઓનો તથા કડા ગ્રામજનોનો આભાર માન્યો હતો.