વિસનગર માર્કેટયાર્ડની દવાઓએ સંક્રમીતમાં કોરોના ઉગતો ડામ્યો
ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ ‘મારો તાલુકો કોરોનામુક્ત તાલુકો’ અભિયાન
સંગઠનના અને ચુંટાયેલા હોદ્દેદારોના કારણે ઝડપી કેમ્પ તથા દવા વિતરણ શક્ય બન્યુ છે-ધારાસભ્ય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના બીજા તબક્કામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની દિર્ઘદ્રષ્ટી અને કુનેહથી શંકાસ્પદોને શોધી માર્કેટયાર્ડ દ્વારા વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવતા ઘણા લોકોને હોસ્પિટલ સુધી જવુ પડ્યુ નથી. માર્કેટયાર્ડ દ્વારા ૧૪૫૦૦ દવાની કિટનુ વિતરણ કરવામાં આવ્યુ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મારો તાલુકો કોરોના મુક્ત તાલુકો અભિયાન ઉપાડ્યુ છે. હજુ એક માસ સુધી દવાઓનો સ્ટોક ખુટશે નહી તેવુ ધારાસભ્યએ જણાવ્યુ છે. જોકે દવાઓની કિટ વિતરણનો શ્રેય સંગઠનના અને ચુંટાયેલી પાંખના હોદ્દેદારોને આપ્યો છે.
કોરોનાના બીજા તબક્કામાં સંક્રમણ એટલી હદે વધ્યુ હતું કે તેને અંકુશમાં કંઈ રીતે લેવુ તે એક સવાલ હતો. સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા મળતી નહોતી. ઓક્સીજન વગર લોકો પાણી વગર માછલીની જેમ તરફડતા હતા અને જીવ ગુમાવતા હતા. આવા સમયમાં કોરોનાના કેસ ઘટે તે ખુબજ જરૂરી હતુ. ત્યારે સરકાર દ્વારા મારૂ ગામ કોરોનામુક્ત ગામનુ અભિયાન ઉપાડ્યુ. ત્યારે વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મારો તાલુકો કોરોના મુક્ત તાલુકાનુ ભગીરથ કાર્ય ઉપાડ્યુ હતુ. જે માટે તાલુકાના ગામડાઓ તથા શહેરમાં મેડિકલ કેમ્પ કરી કોરોનાની શરૂઆતના દર્દિઓને શોધવાના હતા. આ દર્દિઓને સમયસર દવા મળે તો હોમ આઈશોલેશનમાંજ સ્વસ્થ થાય તે માટેનો પ્રયાસ હાથ ધર્યો. જે માટે દવાઓની મોટા પ્રમાણમાં કીટની જરૂરીયાત હતી. જરૂરીયાતમંદ લોકો આર્થિક પરિસ્થિતિના કારણે દવાઓ લાવી શકવા સક્ષમ નહોતા. ત્યારે ધારાસભ્યના પ્રયત્નોથી એપીએમસી કોવીડ કેર ફંડમાં દાનનો પ્રવાહ શરૂ થયો. જેનાથી ધારાસભ્યનો પણ જુસ્સો વધ્યો અને દવાઓની કીટ બનાવી વિનામુલ્યે વિતરણ કરવાનુ આયોજન કર્યુ. તાલુકાના ગામે ગામ કેમ્પ કરી આરોગ્ય વિભાગને સાથે રાખી કોરોના શંકાસ્પદોને શોધી વિનામુલ્યે માર્કેટયાર્ડની દવાઓની કીટ આપી. જેના કારણે શહેર અને તાલુકાના લોકો કોરોનાની ગંભીર અસરમાંથી બચ્યા. સમયસર દવાઓ મળતા હોસ્પિટલોમાં પણ ઘસારો ઓછો થયો.
એપીએમસી કોવીડ કેર ફંડમાંથી અત્યાર સુધી ૧૪૫૦૦ દવાઓની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ છે. અર્બન હેલ્થ સેન્ટર, સી.એચ.સી. તથા પી.એચ.સી.માં દવાઓનો ઓછો સ્ટોક હોવાથી આરોગ્ય કર્મચારીઓની વિનંતીથી ૨૫૦૦ કીટ આપી. વડનગર તાલુકા પંચાયત પ્રમુખ તથા માર્કેટયાર્ડના ડીરેક્ટર પરેશભાઈ પટેલને ૩૦૦૦ દવાઓની કીટ આપી. ત્યારે બાકીની ૯૦૦૦ કીટનુ વિસનગર શહેર અને તાલુકાના ગામડામાં વિતરણ કરાયુ. હજુ એક મહીનો દવાઓ ખુટશે નહી તેટલો સ્ટોક હોવાનુ ધારાસભ્યએ જણાવ્યુ છે. જરૂરીયાત મુજબના કોરોના શંકાસ્પદોને દવા કીટ વિતરણ કરવાનો અને કેમ્પ કરવાનો શ્રેય ધારાસભ્યએ ભાજપ સંગઠનના અને ચુંટાયેલી પાંખના હોદ્દેદારોને આપ્યો છે. ધારાસભ્યએ જણાવ્યુ છેકે, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ તથા શહેર સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત પ્રમુખ સુમીત્રાબેન પટેલ તથા તાલુકા પંચાયતના સદસ્યો, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ તથા પાલિકા સભ્યોના અથાગ પ્રયત્નોથી અને માર્કેટયાર્ડના ડીરેક્ટરોના પ્રયત્નોથી દવાઓની કીટનુ યોગ્ય વિતરણ થયુ છે. ભાજપ સંગઠનના અને ચુંટાયેલા હોદ્દેદારોના કારણે ઝડપી કેમ્પ થતા, સમયસર દવાઓનુ વિતરણ થતા તાલુકા તથા શહેરના લોકો કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી બચ્યા છે. મેડિકલ કેમ્પ કરનાર આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા દવા વિતરણમાં સહકાર આપનાર તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓનો ધારાસભ્યએ આભાર માન્યો છે.