ભાજપે પાલિકામાં વિકાસ નહી પરંતુ ગંદુ રાજકારણ શરૂ કર્યુ
પ્રમુખ વર્ષાબેન પટેલ ઉપર પ્રેશર ટેકનિકનો કલાકોમાં અંત
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાંથી કેટલાક નવરા પડતા પાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવાની જગ્યાએ ગંદુ રાજકારણ શરૂ કરી શહેરનુ વાતાવરણ ડહોળવાની શરૂઆત કરી છે. ગાંધીનગર રજુઆત કરવા જવાનુ જણાવી સભ્યોને ધારાસભ્ય કાર્યાલયમાં એકઠા કરવામાં આવ્યા હતા. પ્રમુખ જુથના સભ્યો સીવાયના મોટાભાગના સભ્યોએ હાજરી આપી હતી. પ્રમુખ વર્ષાબેન પટેલને ઉથલાવવા પ્રેશર લાવવા સભ્યોને એકઠા કરાયા હોવાની ચર્ચાથી ભારે હોબાળો થયો હતો. છેવટે ધારાસભ્ય નિવાસ્થાને મીટીંગ કરી સભ્યોની રજુઆત સાંભળી હતી અને પ્રમુખ ઉપરની પ્રેશર ટેકનિકનો કલાકોમાં અંત આવ્યો હતો. ભાજપ શાસીત પાલિકામાં નવા બોર્ડની શરૂઆતમાંજ જુથવાદ શરૂ થતા ભાજપને મત આપી ખોટુ તો નથી કર્યુ ને તેવુ લોકો અત્યારથી વિચારતા થઈ ગયા છે.
ધારાસભ્ય સાથે ગાંધીનગર રજુઆત કરવા જવાનુ જણાવી સભ્યોને એકઠા કર્યા
ગત બોર્ડમાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનના શાસનની શરૂઆતમાં સભ્યો એકસંપ થઈ શહેરના વિકાસની શરૂઆત કરી હતી. નવા બોર્ડમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. ત્યારે એકસંપ થઈ વિકાસ કરવાની જગ્યાએ જુથવાદ અને ગંદુ રાજકારણ શરૂ કરતા ગઠબંધનના બોર્ડને સારૂ કહેવડાવી રહ્યા છે. આમેય પાલિકાનો ઈતિહાસ છેકે નવુ બોર્ડ જુના બોર્ડને સારૂ કહેવડાવે છે. તા.૨૪-૫ ની રાત્રે ૯-૦૦ વાગ્યા પછી પ્રમુખ વર્ષાબેન પટેલ ગૃપ સીવાયના તમામ સભ્યોને ફોન કરી જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સાથે ગાંધીનગર રજુઆત કરવા જવાનુ હોવાથી સવારે ૯-૦૦ વાગે ધારાસભ્ય કાર્યાલયે હાજર થઈ જવુ. જેમાં ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલની સુચનાથી ફોન કરવામાં આવ્યા હતા તેવુ જાણવા મળ્યુ છે. પાલિકા સભ્યો તા.૨૫-૫ ના રોજ ધારાસભ્ય કાર્યાલયે એકઠા થયા હતા. કેટલાક મહિલા સભ્યોના પતિદેવોએ હાજરી આપી હતી. ધારાસભ્ય કાર્યાલયે મીટીંગ શરૂ થતા પ્રમુખને ઉથલાવવા મીટીંગ બોલાવ્યાની ચર્ચાથી રાજકારણ ગરમાયુ હતુ. મીડીયા ધારાસભ્ય કાર્યાલયે પહોચ્યુ હતુ. જ્યા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા એવુ જણાવ્યુ હતું કે, પાણીની સમસ્યાના પ્રશ્ને મીટીંગ બોલાવી છે. પાલિકા સભ્યો સ્વયંભુ એકઠા થયા છે. પોતપોતાની રીતે આવ્યા છે. સભ્યોને ફોન કરીને બોલાવ્યા છે તે વાત ઉપપ્રમુખે છુપાવી હતી. શહેરના પાણીનો પ્રશ્ન હતો તો પ્રમુખ વર્ષાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ તેમજ પાલિકા સભ્ય વિજયભાઈ પટેલ, આર.ડી.પટેલ વિગેરે સભ્યો હાજર હોવા જોઈએ ત્યારે આ હોદ્દેદારો ગેરહાજર હતા. ધારાસભ્ય સાથે ગાંધીનગર જવાનુ છે ત્યારે ધારાસભ્ય ક્યાં છે તેવો પણ કેટલાક સભ્યોએ પ્રશ્ન કર્યો હતો.
ધારાસભ્ય કાર્યાલયે હોબાળો થતા તમામ સભ્યોને ધારાસભ્યના નિવાસ્થાને લઈ જવામાં આવ્યા હતા. જ્યા ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુ ચર્ચાઓ થઈ તેની જાણવા મળેલી માહિતી પ્રમાણે પ્રમુખના પતિ હિમાંશુભાઈ પટેલ પાલિકામાં અવરજવર શરૂ કરી હોવાથી તેનો વિરોધ કરાયો હતો. મીટીંગમાં પાણીના પ્રશ્ને પણ ચર્ચા થઈ હતી. સભ્યોને પ્રમુખ યોગ્ય જવાબ આપતા નથી. ઉપપ્રમુખનો પણ વિરોધ થાય છે તો પ્રમુખ અને ઉપપ્રમુખ બન્નેને બદલવાની ચર્ચાઓ થઈ હતી. જ્યાં ધારાસભ્યની અવગણના થતી હોય ત્યાં જવુ જોઈએ નહી તે બાબતે પણ ચર્ચા થઈ હતી. ધારાસભ્યની દરમ્યાનગીરીથી ગાંધીનગર રજુઆત કરવા જવાનુ પડતુ મુકવામાં આવ્યુ હતુ.
મીટીંગ બાબતે પ્રમુખ વર્ષાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ તથા પાલિકા સભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મીટીંગ બાબતે અમને કોઈ જાણ કરવામાં આવી નથી. પ્રમુખે વધુમાં જણાવ્યુ હતુ કે, સોમવારની રાત્રે કેટલાક મહિલા સભ્યોનો ફોન આવ્યો હતો. ગાંધીનગર જવા ધારાસભ્ય કાર્યાલયે એકઠા થવાનુ છે તેનુ શુ છે. ત્યારે મને કોઈ વાતની જાણ નથી તેવો જવાબ આપ્યો હતો. પ્રમુખે રોષ ઠાલવ્યો હતો કે ભેગા થઈ શહેરનુ કામ કરવાનુ છે. ત્યારે કેટલાક કામ કરવા નિકળ્યા છેકે પોતાની સત્તા હાંસલ કરવા નિકળ્યા છે?
મીટીંગ બોલાવવા પાછળની ચર્ચાની માહિતી પ્રમાણે નૂતન હોસ્પિટલમાં લોકાર્પણ કાર્યક્રમ કરાયો તેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યુ નહોતુ. કાર્યક્રમમાં ધારાસભ્યની અવગણના કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં પ્રમુખ વર્ષાબેન પટેલ ઉપસ્થિત રહેતા તેમને પ્રેશરમાં લાવવા માટે પ્રમુખ વિરોધની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. જોકે ધારાસભ્યના નામે ફોન કરી સભ્યોને એકઠા કરવામાં આવ્યા હતા. તો ફરીથી સભ્યોએ આવા ફોન આવે તો એકઠા થવુ કે નહી તેનો પણ સભ્યોમાં ગણગણાટ જોવા મળ્યો હતો.
↧
ભાજપે પાલિકામાં વિકાસ નહી પરંતુ ગંદુ રાજકારણ શરૂ કર્યુ પ્રમુખ વર્ષાબેન પટેલ ઉપર પ્રેશર ટેકનિકનો કલાકોમાં અંત
↧