તંત્રી સ્થાનેથી…
કેન્દ્રની ભાજપ સરકાર કોંગ્રેસને આંદોલન કરવા પ્રેરે છે
ગત લોકસભાની ચુંટણી સમયે ભાજપ પક્ષે તેના ચુંટણી ઢંઢેરામાં જાહેરાત કરી હતી કે, જો ભાજપની સરકાર કેન્દ્રમાં બેસશે તો મોઘવારી ઘટશે અને રોજગારીની તકો વધશે આ જાહેરાત સરકાર બેઠા પછી બિલકુલ ખોટી સાબિત થઈ છે. ડીઝલ – પેટ્રોલ એ મોઘવારી વધારવાના પાયાનું એક અંગ છે. ડીઝલ – પેટ્રોલ ઉપર મોઘવારીનો આંક વધતો જાય છે. અત્યારે ડીઝલ પેટ્રોલ ભડકે બળી રહ્યા છે. તેમાં મોઘવારીએ માઝા મૂકી છે. ડીઝલ પેટ્રોલની પાછળ ખાદ્ય તેલો, અનાજ, કઠોળ, કરીયાણું, ખાંડ, ગોળ બધુ જ વધી રહ્યુ છે, છતાં ભાજપના કેન્દ્રના નેતાઓની આંખ ઉઘડતી નથી કે પ્રજા પીસાઈ રહી છે. પ્રજા પાસે બીજો રાજકીય વિકલ્પ નથી તેથી લોકો ચૂપચાપ સહન કરી રહ્યા છે. પૈસાદાર વર્ગને બાદ કરતાં ગરીબ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગને મોઘવારી નડી રહી છે. આ વર્ગના લોકોના પેટ્રોલપંપ ઉપર જાય ત્યારે બીલના પૈસા જોઈ નાકનું ટેરવુ ચડી જાય છે. જે જરૂરીયાત છે તેના વિના ચાલવાનું નથી. જેથી બીજા ખર્ચમાં કાપ મૂકી ડીઝલ પેટ્રોલ પાછળ મને-કમને ખર્ચ કરવો પડે છે. અત્યારે વિરોધ પક્ષનું અસ્તિત્વ નથી છતાં કોંગ્રેસ દેશ વ્યાપી આંદોલન ચલાવે છે. ભલે તેને પ્રજાનો ટેકો નથી પણ પ્રજા એટલી હદે પીડાશે ત્યારે તે કોંગ્રેસના આંદોલનને ટેકો આપી દેશે ત્યારે ભાજપ પાર્ટીના પગ નીચેથી જમીન ખસી જશે. અત્યારે અમારી સરકાર છે અમને કોઈ બોલનાર નથી તેમ સમજી ભાજપની સરકાર બિનદાસ્ત મોઘવારી વધારે જાય છે જે ભાજપને જ નડવાનું છે. વિરોધી ભલે નાનો હોય પણ તેની સામે ધ્યાન રાખવું જોઈએ. જે કેન્દ્રની ભાજપ સરકાર સમજતી નથી અને દિન-પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારી આંદોલનકારીઓને બળપૂર્વક આંદોલન કરવા પ્રેરે જાય છે તે એક ભૂલ છે. આવી ભૂલ ગુજરાતના સી.એમ.ચીમનભાઈ પટેલે કરી હતી. એલ.ડી.કોલેજની હોસ્ટેલમાં ફૂડ બીલ વધારો થતાં તેનો વિરોધ વિદ્યાર્થીઓએ કર્યો હતો અને નાનું આંદોલન ચાલુ થયુ હતુ. તે વખતે ચીમનભાઈ પટેલની સરકારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન પતાવી નાંખ્યો હોત તો તેમને સી.એમ. પદ છોડવા વારો આવ્યો નહોત. એલ.ડી. હોસ્ટેલનુ આંદોલન કોલેજમાં ચાલ્યુ ત્યારબાદ તે અમદાવાદ વ્યાપી બન્યુ અને નવ નિર્માણના નામે સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયુ. નવ નિર્માણનું આંદોલન એટલી હદે વર્ક્યુ કે ચીમનભાઈની સરકારે રાજીનામું આપવું પડ્યું. આવુ જ કંઈક ડીઝલ પેટ્રોલ માટે આંદોલન કરતી કોંગ્રેસ માટે પણ બની શકે છે. લોકો મોઘવારીથી સખત હેરાન થઈ રહ્યા છે તે ફક્ત એક ચિનગારીની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકારે ગુજરાતનો દાખલો લઈ મોઘવારી ઘટાડવાના પગલા લેવા જોઈએ. ડીઝલ – પેટ્રોલના ભાવ ઘટાડવાનું કેન્દ્રના હાથમાંજ છે. ડ્યુટી ઘટશે તો ડીઝલ પેટ્રોલ સસ્તુ થાય. ડીઝલ પેટ્રોલ થોડુ ઘણું સસ્તુ થાય તો પણ લોકો હાશકારો અનુભવશે અને મોઘવારીનો આંક નીચો આવશે. કેન્દ્રની ભાજપ સરકાર મોઘવારી વધારી કોંગ્રેસને આંદોલન કરવાનું બળ આપવાનું બંધ કરે તે ભાજપના હિતમાં છે.