ભાજપનાજ બે જુથ ટકરાય તેવી સ્થિતિ
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીની મંજુરી મળતા સહકારી રાજકારણ ગરમાયુ
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ત્રીજી ટર્મ ચેરમેન રહી શકશે નહી, ચેરમેન કોણ તેની પણ અટકળો શરૂ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીની અસર ઓછી થતાની સાથે જીલ્લા કલેક્ટરે કોવીડ ગાઈડલાઈનના પાલન સાથે માર્કેટયાર્ડ અને સહકારી મંડળીઓમાં ચુંટણીની મંજુરી આપી છે. વિસનગર સહીત ખેરાલુ અને સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણીની મંજુરીને લઈ સહકારી ક્ષેત્રનુ રાજકારણ ગરમાયુ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વિસનગર માર્કેટયાર્ડમાં ભાજપના બે જુથ ટકરાય તેવી શક્યતા છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ હવે ત્રીજી ટર્મ ચેરમેન રહી શકશે નહી ત્યારે માર્કેટયાર્ડના ચેરમેન કોણ તેની પણ અટકળો શરૂ થઈ ચુકી છે.
વિસનગર માર્કેટયાર્ડની મુદત તા.૧૨-૫ ના રોજ પુરી થઈ ગઈ હતી. પરંતુ કોરોના મહામારીમાં ચુંટણી યોજી શકાય તેમ ન હોઈ તા.૩૦-૬ સુધી મુદત વધારવામાં આવી હ તી. ત્યારબાદ કોરોનાની અસર નહીવત થતા સરકાર દ્વારા ટુંક સમયમાં માર્કેટયાર્ડની ચુંટણીઓ પુર્ણ કરવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે આધારે જીલ્લા કલેક્ટર દ્વારા માર્કેટયાર્ડની ચુંટણીની મંજુરી આપવામાં આવી છે. ચુંટણીમાં કોવીડ ગાઈડલાઈનનુ પૂર્ણ પાલન કરવાનુ રહેશે. જોકે જીલ્લા કલેક્ટરની મંજુરી પહેલા વિસનગર માર્કેટયાર્ડના બોર્ડ રૂમમાંં છેલ્લી જનરલ તા.૨૮-૭ ના રોજ મળી હતી. જેમાં તંદુરસ્ત ચર્ચાઓ સાથે જનરલ પુર્ણ કરી ચા પીને ડીરેક્ટરો છુટા પડ્યા હતા.
જીલ્લા કલેક્ટર દ્વારા મંજુરી આપતા હતા નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચુંટણી કાર્યક્રમનુ ટુંક સમયમાંજ જાહેરનામુ બહાર પડે તેવી શક્યતા છે. જે જાહેરનામા બાદ ખેડૂત વિભાગના-૧૦, વેપારી વિભાગના-૪ અને સહકારી ખરીદ વેચાણ મંડળીના-૨ ડીરેક્ટરો માટેની ચુંટણીનો ખરો ધમધમાટ જોવા મળશે. જોકે માર્કેટયાર્ડની ચુંટણીમાં જાહેરનામાથી લઈ ચુંટણી સુધીની પ્રક્રિયામાં ત્રણેક માસની મુદત હોય છે. જાહેરનામા બાદ દરેક વિભાગની મતદાર યાદી અને મત આપવાના અધિકારની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવશે અને વાંધા સુચનો મંગાવવામાં આવશે.
જીલ્લા કલેક્ટરની મંજુરી બાદ વિસનગર સહકારી ક્ષેત્રના રાજકારણમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. સહકારી ક્ષેત્રનુ રાજકારણ ગરમાયુ છે. જોકે જાણવા મળ્યા પ્રમાણે ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલે તો એક વર્ષ પહેલા માર્કેટયાર્ડની ચુંટણીની તૈયારીઓ કરી પીક્ચર પૂરુ કરી દીધુ છે. તેમ છતાં સત્તા ક્યારેય કોઈ એકની રહી નથી. માર્કેટયાર્ડની ચુંટણીમાં કોંગ્રેસમાંથી કોઈ સામે આવે તેવી આગેવાની દેખાતી નથી. પરંતુ ભાજપનો જુથવાદ માર્કેટની ચુંટણીમાં ડોકાય તેવી પુરેપુરી શક્યતાઓ દેખાઈ રહી છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સામે પ્રકાશભાઈ પટેલ, જશુભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ કે.કે.ચૌધરી વિગેરે પેનલ લઈને ઉતરે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જોકે આ જુથમાં ધારાસભ્ય સામે માર્કેટયાર્ડની ચુંટણી લડવાનો કોઈ મક્કમ નિર્ણય જોવા મળ્યો નથી. પરંતુ ચુંટણી થશે તો ભાજપનાજ જુથ સામે આવશે તે ચોક્કસ વાત છે.
સહકારી ક્ષેત્રના નવા નિયમો મુજબ માર્કેટયાર્ડમાં સતત ત્રીજી ટર્મ ચેરમેન પદે રહી શકાતુ નથી. જેથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન બની શકશે નહી. પરંતુ તેમના અનુગામી કોણ તેની અટકળોમાં તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટર એલ.કે.પટેલ, પ્રીતેશભાઈ પટેલ તથા તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરીનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. જોકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના મનમાં શુ હોય છે તે ક્યારેય કોઈ કળી શક્યુ નથી. જોકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો માર્કેટયાર્ડમાં ચેરમેન કાળનો બીનભ્રષ્ટાચારી અને પારદર્શક વહીવટ તેમજ માર્કેટયાર્ડના વિકાસનો લાભ ચુંટણીમાં મળશે તેમાં પણ કોઈ બે મત નથી.