વિસનગરમાં પોતાની ક્રેડીટ સોસાયટીની સ્થાપના માટે વેપારીઓમાં અનેરો ઉત્સાહ
કોપરસીટી ક્રેડીટની ઓફીસ દાતાઓના સહકારથી સજ્જ થશે
ક્રેડીટ સોસાયટીની ઓફીસ માટે દાન ભેટ મળ્યુ હોય તેવો પ્રથમ બનાવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના વેપારીઓમાં પોતાની કોપરસીટી કોમર્શિયલ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીની સ્થાપનાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રેડીટ સોસાયટીના ઓફીસની સાધન સામગ્રી માટે દાતાઓને અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોમ્પ્યુટરથી કાઉન્ટર સુધીની તમામ વસ્તુઓના દાનની દાતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોઈ ક્રેડીટ સોસાયટી માટે આટલી દાન ભેટ મળી હોય તેવો ગુજરાતમાં કદાચ પ્રથમ બનાવ હશે. આમેય રાજુભાઈ પટેલ આર.કે.એ જે સંસ્થાના વિકાસનુ સુકાન સંભાળ્યુ છે તેમાં દાતાઓએ દાન આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી. અને તેની પાછળનુ એકમાત્ર કારણ છે રાજુભાઈ પટેલની નિઃસ્વાર્થ ભાવે સેવા.
કોપરસીટી મરચન્ટ એસોસીએશન દ્વારા વિસનગરના વેપારીઓ સાથે સમાજ સેવાનુ પણ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યુ છે. સભાસદ અકસ્માત વિમા યોજના, કોરોના શૈક્ષણીક સહાય યોજના, વોલન્ટરી બ્લક બેંક જેવી વિવિધ યોજનાઓનો શહેરના વેપારીઓ સાથે નાગરિકો પણ લાભ લઈ રહ્યા છે. કોપરસીટી વેપારી મહામંડળની સભામાં કોપરસીટી કોમર્શિયલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી સ્થાપવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાપક ચેરમેન તરીકે રાજુભાઈ પટેલ અને મુખ્ય પ્રયોજક મેનેજીંગ ડિરેક્ટર તરીકે પટેલ કિર્તિભાઈ કલાનિકેતનને જવાબદારી સોપવામાં આવી હતી. આ સંસ્થાના રજીસ્ટ્રેશન માટેની કામગીરીની શુભ શરૂઆત થઈ ચુકી છે. જ્યારે આનંદની બાબત છેકે, સંસ્થાની નોધણી પહેલા કાર્યાલયની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્યાલય માટે દાનભેટની અપીલ કરવામાં આવતા તમામ સુવિધાઓ દાનભેટથી પુર્ણ કરવામાં આવી છે. સંસ્થાની ઓફીસ માટે કોમ્પ્યુટરથી કાઉન્ટર સુધી તમામ દાતાઓ નોધાઈ ગયા છે.
રાજુભાઈ પટેલ આર.કે.ના સંચાલન હેઠળના સાર્વજનિક સ્મશાનમાં તથા વિસનગર વોલન્ટરી બ્લક બેંકમાં જે રીતે દાતાઓએ દાન આપવા ઉત્સાહ દાખવ્યો હતો અને દાન માટે લાઈન લગાવી હતી તેવીજ રીતે ક્રેડીટ સોસાયટીમાં પણ વિવિધ દાન આપવા દાતાઓનો ઉત્સાહ જોવા મળ્યો છે. કોઈ ક્રેડીટ સોસાયટીને દાન ભેટ મળ્યુ હોય તેવુ ગુજરાતમાં કદાચ પ્રથમ બનાવ હશે. વેપારીઓ અને દાતાઓનો આટલો ઉત્સાહ જોતા ક્રેડીટ સોસાયટીનો ઝડપથી વિકાસ થશે અને એક-બે વર્ષમાં માલિકીનુ મકાન ખરીદશે. પરંતુ ત્યાં સુધી ક્રેડીટ સોસાયટીના સ્થાપક ચેરમેન રાજુભાઈ પટેલે પોતાની ધરોઈ કોલોની રોડ તિરૂપતી ટાઉનશીપ પાસે આર.કે. કોમ્પલેક્ષમાં આવેલી ઓફીસ વિનામુલ્યે ભાડા વગર ક્રેડીટ સોસાયટીના કાર્યાલય માટે આપવાની જાહેરાત કરી છે. જે કાર્યાલયમાં ખુરશીઓ તથા ડીજીટલ ઘડીયાળ પણ રાજુભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે. ક્રેડીટ સોસાયટીના ઓપનીંગ સુધી તમામ સભાસદો અને સોસાયટીનુ જે કંઈ પ્રીન્ટીંગ થાય તે તમામ શહેરના સેવકરામ લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસવાળા રાજુભાઈ કે.ગાંધી દ્વારા પ્રીન્ટીંગ કરી આપવામાં આવશે. જે પ્રીન્ટીંગનો અંદાજીત ખર્ચ રૂા.૫૦ હજાર કરતા વધારે થશે.
ક્રેડીટ સોસાયટીના કાર્યાલયમાં વિવિધ વસ્તુઓમાં એક મોટી તિજોરી શેઠ કેશવલાલ અમથાલાલ પટેલ સ્વાગત હોટલ, એક મીડીયમ તિજોરી ભરતભાઈ ભોળાભાઈ પટેલ એ.વી.ફાયનાન્સ લાછડીવાળા સ્કેનર અને ઝેરોક્ષ સાથેનુ પ્રીન્ટર ક્રેડીટ સોસાયટીના એમ.ડી. પટેલ કિર્તિભાઈ જીવરામભાઈ કલાનિકેતન, ફાઈલો માટેનુ કબાટ નિમેષભાઈ શાહ મહામંત્રી કોપરસીટી એસો., એક કોમ્પ્યુટર ભાવેશ પટેલ શ્રીજી બુલીયન, કાર્યાલયમાં બે કાઉન્ટર ટેબલ હસ્તે પટેલ અજયભાઈ ઈશ્વરભાઈ એ.બી.ફાયનાન્સ લાછડીવાળા, રૂા.૨૫૦૦૦ નુ પાસબુક પ્રીન્ટર મશીન હસ્તે મહેશભાઈ ગેટ વે ફેમીલી સ્ટોર, સભાસદ પાસબુકનુ સૌજન્ય કોપરસીટી મરચન્ટ એસોસીએશન, બે પંખા રામાભાઈ પટેલ દુર્ગા પ્રોવિઝન સ્ટોર ગંજબજાર, તથા સંસ્થાના કોમ્પ્યુટર સોફ્ટવેર તથા અન્ય સેવા માટે રૂા.૨૧,૦૦૦/- ચંદુભાઈ પરષોત્તમદાસ પટેલ પાપડી-ગંજબજાર, રૂા.૧૧,૦૦૦/- પટેલ નવીનભાઈ લક્ષ્મણભાઈ ખોડીયાર ફાયનાન્સ, રૂા.૧૧,૦૦૦/- પટેલ રાજુભાઈ ઉમિયા પ્લાસ્ટ, રૂા.૧૦,૦૦૦/- સ્વ.પટેલ મણીભાઈ હરગોવનદાસ ડેલાની ૧૦મી પુણ્યતિથિએ હ.કનુભાઈ ડેલા જી.આઈ.ડી.સી. ડેલા વુડન ગીઝર, રૂા.૫૦૦૦/- પટેલ મહેશભાઈ એલ.આઈ.સી.એજન્ટ, રૂા.૫૦૦૦/- પ્રવિણભાઈ ચૌધરી આવકાર સીમેન્ટ, રૂા.૫૦૦૦/- બાબુભાઈ ચૌધરી જયહિન્દ સ્ટીલ દ્વારા દાનભેટની જાહેરાત કરવામાં આવી છે.
નોધપાત્ર બાબત છેકે, શહેરના વેપારીઓની ઉભી થતી સંસ્થા માટે વેપારીઓનો અનેરો ઉત્સાહ છે. નાત જાતના ભેદભાવ વગર સભાસદ બનાવવામાં આવનાર છે. આ ક્રેડીટ સોસાયટીનો લાભ લોકોને મળે તેવો ઉમદા આશય છે. સંસ્થાની ઓફીસ દાન ભેટથી સજ્જ થઈ ગઈ છે. ત્યારે સંસ્થાનુ મકાન ખરીદવા અત્યારે દાન ભેટ સ્વિકારવામાં આવે તો પણ વેપારીઓ પાછી પાની કરશે નહી તે ચોક્કસ વાત છે. વેપારીઓનો ઉત્સાહ જોઈ ક્રેડીટ સોસાયટી ટુંક સમયમાંજ મોટુ વટવૃક્ષ બનતા કોઈ રોકી શકશે નહી તે નિર્વિવાદ વાત છે.