ભાજપના સાંસદ શારદાબેન પટેલનો ઘટસ્ફોટ
જીલ્લામાં સરકારી શાળાઓના ૯૬૨ રૂમ ભયજનક
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ માટે કેટલી નિષ્ક્રીય અને ઉદાસીન છે તેનો ઘટસ્ફોટ ભાજપના સાંસદેજ કર્યો છે. સરકારી શાળાઓમાં મોટાભાગે જરૂરીયાતમંદ પરિવારના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે શિક્ષણનુ સ્તર સુધારવાની વાતો કરતી સરકાર આવી શાળાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવતા મહેસાણા જીલ્લામાંજ સરકારી શાળાની ૯૦૦ ઉપરાંત્ત રૂમો ભયજનક જીર્ણ હાલતમાં હોવાની સાંસદ સભ્ય દ્વારા કેન્દ્ર સરકારમાં રજુઆત કરી વિશેષ ગ્રાન્ટ ફાળવવા ભલામણ કરી છે.
એક સાથે તમામ રૂમોના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર સમક્ષ હાથ ફેલાવ્યો
શિક્ષણનુ સ્તર સુધારવાની અને જ્યા જરૂરીયાતમંદ પરિવારના બાળકો અભ્યાસ કરે છે તે સરકારી શાળાઓમાં સુવિધાઓ આપવાની વાતો ફક્ત કાગળ ઉપરજ થાય છે. પરંતુ સાચી પરિસ્થિતિ શુ છે તેની હકીકત ખુદ ભાજપના સાંસદેજ ઉજાગર કરી રાજ્ય સરકારની પોલ ખોલી છે. મહેસાણા જીલ્લાના જાગૃત સાંસદ શારદાબેન પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે, મહેસાણા જીલ્લામાં કેટલીક શાળાઓ ૧૦૦ વર્ષ કરતા પણ જુની છે. કુદરતી આપત્તીઓના કારણે શાળાઓ જર્જરીત બની છે. જેમાં કેટલીક શાળામાં છત તુટી ગઈ છે અને દિવાલો પણ ભયજનક છે. ગત વર્ષે કરવામાં આવેલ એક સર્વે પ્રમાણે જીલ્લાની શાળાઓમાંથી ૯૬૨ રૂમો જીર્ણ હાલતમાં છે. જેમાંથી સરકાર માન્ય એન્જીનીયરોએ ૭૦૦ રૂમ કંડમ હાલતમાં હોવાનુ પ્રમાણપત્ર આવ્યુ છે. શાળાની રૂમો જર્જરીત હોવાના પ્રમાણપત્રના આધાર ઉપર આવી રૂમોમાં બાળકોને અભ્યાસથી દૂર રાખવા સુચના આપવામાં આવી છે. પરંતુ પુરતી રૂમો નહી હોવાથી જીવના જોખમે બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. ભયજનક રૂમોના કારણે કેટલીક શાળામાં તો બે સીફ્ટમાં બાળકોને અભ્યાસ કરાવવો પડે છે. ગ્રામજનો તથા શિક્ષકો દ્વારા નવી રૂમો બનાવવા વારંવાર રજુઆત કરી રહ્યા છે.
સાંસદ સભ્યએ વધુમાં જણાવ્યુ છેકે, ભયજનક રૂમો નવી બનાવવા રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ મર્યાદીત ગ્રાન્ટના કારણે દર વર્ષે ૧૦૦ થી ૨૦૦ રૂમ બનાવી શકાય છે. ઓછી જર્જરીત રૂમોની બીજા વર્ષે વધારે ખરાબ હાલત થતા પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. જેના કારણે જર્જરીત રૂમોની સંખ્યા વધી રહી છે. ભયજનક રૂમોમાં અભ્યાસ કરતા બાળકો કોઈ અકસ્માત કે દુર્ઘટનાનો ભોગ બને નહી તે માટે જીલ્લાની શાળાઓની આ તમામ રૂમો એક સાથે નવી બનાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે તે જરૂરી છે. કોઈ કંપનીના સી.એસ.આર. ફંડમાંથી પણ શાળાની જર્જરીત રૂમ નવીન બનાવી શકાય તેમ છે. વિશેષ ફંડ માટે રાજ્ય સરકારમાં પણ વિનંતી કરી છે. નાયબ મુખ્યમંત્રીએ આ બાબતે આશ્વાસન આપ્યુ છે. એક સાથે ગ્રાન્ટ ફાળવીને તમામ રૂમો નવી બનાવવામાં આવે તો બાળકોને બેસવા લાયક રૂમો બની શકે.