બે રસીના ડોઝ લેનાર ડેલ્ટા પ્લસ સામે રક્ષણ મેળવી શકશે
તંત્રી સ્થાનેથી
ચાયનાથી શરૂ થયેલ કોવીડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ ગણત્રીના દિવસોમાં જ ઝડપી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયુ હતુ. દુનિયાના સેંકડો લોકો કોરોનાની ઝપટમાં હોમાઈ ગયા છે. એકબાજુ વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન શોધવાની મહેનત હજુ પણ કરી રહ્યા છે તેની સામે કોરોના વાયરસ પણ તેનું સ્વરૂપ વારંવાર બદલી વધુ ઘાતક બની રહ્યો છે. ફેફસા ઉપર આક્રમણ કરતો આ વાયરસનું આધુનિક સ્વરૂપ છે. ડેલ્ટા પ્લસ તે ખુબજ ઘાતક છે. ડેલ્ટા વેરીયન્ટ સૌપ્રથમ ભારતમાં મળી આવ્યો હતો. ડેલ્ટા વેરીયન્ટ ૪૦ ટકા વધુ ઝડપી સંક્રમણ ફેલાવે છે. ડેલ્ટા વેરીયન્ટ આ સમયે યુ.કે.માં કોરોના વેરીયન્ટ બની સામે આવ્યો છે. તેના કારણે જાન્યુઆરીમાં યુ.કે.માં લોકડાઉન લાદવુ પડ્યુ હતુ. WHO એ આ વેરીયન્ટને ડેલ્ટા વેરીયન્ટ તરીકે ઓળખાવ્યો છે. હજુ ડેલ્ટા વેરીયન્ટના પ્રકારનો અભ્યાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા ત્યારેજ આ વાયરસે તેનું સ્વરૂપ બદલી દીધું અને હવે ડેલ્ટા પ્લસ તરીકે ઓળખાય છે. દુનિયાના વૈજ્ઞાનિકો જણાવે છે કે ડેલ્ટા પ્લસ ઘણો જોખમી છે બન્ને વેક્સીન લીધા પછી પણ તેનું જોખમ રહે છે. પણ જેમણે બે વેક્સીન લીધી હશે તેમને મોતનું જોખમ માત્ર દસ ટકા જેટલું જ રહેલુ છે. વાયરસના રૂપ બદલાયા પછી થોડા ફેરફાર થવા લાગ્યા છે. તે એવા છેકે ડેલ્ટા પ્લસના લક્ષણોમાં સુકી ખાંસી, તાવ અને થાક લાગે છે. તેના ગંભીર લક્ષણોની વાત કરીએ તો છાતીમાં દુઃખાવો, શ્વાસ ફૂલવો અથવા, શ્વાસ લેવામાં તકલીફ, વાત કરવામાં પણ તકલીફ થઈ શકે છે. WHO ના સ્વાસ્થ્ય અધિકારીએ સામાન્ય લક્ષણોમાં જણાવ્યુ છેકે ચામડી ઉપર ચાઠા, પગની આંગળીઓના રંગમાં ફેરફાર થવો, ગળામાં ખીચખીચ, સ્વાદ અને ગંધ ન આવવી, દસ્ત અને માથાનો દુખાવો સામેલ છે. ડેલ્ટા પ્લસ વાયરસ ફેલાવાની ગતિ ખૂબ ઝડપી છે. તેના કારણે યુરોપના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર દેખાઈ રહી હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ભારતમાં વેક્સીનની પ્રક્રિયા ખુબજ ધીમી ચાલી રહી છે. વેક્સીન સેન્ટર અને મેડીકલ સ્ટાફ તો પૂરતા પ્રમાણમાં છે પરંતુ વેક્સીનના ઉત્પાદનની ક્ષમતા ઓછી હોવાના કારણે વેક્સીનની જેટલી જરૂરીયાત છે તેની સામે સપ્લાય ઘણો ઓછો છે. વેક્સીન સેન્ટરો ઉપર લોકો ધક્કા ખાય છે. દક્ષિણના પાંચ રાજ્યોને બાદ કરીએ તો કોરોનાની સ્થિતિ મહદ અંશે કાબુમાં છે. પરંતુ એનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો. ત્રીજી લહેરનો ભય હજુ ઊભો છે. ત્રીજી લહેર વખતે શું સ્થિતિ હશે તે કહી શકાય તેમ નથી. પહેલી લહેર પૂર્ણ થઈ ત્યારે બીજી લહેર માટે લોકો નિશ્ચિંત થઈ ગયા પણ બીજી લહેર પહેલી કરતાં વધુ ઘાતક સાબિત થઈ. હવે ત્રીજી લહેર આવશે તો શું પરિસ્થિતિ થશે તે તો સમય જ કહેશે. પણ ડેલ્ટા પ્લસથી બચવા માટે રસીકરણ એ અત્યંત જરૂરી છે.