ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પીપીપી ધોરણે ખર્ચ કરવાની રજુઆત કરી
વિસનગરમાં ૧૫૫ સ્થળે CCTV માટે ગૃહમંત્રીની મુક સંમતી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં વધતી ગુનાખોરી રોકવા માટે જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવા ખુબજ જરૂરી છે. જે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પીપીપી ધોરણે ખર્ચ કરવા ગૃહમંત્રી પાસે રજુઆત કરી હતી. તાજેતરમાં ગૃહમંત્રીએ મહેસાણાની મુલાકાત દરમ્યાન વિસનગરમાં ૧૫૫ સ્થળે સીસીટીવી લગાવવા મુક સંમતી આપતા હવે આ પ્રોજેક્ટ આગળ વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
વિસનગરમાં જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવાનો પ્રોજેક્ટ છેલ્લા ૬ વર્ષથી અટવાયેલો છે. પાલિકાના ગત બોર્ડમાં ગઠબંધનના શાસનમાં શહેરમાં સીસીટીવી લગાવવા ઠરાવ કરાયો હતો. પરંતુ આ પ્રોજેક્ટનો ખર્ચ વધારે હોવાથી તેમજ સરકારનો સહકાર નહી મળતા પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો. વિસનગરમાં ગુનાખોરીનુ પ્રમાણ વધ્યુ છે. મકાનમાં ચોરી, બાઈક ચોરી, પર્સ ચોરી તો ક્યાંક દોરાની ચીલઝડપના બનાવો બની રહ્યા છે. શહેરમાં જાહેર સ્થળે સીસીટીવી હોય તો આ પ્રકારની ગુનાખોરી ઉપર અંકુશ આવી શકે તેમ છે.
શહેરના જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પ્રયત્નો હાથ ધર્યા છે. જે પ્રોજેક્ટ માટે થોડા સમય અગાઉ ધારાસભ્યના પ્રયત્નોથી પ્રાન્ત ઓફીસર, ડીવાયએસપી, પાલિકા પ્રમુખ તથા સભ્યો અને વેપારી મંડળોની ઉપસ્થિતિમાં સીસીટીવી પ્રોજેક્ટ માટે મીટીંગ થઈ હતી. જેમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ(પીપીપી) ધોરણે સીસીટીવી લગાવવા ચર્ચા થઈ હતી. જેમાં આ યોજનામાં માર્કેટયાર્ડે રૂા.૫૦ લાખ આપવા સંમત હોવાનુ જણાવી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પાલિકા તથા વેપારીઓ પાસે ફાળાની માગણી કરી હતી. જેમાં વેપારીઓએ કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર ચાલતા નહી હોવાથી પ્રોજેક્ટના ખર્ચમાં ફાળો આપવા માટે અસંમતી દર્શાવી હતી. જ્યારે પાલિકામાં ધારાસભ્ય વિરોધી જુથે પાલિકા શું કામ ખર્ચ કરે તેવું જણાવ્યુ હતુ. જેથી આ પ્રોજેક્ટનુ બાળમરણ થાય તેવી દશા થઈ હતી.
વિસનગરમાં વધતી ગુનાખોરી અંકુશમાં લાવવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કટીબધ્ધ બન્યા છે. જે માટે શહેરમાં ગમે તે રીતે સીસીટીવી લાગે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ગુનાખોરી રોકવા માટે રાજ્ય સરકારે વિશ્વાસ-૧ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી લગાવવા રૂા.૩૨૯ કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં મોટા શહેરોનોજ સમાવેશ કર્યો હતો. હવે સરકાર દ્વારા સીસીટીવી લગાવવા વિશ્વાસ-૨ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પણ મોટા શહેરોનોજ સમાવેશ કરાયો છે. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજુઆત કરી હતી કે કોઈ પાલિકા પીપીપી ધોરણે સીસીટીવી માટે સંમતી આપે અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે તો પાલિકા કક્ષાના શહેરોમાં પણ આ પ્રોજેક્ટ હાથ ધરવા વિચારવુ જોઈએ. ગત અઠવાડીયે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહેસાણાની મુલાકાત લીધી હતી. જેમાં કડી, ઉંઝા અને વડનગર સહીત વિસનગરમાં ૮૩૭ સીસીટીવી કેમેરા લગાવવા જણાવ્યુ હતુ. જેમાં વિસનગરમાં ૧૫૫ સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા સંમતી દર્શાવી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં વિસનગરમાં કયા જાહેર સ્થળે કેટલા કેમેરા લગાવવા તેનો આખો પ્રોજેક્ટ તૈયાર છે. ત્યારે વિશ્વાસ-૨ પ્રોજેક્ટ અંતર્ગત ગૃહમંત્રીએ વિસનગરમાં સીસીટીવી માટે સંમતી આપતા આ પ્રોજેક્ટને મંજુરી મળવાની આશા બંધાઈ છે.